કચ્છથી કાઠિયાવાડના રાજ-રજવાડાની શાન, ક્યાં કેવો હતો પાઘડીનો પહેરવેશ

20 Oct, 2016

પાઘડી દરેક સમાજ માટે એક અનેરૂ મહત્વ ધરાવે છે. પાધડી એ માન મોભાનું પ્રતિક ગણવામાં આવે છે. ભારતમાં આજેપણ અનેક સમાજોમાં પાઘડી પહેરવાની પ્રથા જળવાઇ રહી છે. એક સમયે પાઘડી પરથી જે તે પ્રદેશની ઓળખ થતી હતી. પાઘડી માટે એક કહેવત છે કે,'પઘડી બેચ કે ઘી મત ખૈયો' એટલે કે પરિવાર કે કુળની માન-મર્યાદાનો સોદો કરીને જાહોજલાલી મેળવવાની કોશિશ ન કરવી જોઇએ.  


ગુજરાત રાજ્યમાં પણ પાઘડી પહેરવાની પરંપરા ઘણી જ પ્રચલિત અને સામાજિક મોભા પ્રમાણેની હતી. વર્તમાન સમયમાં પણ અહીંના ભાતિગળ મેળાઓમાં, લગ્ન તેમજ નવરાત્રી જેવા ઉત્સવોમાં પાઘડી પહેરેલા પુરુષો જોવા મળે છે. ગુજરાતી લોકગીતો, વાર્તાઓ, કહેવતો વગેરેમાં પણ પાઘડીનો ઉલ્લેખ અવારનવાર થયેલો જોવા મળે છે. 

ગુજરાતના પરંપરાગત રીતે ઓળખાતા વિવિધ પ્રદેશો જેમ કે કાઠિયાવાડ ખાતે ઓખામંડળ, હાલાર, ઝાલાવાડ, પાંચાળ, બારાડી, નાઘેર, સીમર, મચ્છુકાંઠો, બાબરીયાવાડ, વાળાક અને વાગડ, આભીર દેશ (કચ્છ) ખાતે વાગડ, ગરડો, પાવર, માકવટ, મેઆણી, અબડાસો, મોડાસો, કાંઠી અને પ્રાંથડ, ઉત્તર ગુજરાત ખાતેના ચોરાડ, જતવાડો, નહેર, વઢિયાર, ઢાંઢર, છપ્પન, પાટણવાડો અને દંઢાવ્ય, અમદાવાદ જિલ્લા ખાતે ભાલ, કનેર અને નળકાંઠા, દક્ષિણ તરફના ખંભાતબારું, વાંકળ, સંખેડા, મહુવાણ, કંઠાળ, નીમાડ, ખાનદેશ, મેવાડ, રાજ, મઠોર, ડાંગ અને બાગલાણ પંથકોમાં રહેતી વિવિધ લોકજાતિઓએ પોતાની પ્રાદેશિક સંસ્કૃતિની ઓળખ આપતી પાઘડી પહેરતા હતા.