ઓછા સમયમાં ટિફિન બનાવવાનું હોય તો, બેસ્ટ ચોઇસ છે આ 7 કઠોળ

14 Nov, 2017

રોજ-રોજ ટિફિનમાં શું બનાવવું તે સૂજતું ના હોય, શાક શેનું બનાવવું તેનો વિચાર ના આવતો હોય તો, કઠોળ બેસ્ટ ઓપ્શન બની જાય છે. અને તે પણ જો ગુજરાતી સ્ટાઇલમાં મળી જાય તો-તો ચોક્કસથી ચસ્કો પડી જાય. આગલી સાંજે શાક લાવવાનું રહી ગયું હોય કે, શાક સમારવાનો કંટાળો આવતો હોય તો, કઠોળ પલાઈ દો. સવારે ટિફિન માટે ફટાફટ તૈયાર થઈ જાશે શાક. તો ફટાફટ નોંધી લો રેસિપિ.
બટર ચણા

સામગ્રી

-એક કપ કાળા કાબુલી ચણા(આખી રાત પલાળેલા)
-એક નંગ બટાકા
-એક નંગ ગાજર
-એક નંગ બીટ
-એક નંગ ટામેટા
-એક કેપ્સિકમ
-એક નંગ લીલા મરચાં
-એક નંગ ડુંગળી
-બટર જરૂર મુજબ
-એક ચમચી ચાટ મસાલો
-મીઠું સ્વાદ મુજબ
-એક ચમચી લીંબુનો રસ

રીત
સૌપ્રથમ પહેલેથી પલાળેલા ચણા અને બટાકાને કુકરમાં બાફવા મૂકી દો. તેની ત્રણ સીટી વગાડી લો. બટાકા અને ચણા બફાય ત્યાં સુધી બીજી તૈયારી કરી લો. બીટ અને ગાજર ને ખમણીથી છીણી લેવા. શિમલા મિર્ચ, ડુંગળી અને ટામેટાના ઝીણા ટુકડા કરી લેવા. લીલા મરચાંના બારીક ટુકડા કાપી લેવા. હવે બફાયેલા બટાકાના થોડા મોટા ટુકડા કાપી લેવા. આમ બટર ચણા માટેની પૂર્વ તૈયારી પૂરી થઈ ગઈ. હવે એક પેનને ગેસ પર ધીમી આંચ પર ગરમ કરો. હવે તેમાં એક ચમચી બટર મૂકવું. જેવું બટર ઓગળે એટલ તેમાં બાફેલા ચણા ઉમેરીને હલકા હાથે બટર સાથે મિક્સ કરવા. હા પણ ચણા તળવા કે શેકાવા ના માંડે તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ તેમાં મરચાંના ઝીણા ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરવું. પછી બટાકાના ટુકડા અને કેપ્સિકમના ટુકડા ઉમેરી દેવા. સ્વાદાનુસાર ચાટ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી દેવું. મિશ્રણને સારી રીતે મિક્સ કરવું. છેલ્લે ટામેટા, ડુંગળીના ટુકડા અને બીટ-ગાજરનું છીણ ઉમેરી દેવું. ખટાશ માટે સ્વાદાનુસાર લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. બીટ અને ગાજરના છીણને લીધે મિશ્રણનો રંગ ઘેરો થશે અને તેમાંથી પાણી પણ છુટશે. શાકને હલાવતા રેહવું. બધી સામગ્રી નાખ્યા બાદ ચાર મિનિટના સમય પછી ગેસ પરથી ઉતારી લેવું. કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરવું.