ગમે તે સિઝનમાં કામ આવે એવી MOST IMP પ્રવાસની ટિપ્સ, વાંચી જ લો

27 Dec, 2014

ઘરની બહાર નીકળીએ પછી આપણી સ્વસ્થતા અને વ્યવસ્થિતતાને જાળવવાનું મુશ્કેલ બની જાય છે. કોઈ પણ પ્રવાસ હોય- ધંધાકીય, વેકેશનનો કે અંગત- તેનો રોમાંચ પણ હોય છે અને તકલીફો પણ હોય છે. કોઈ પણ પ્રવાસનું યોગ્ય રીતે આયોજન કરીએ પ્રવાસની યોગ્ય રીત નક્કી કરીએ તો ઓછી તકલીફ પડશે. પ્રવાસમાં હોવ ત્યારે વજન ઉતારવાનો પ્રયાસ ના કરશો. તેને બદલે તમારા વજનને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવાની આકાંક્ષા પ્રવાસ દરમિયાન ના રાખશો. પરંતુ જે સ્વાસ્થ્ય છે તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરો.

વિદેશના પ્રવાસમાં જેટ- લેગને કારણે અનેક પ્રકારની તકલીફો ઊભી થાય છે. આવા પ્રવાસ દરમિયાન શક્ય એટલાં તાજાં શાક અને ફળો ખાઓ. સફરજન, કેળા, મોળાં સીંગદાણા, સૂકા જરદાળુ (આલુ), વગેરેમાં શરીર માટે આવશ્યક પોષક- તત્ત્વો હોય છે જે શરીરને ર્સ્ફૂિતલું અને કાર્યશીલ રાખે છે.

પ્રવાસની તૈયારી કરો ત્યારે સાથે પાણી, ગ્રીન-ટી (પત્તીવાળી ચા), બદામ, સફરજન, કેળા, ફળોના રસ વગેરે જરૂર લો. હવાઈ- પ્રવાસ કરતી વખતે તેમજ ધંધાકીય કામો વખતે તળેલાં નાસ્તા કે અન્ય ચરબીયુક્ત ખાદ્યો લેવાને બદલે નટ્સ અને સૂકો મેવો સાથે રાખો.

હોટલમાં ઉતરો ત્યારે પણ જાતજાતના સ્વાદિષ્ટ ખાદ્યો ખાવાને બદલે ઓટમીલ, ઘઉંના ટોસ્ટ, તાજાં ફળો, તાજું દહીં વગેરે પસંદ કરો. મીઠાઈ જો તમને ખૂબ પસંદ હોય તો થોડી મીઠાઈ ઘેરથી જ લઈ લો. આખા અનાજના સિરિયલ ખાઓ.

દિવસના બે મુખ્ય ભોજન વચ્ચે વધુ અંતર ના રાખશો. અત્યંત ક્ષુધાતુર બનવાથી યોગ્ય ખાદ્યોનું ચયન કરવાનું મુશ્કેલ બને છે. મુખ્ય ભોજન આવે તે પહેલાં ચીપ્સ જેવાં તળેલાં નાસ્તા ખાવાનું ટાળો. તેના બદલે એક ગ્લાસ પાણી પી લો અથવા સૂપ કે સલાડ મંગાવો. ધીમે ખાઓ. પાણીનું યોગ્ય માત્રામાં સેવન કરો. દિવસભર સાથે પાણીની બોટલ રાખો. આમ કરવાથી ખાવાની ઈચ્છાને નિયંત્રિત કરી શકાય છે.

પ્રવાસ દરમિયાન નડતી એક અન્ય સમસ્યા છે આળસ. હોટલના જીમ્નેશ્યમમાં તમારા કામનું સાધન ના મળે તો તમે તરત જ કસરત કરવાનું માંડી વાળશો. આમ કરવાને બદલે જે અનુકૂળ આવે તે કસરત કરો. જે રીતે તમારા ઘેર તમે કસરત કરો છો તે જ રીતે હોટલના રોકાણ દરમિયાન પણ કરો. બને ત્યાં સુધી એવી હોટલમાં રહો જ્યાં કસરત કરવાની સુવિધા છે અથવા જેની નજીકમાં જીમ છે. પ્રતીક્ષા કરવાના સમયે ચાલી લો. લીફટને બદલે સીડીનો ઉપયોગ કરો. જો આયોજન અનુસાર બધું થશે તો તમે પ્રવાસ પરથી પાછા ફરો ત્યારે તાજામાજાં હશો.

પ્રવાસ દરમિયાન પણ સુંદર અને સુઘડ દેખાવું જરૂરી છે. ત્વચાને ધૂળ-પરસેવાથી મુક્ત કરવા સાથે ક્લીન્સીંગ- પ્રોડક્ટસ રાખો. ત્વચા સાફ કરવાના વાઈપ્સ ખૂબ સુવિધાજનક રહે છે. મોઈશ્ચરાઈઝર ખૂબ ઉપયોગી છે તેથી તે જરૂર સાથે રાખો. પ્લેનમાં કે વાહનમાં બેસો તે પહેલાં મોઈશ્ચરાઈઝર લગાવી લો. ફાઉન્ડેશન લગાવવું ટાળો.

પ્રવાસ દરમિયાન મેકઅપ કરવાનું ટાળો. બંધિયાર હવામાં વધુ પડતો મેકઅપ કંટાળો અને થાક લાવે છે. ચમકતા રંગવાળી નેલ-પોલિશ ના લગાવશો. તે ઝડપથી ઉખડીને તમારા નખને નિસ્તેજ બનાવી દેશે. ટકાઉ લીપસ્ટીક લગાવવાને બદલે સાદી સૌમ્ય લીપસ્ટીક લગાવો. પ્રવાસ આરંભો તે પહેલાં વાળમાં કંડીશનર લગાવી દો. જેથી તમારા વાળ બહારના વાતાવરણમાં અથવા બંધિયાર હવામાં સૂકા અને નિસ્તેજ ના બની જાય.

પ્રદૂષણ અથવા વધુ પડતા પ્રકાશથી આંખો બળે છે તેથી તમારી સાથે આઈ-ડ્રોપ્સ રાખો. જ્યારે જરૂર લાગે ત્યારે તે નાંખતા રહો. ગરમ આબોહવાવાળા પ્રદેશમાં જાઓ ત્યારે સન-બ્લોક લોશન જરૂર લગાવો. રૂને સૌમ્ય ક્લીન્સરમાં બોળીને ચહેરો અને ડોક પર ફેરવી લો જેથી ત્વચા સાફ રહે. પ્રવાસ દરમિયાન તમે જો સૂઈ શકો તો આંખો નીચે આઈ-ક્રીમ કે નાઈટ-ક્રીમ લગાવો. જાગશો ત્યારે તમારી આંખો તાજી દેખાશે.

પ્રવાસ દરમિયાન એન્ટી- રીન્કલ વસ્ત્રો પહેરો. આટલું કરવાથી પ્રવાસના અંતે તમે સ્વચ્છ, સુઘડ અને તાજા દેખાશો. પગને આરામ આપવા સારી ગુણવતાવાળા પગરખા પહેરો. ઓફિસમાં ના હોવ ત્યારે એડીવાળા કે ફેશનેબલ પગરખા પહેરવાનું ટાળો.