નેશનલ મિલ્ક ડે પર કુછ મીઠા હો જાયે, દૂધની મિઠાઈની રેસિપી

26 Nov, 2014

આજે ભારતમાં નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આમ તો આ ઉજવણી અમૂલ દ્રારા કરવામાં આવી રહી છે. તેમ છતાં જો લોકોને દૂધ અને તેની બનાવટો ખાવા માટે પ્રોત્સાહિત કરવાના હોય તો, પાછળ કેમ રહેવાય. બસ તો આજે અમે પણ તમારા માટે 15 પ્રકારની દૂધના માવાની સ્પેશિયલ વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. નાના-મોટા બધાને પસંદ આવે તેવી મિઠાઈની રેસિપી આજે અમે તમારી માટે લાવ્યા છીએ. ખાસ કરીને ત્યારે જ્યારે આપણે આપણા ડાયેટમાં સીધી રીતે દૂધને સામેલ ન કરતા હોઈએ. એવામાં આ પ્રકારની મિઠાઈ આપણા પોષણનો ક્વોટા પૂરો કરે છે. બસ તો આજે મોકો પણ છે, અને અવસર પણ. થઈ જાવ તૈયાર સરસ મજાની મિઠાઈ ખાવા. હા, પણ પહેલા રેસિપી તો નોંધી લો.

બાસુંદી-
 
સામગ્રી-
 
-1 કપ બાસમતી ચોખા
-1/2 લીટર દૂધ
-1/2 કપ કન્ડેન્સડ મિલ્ક
-1 ટેબલ સ્પૂન ઘી
-1 ટેબલ સ્પૂન બદામ સમારેલી
-1 ટેબલ સ્પૂન કાજુ સમારેલા
-1 ટેબલ સ્પૂન પિસ્તા સમારેલા
-1 ટેબલ સ્પૂન અખરોટ સમારેલા
-1 ટેબલ સ્પૂન કિસમિસ
-1 ટેબલ સ્પૂન તેલ
-8 ટેબલ સ્પૂન ખાંડ
-1 ચપટી કેસર
-1/4 કપ દૂધ
 
રીત-
 
સૌપ્રથમ ચોખાને ધોઈને સાફ કરીને ચારથી પાંચ કલાક માટે પલાળી દો. ત્યાર બાદ તેને નીતારીને થોડાં પીસી લો. હવે એક કપ પાણીને ગરમ કરવા માટે મૂકો. એ જ પેનમાં તૈયાર કરેલી ચોખાની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને પાંચ મિનિટ સુધી ઉકળવા દો. વચ્ચે-વચ્ચે તેને હલાવતા રહો. હવે તેમાં દૂધ ઉમેરીને ફરીથી બાસુંદીને બરાબર મિક્ષ કરી લો. બાસુંદીને ચઢવા દો. તેને સતત હલાવતા રહો જેથી કરીને ચોખા તળિયે ચોંટી ના જાય. હવે તેમાં ઘી ઉમેરીને ફરીથી મિક્ષ કરી લો. ચોખા ચઢી જાય એટલે તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરીને એકથી બે મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ તેમાં કન્ડેન્સડ મિલ્ક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જો તમને બાસુંદી વધારે ઘટ્ટ લાગે તો તમે એક કે બે કપ પાણી બીજા પેનમાં ગરમ કરીને તેમાં ઉમેરી શકો છો. હવે બાસુંદીમાં કસર કે જે પા કપ ગરમ દૂધમાં ઓગાળેલું છે તે ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એક વખત બધી જ સામગ્રી બરાબર મિક્ષ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે બધા ડ્રાયફ્રુટ્સને એક બીજા પેનમાં એક ચમચી ઘી ગરમ કરીને તેમાં ફ્રાય કરી લો. બધા જ નટ્સ ગોલ્ડન રંગના થાય એટલે તેને બાસુંદીમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ બાસુંદી. સર્વિંગ બાઉલમાં કાઢીને તેને ફ્રીજમાં મૂકીને ઠંડી કરીને અથવા તો તમે ગરમા-ગરમ પણ સર્વ કરી શકો છો.
 
મલાઈ ચમચમ-
 
સામગ્રી-
 
ચમચમ માટે-
-2 કપ પનીર
-2 કપ ખાંડ
-4 થી 5 કપ પાણી
-1/2 ટી સ્પૂન કેસર
 
મલાઈ સ્ટફિંગ માટે-
-2 થી 3 કપ દૂધ
-2 કપ ખાંડ
-1 ટી સ્પૂન ઈલાયચી પાવડર
 
ગાર્નિશીંગ માટે-
-1 ટેબલસ્પૂન પિસ્તા સમારેલા
-3 થી 4 બદામ સમારેલી
-1 ચપટી કેસર
 
રીત-
 
સૌપ્રથમ એક બાઉલમાં પનીર લઈને તેને મસલો. પનીર એકદમ સોફ્ટ અને સુંવાળું બની જાય ત્યાં સુધી મસળો. જો પનીર કડક લાગતું હોય તો તેમાં થોડુંક ગરમ પાણી ઉમેરીને તેને સોફ્ટ બનાવો. હવે આ પનીરને એકસરખા ભાગમાં વહેંચી દો. ત્યાર બાદ તેમાંથી નાના ગોળા તૈયાર કરો. હવે આ ગોળાને એક પ્લેટમાં મૂકીને એકબાજુ મૂકી દો. આ પ્રક્રિયા ચાલુ હોય એ દરમિયાન એક પેનમાં પાણી ગરમ કરવા માટે મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ખાંડ અને કેસર ઉમેરીને હલાવો. મધ્યમ તાપે તેમાંથી ચાસણી બનાવો. ચાસણી તૈયાર થાય એટલે તેમાં પનીરના બોલ ધીમેથી ઉમેરો. ધીમેથી હલાવીને તેને ઉકળવા દો. એકાદ મિનિટ માટે ઉકાળીને ગેસ ધીમો કરી દો. ત્યાર બાદ પેનને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે તેને ચઢવા દો. પનીર બોલ ચાસણી ચૂસીને ફૂલી જશે. વચ્ચે-વચ્ચે પેનને ખોલીને ચેક કરી લો. પનીર બોલ એટલે કે ચમચમ ચઢી જઈને એકદમ સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ત્યાર બાદ તેને ઠંડા થવા દો. હવે ચપ્પા વડે સાચવીને ચમચમમાં વચ્ચે કટ કરી લો. હવે તેમાં મલાઈ સ્ટફિંગ ભરી દો. મલાઈ ચમચમ તૈયાર છે. તેને પિસ્તા, બદામ અને કેસરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
 
નારિયેળના લાડુ-
 
સામગ્રી-
 
-2 કપ નારિયેળનું છીણ
-2 કપ કન્ડેન્સડ મિલ્ક
-1 કપ ખાંડ
-1 ટી સ્પૂન ઈલાયચી પાવડર
-4 થી 5 બદામની કતરણ
-1 ટી સ્પૂન બટર
 
રીત-
 
સૌપ્રથમ કન્ડેન્સડ મિલકને એક ઉંડા પેનમાં કાઢીને ગરમ કરવા માટે મૂકો. તેને 10 મિનિટ માટે ઉકળવા દો. થોડી-થોડીવાર પછી તેને હલાવતા રહો. જેથી કરીને તે તળિયે ચોંટે નહીં. હવે તેમાં નારિયેળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. નારિયેળ બધું જ મિલ્ક ઓબ્સર્વ કરી લેશે. તેને દસથી પંદર મિનિટ માટે ઉકળવા દો. હવે તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમાં ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બંને હથેળીમાં ઘી લગાવીને તૈયાર કરેલા મિશ્રણમાંથી લાડુ વાળો. તૈયાર છે સ્વાદિષ્ટ કન્ડેન્સડ લાડુ. જેને બદામથી ગાર્નિશ કરીને સર્વ કરો.
 
બદામ ફિરની-
 
સામગ્રી-

-4 ટેબલ સ્પૂન ગોળ સમારેલો
-10 થી 15 નંગ બદામનો ભૂકો
-3 કપ દૂધ
-1/4 કપ ચોખા પલાળેલા
-1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર
-1 ટી સ્પૂન રોઝ વોટર
 
રીત-
 
સૌપ્રથમ એક ઉંડા પેનમાં દૂધ લઈને તેને ગરમ કરવા માટે મૂકો. પલાળેલા ચોખામાંથી પાણી નીતારી લો. ત્યાર બાદ તેની સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે ઉકળી રહેલા ગરમ દૂધમાંથી થોડુંક ચોખાની પેસ્ટમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ પેસ્ટને દૂધમાં ઉમેરીને તેને ઉકળવા માટે મૂકો. મધ્યમ તાપે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ચઢવા દો. હવે તેમાં ઈલાયચી પાવડર અને સમારેલો ગોળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને પાંચથી છ મિનિટ માટે ધીમા તાપે ચઢવા દો. હવે તેમાં બદામ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ખીર તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. અને તેને ઠંડી થવા દો. તમે ઈચ્છો તો એને ફ્રીજમાં કૂલ કરીને પણ સર્વ કરી શકો છો. સ્વાદિષ્ટ બદામ ફિરની તૈયાર છે .
 
ગોપાલકલા-
 
સામગ્રી-
 
-2 કપ નારિયેળનું છીણ
-1 કપ પૌંઆ
-3 ટેબલ સ્પૂન ખાંડ
-1 કપ દહીં
-1 નંગ કાકડી સમારેલી
-1 ઈંચના આદુંના ટુકડાની છીણ
-4 નંગ લીલા મરચાં સમારેલા
-1 ટી સ્પૂન જીરૂં
-1 ટેબલ સ્પૂન ઘી
-1 ચપટી મીઠું
 
રીત-

સૌપ્રથમ પૌંઆને 10 થી 15 મિનિટ માટે પલાળી લો. ત્યાર બાદ તેને નીતારી લો. એ વાતનું ધ્યાન રાખવું કે વધારે સમય માટે ના પલાળવા. હવે તેને એક મોટા મિક્ષિંગ બાઉલમાં લઈ લો. હવે તેમાં દહીં, ખાંડ અને નાળિયેર ઉમેરો. છેલ્લે ટોચ પર કાકડી ઉમેરો. હવે આ બધી જ સામગ્રીને બરાબર રીતે મિક્ષ કરી લો. જો તમે ઈચ્છો તો એક ચપટી મીઠું ઉમેરી શકો છો. હવે એક નોન સ્ટિક પેનમાં ઘી ગરમ કરો. હવે આ ઘીને તૈયાર કરેલા ગોપાલકલા પર રેડી દો. તૈયાર છે સ્વાદિષ્ટ ગોપલકલા. જે જન્માષ્ટમી માટે એક પરફેક્ટ ડિશ છે.
 
કલાકંદ-
 
સામગ્રી-
 
-1 લીટર દૂધ
-1 કિગ્રા ફ્રેશ પનીર
-1 કપ ખાંડ
-1 ટી સ્પૂન ઈલાયચી પાવડર
-બદામ-પિસ્તા સમારેલા
-બટર જરૂર મુજબ

 રીત-
 
સૌપ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ગરમ કરવા માટે મૂકો. દૂધ ઉકળીને ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. પનીરને એકદમ મસળીને ભૂકો કરી લેવો. ત્યાર બાદ તેને ઉકળતા દૂધમાં ઉમેરવુ. પનીર બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દેવુ. ત્યાર બાદ એક બટર લગાવેલી થાળીમાં તેને પાથરવુ. અને બદામ-પિસ્તાથી ગાર્નિશ કરવુ. મિશ્રણ ઠંડુ થાય એટલે તેના કટકા કરીને સર્વ કરવુ.
 
કેસર પિસ્તા ખીર-
 
સામગ્રી-
 
-1/2 કપ ઘી
-1 કપ બાસમતી ચોખા
-1/2 લીટર દૂધ
-2 થી 3 નંગ ઈલાયચી
-1 ચપટી કેસર
-8 થી 10 નંગ પિસ્તા
-11/2 થી 2 કપ ખાંડ
 
રીત-
 
સૌપ્રથમ એક ઉંડા પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ચોખા ઉમેરીને ધીમા તાપે સાંતળો. લાઈટ બ્રાઉન રંગના થાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લો. હવે બીજા એક ઉંડા પેનમાં દૂધ ગરમ કરવા માટે મૂકો. મધ્યમ તાપે તેને ઉકળવા દો. તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ઈલાયચી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પાંચથી છ મિનિટ બાદ દૂધું ગેસ પરથી ઉતારી લો. હવે તેમાં કેસર અને પિસ્તા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં સાંતળેલા ચોખા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ફરીથી તેને ઉકળવા માટે મૂકો. ચોખા બરાબર બફાય જાય એટલે ગેસ બંધ કરી દો. તમારી કેસર-પિસ્તા ખીર તૈયાર થઈ ગઈ છે. તેને ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.