માત્ર કબજિયાત જ નહીં ઘણા રોગો દૂર કરે છે ત્રિફળા.

05 Jul, 2018

ત્રિફળા એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે શરીરની કાયાકલ્પ કરી શકે છે. ત્રિફળાનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે. જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા માટે ત્રિફળા ચૂર્ણ અત્યંત કારગર અને ગુણકારી માનવામાં આવે છે. ત્રિફળા માત્ર કબજીયાત જ નહીં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અક્સિર માનવામાં આવે છે. ત્રિફળાને આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી મિશ્રણ અને ઉત્તમ ઔષધી માનવામાં આવે છે ત્રિફળા અર્થાત્ હરડે, બહેડા અને આમળાનું મધુર મિલન છે જે સ્વાસ્થ્યને અલમસ્ત રાખે છે.

 
હરડેઃ હરડેની તુલના આયુર્વેદમાં માતાના દૂધની સમાન ગણાવાઈ છે. હરડે ત્રિદોષ (વાયુ, પિત્ત અને કફ)નાશક છે. હરડે અગ્નિ પ્રદીપ્ત કરે છે એટલે કે ભૂખ લગાડે છે. હરડે હૃદય અને મગજ માટે ટોનિકની જેમ કામ કરે છે.
 
આમળાઃ આમળા અનેક રીતે ગુણકારી છે. તે શરીરને ઇન્ફેક્શનથી દૂર રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી શરીરમાં એન્ટી બેક્ટેરિયલ શક્તિનો સંચાર થાય છે. આમળા યુવાની બરકરાર રાખે છે. પિત્ત દોષમાં ફાયદાકારક છે. પાચનને દુરસ્ત રાખે છે. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે.
 
બહેડાઃ બહેડા અત્યંત ગુણકારી છે. તે કફદોષનાશક અને કેશવર્ધક હોવાથી વાળને કાળા રાખવામાં મદદ કરે છે. આંખ અને લોહી સંબંધી રોગોમાં લાભકારી છે.
 
આમ આ ત્રણેય અત્યંત ગુણકારી વસ્તુઓના સંગમથી બને છે ત્રિફળાનું ચૂર્ણ. આ ચૂર્ણ તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો, તેની ઉપયોગ રીત તમને જણાવીશું.
 
ત્રિફળા ચૂર્ણ બનાવવાની રીત
 
-હરડે મોટી લેવી, બહેડા નવા લેવા, આમળા મોટા પસંદ કરવા. આ ત્રણેય વસ્તુઓને છાંયે સૂકવીને તેનું ચૂર્ણ બનાવી કપડાથી ગળી લો અને આ ચૂર્ણ બરણીમાં ભરી લેવું. આ સિવાય તમે બજારમાં મળતાં ત્રિફળા ચૂર્ણનું પણ સેવન કરી શકો છો. પણ તેની ગુણવત્તા સારી હોવી જોઈએ.
 
-જોકે ઉત્તમ ગુણો માટે એક ભાગ હરડે, બે ભાગ બહેડા અને ત્રણ ભાગ આમળાનું ચૂર્ણ મિક્સ કરવું. બાકી, વ્યક્તિની પ્રકૃતિ અનુસાર આ ત્રણેય ચીજોના પ્રમાણમાં વધઘટ કરવાથી આ ચૂર્ણની વધુ અક્સિર અસર મેળવી શકાય છે.
 

 
-આમ તો વ્યક્તિની જરૂરિયાત અને પ્રકૃતિ પ્રમાણે ત્રિફળાનું સેવન કરવું હિતાવહ છે. સાથે જ કોઈ નિષ્ણાંત આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈને પણ ત્રિફળાનું સેવન શરૂ કરવું જોઈએ નહિતર ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે.
 
ત્રિફળાના સેવનથી થતાં લાભ
 
-આયુર્વેદમાં આંખના રોગોમાં ‘ત્રિફલા ચૂર્ણ’નું વિશેષ મહત્વ છે. અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ જો સવાર- સાંજ એક ચમચી મધ અથવા ઘી સાથે ચાટવામાં આવે અને ઉપર એક ગ્લાસ દૂધ પીવામાં આવે તો આંખની રતાશ, આંખ આવવી, આંજણી થવી, બળતરા થવી, ખંજવાળ આવવી, ઝાંખું દેખાવું, પાણી પડવું, સોજો થવો વગેરેમાં ફાયદો થાય છે. ત્રિફળા ચૂર્ણના ઉકાળાને ઠંડો કરી નિતારીને આ પાણી સવાર- સાંજ આંખ પર છાંટવાથી પણ ઉપર્યુક્ત રોગોમાં ફાયદો થાય છે.
 
-ત્રિફળાનું સેવન કરવાથી ભૂખ ઉઘડે છે. ઊલટી, ઉબકા અને ગેસ થવાની સમસ્યામાં રાહત મળે છે.
 
-ત્રિફળા કફના અને મૂત્રના રોગો મટાડનાર, મળ અને વાયુને નીચેની તરફ સરકાવનાર છે.
 
-પાઇલ્સ, ત્વચાના રોગો, લોહીનો બગાડ, ન મટતાં ચાંદા વગેરે સમસ્યાઓમાં ત્રિફળાનું સેવન લાભકારી સિદ્ધ થાય છે.
 
-વાળના રોગો, નખના અને આંખના રોગો, અનિદ્રા, હૃદયરોગ, પાચનતંત્રના રોગો અને ત્રિદોષજન્ય અનેક રોગોમાં ત્રિફળાનું સેવન ઉત્તમ માનવામાં આવે છે.
 
-ઘા સાફ કરવા માટે એક ચમચી ત્રિફળા એક ગ્લાસ પાણીમાં નાખીને એને ગરમ કરવું. પાણી ચોથા ભાગનું રહે એટલે ગાળીને નીકળેલા પાણીથી ઘા સાફ કરવો. આનાથી ઘા પાકશે નહીં, ઘા ઝડપથી રૂઝાય એ માટે ત્રિફળાથી સિદ્ધ કરેલું ઘી લગાવવું અને એના પર ચોખ્ખું સુતરાઉ કપડું મૂકીને પાટો બાંધવો. માર્કેટમાં ત્રિફળાઘૃત નામે ત્રિફળાનું ઘી તૈયાર મળે છે. વાળ ધોવા માટે ત્રિફળાનો ક્વાથ અને શિકાકાઈ મિક્સ કરવાથી વાળમાં ખોડો, ઉંદરી મટે છે અને અકાળે સફેદ નથી થતા.
 
-આ ચૂર્ણના નિયમિત સેવનથી નબળાઈ દૂર થાય છે.
 
-ત્રિફળાને મધની સાથે લેવાથી સ્થૂળતા દૂર રહે છે અને રક્તવાહિનીઓ લચીલી બને છે, જેનાથી રક્ત પ્રવાહ સરળ બને છે. ચહેરાની કરચલીઓ દૂર થાય છે. મોટી ઉંમરે પણ હદયને મજબૂત રાખે છે.
 
-ત્રિફળાના ઉકાળો બનાવી ઘા ધોવાથી એલોપેથિક એન્ટસેપ્ટિકની જરૂર નથી રહેતી. ઘા જલ્દી ભરાઈ જાય છે.
 
-ડાયાબિટિસમાં ત્રિફળાનું સેવન ખૂબ જ લાભદાયી રહે છે.
 
-મોઢાનાં ગલોફાં પર ચાંદાં પડતાં હોય, ગળામાં દુઃખાવો રહેતો હોય કે કાકડા થયા હોય ત્યારે એક ચમચી ત્રિફળાચૂર્ણ એક ગ્લાસ પાણીમાં પલાળી રાખવું. બીજા દિવસે ઉકાળીને અડધું થાય એટલે ક્વાથ ઠારી, ગાળીને એ પાણી થોડીક વાર મોંમાં ભરી રાખવું અને પછી કોગળા કરવા. આનાથી લાભ થશે.
 
ત્રિફળા લેવાના નિયમો-
 
સેવન કરવાની વિધિ – સવારે હાથ મોઢું ધોયા અને કોગળા કર્યા પછી ખાલી પેટે (નરણે કોઠે) તાજા પાણી સાથે એને લેવું તથા લીધા પછી એક કલાક સુધી પાણી સિવાય કશુ જ નહિ લેવાનું. આ નિયમનો કઠોરતાથી પાલન કરો.
 
આ સિવાય આ ઔષધની માત્રા દર્દીની ઉંમર, રોગની અવસ્થા, ઋતુ, દર્દીની શારીરિક અને માનસિક પ્રકૃતિ, વાયુ, પિત્તાદિદોષ વગેરેને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે, પરંતુ સામાન્ય ઉપયોગમાં તેની માત્રા અડધીથી દોઢ ચમચી સુધી ગણાવાય છે. આ સિવાય તમે રોજ રાતે જમ્યાના 45 મિનિટ પછી અને સૂતા પહેલાં પણ લઈ શકો છો. તમે નવશેકા પાણી સાથે ત્રિફળાનું સેવન કરી શકો છો.
 
કયા રોગમાં કઈ વસ્તુ સાથે ત્રિફળાનું સેવન કરવું
 
કફના રોગોમાં ત્રિફળાનો ઉપયોગ સૂંઠ, મરી અને પીપર સાથે કરવો.
 
પિત્તના રોગોમાં ઘી અને સાકર સાથે,
 
વાયુના રોગોમાં દિવેલ અને ગોળ સાથે,
ડાયાબિટીસમાં મધ અને પાણી સાથે,
 
કોઢમાં ઘી સાથે,
 
અરુચિ, મંદાગ્નિ અને અજીર્ણમાં સિંધાલૂણ સાથે,
 
ઊલટી, ઊબકા ને ગેસમાં બીજોરાં કે લીંબુના રસ સાથે,
 
પાંડુ-એનેમિયામાં ગોળ સાથે,
 
અનિદ્રામાં ભેંસના દૂધ સાથે,
 
ઉદર રોગ, સોજા, ખુજલી, ત્વચાના રોગો, મૂત્રાઘાત, કમળો, લિવરના રોગો વગેરેમાં પાણી સાથે લઈ શકાય.