લગ્ન કરતા પહેલા જાણી લો, ક્યાં લગ્ન વધુ સફળ થશે લવ કે અરેન્જ્ડ મેરેજ?

02 Jan, 2016

 તમને આપણી બોલિવૂડની ફિલ્મોમાં ઘણી વખત એવું સાંભળવા મળ્યું હશે કે, ‘જોડિયાં તો ઉપરવાલા બનાતા હૈ, હમ તો સિર્ફ ઉન્હેં મિલાને કા એક જરિયા હૈ!’ આ કથનથી કદાચ બધા જ સહમત હશે છતાં લવ મેરેજ સારા કે એરેન્જ્ડ મેરેજ, એ મૂંઝવણ દરેક યુવક-યુવતીના મનમાં થતી જ હોય છે.

 
લગ્નની વાત થાય અને લવ મેરેજ કે એરેન્જ્ડ મેરેજની ચર્ચા ન થાય એવું બની શકે ખરું? લવ મેરેજ અને એરેન્જ્ડ મેરેજ વચ્ચે કાયમ એક ઠંડું યુદ્ધ ચાલતું હોય છે કે કયાં લગ્ન લાઇફ ટાઇમ ચાલી શકે? આ સવાલનો જવાબ તો કોઈ પાસે ન હોય પણ જ્યારે લગ્ન નક્કી કરવામાં આવે ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો લગ્ન લવ હોય કે એરેન્જ્ડ, ચોક્કસ સફળ થાય છે. દરેક મેરેજના ચોક્કસ ફાયદા હોય છે. વળી, તે બન્નેમાં અમુક પ્રકારની મુશ્કેલીઓ પણ પડતી હોય છે અને કેટલીક સાવધાની રાખવામાં આવે તો બન્નેમાં સફળતાની શક્યતા વધી જતી હોય છે. 
 

 
- લવ મેરેજમાં બંને વ્યક્તિ એકબીજાને પહેલાંથી જ ઓળખતી અને સમજતી હોય છે.
 
- પ્રેમીઓ એકબીજાંની પસંદ-નાપસંદને બહુ સારી રીતે સમજી વિચારીને જ લગ્ન માટે તૈયાર થાય છે.
 
- એકબીજાની પ્રાથમિકતા, જરૂરિયાત અને સંબંધોને વધુ સારી રીતે જાણતા હોય છે.
 
- કઈ વાત ઉપર તેમના પાર્ટનરને ગુસ્સો આવશે અને કઈ વાત તેને નહીં ગમે એ તેઓ બહુ સારી રીતે જાણતા હોય છે.
 
- સંબંધોમાં વિશ્વાસ, પ્રેમ અને પરસ્પર સમજણ વધુ જોવા મળે છે.
 
- એકબીજાને પહેલાંથી ઓળખવાને લીધે તેમના વચ્ચે પ્રેમની સાથે-સાથે મિત્રતા પણ હોય છે જેના લીધે તેમના વચ્ચે ગેરસમજની શક્યતાઓ ઓછી હોય છે.
 
- બંને વ્યક્તિ એકબીજાના સ્વભાવ અને વિચારસરણીથી સારી રીતે વાકેફ હોય છે.
 
- એકબીજાને સારી રીતે ઓળખવાને લીધે પતિ-પત્ની બંને વચ્ચે કમ્ફર્ટ અને સમજણશક્તિ વધુ સારી હોય છે જેના લીધે તેમના વચ્ચે બહુ ઓછા વિવાદ સર્જાતા હોય છે.
 

 
લવ મેરેજમાં આવતી મુશ્કેલીઓ
 
- લવ મેરેજમાં ક્યારેક પરિવારના સભ્યો લગ્ન માટે તૈયાર નથી થતા, તો ક્યારેક એક બાજુથી સહમતી મળતી હોય છે, પરંતુ બીજી વ્યક્તિના પરિવારવાળા લગ્ન માટે રાજી હોતા નથી.
 
- પ્રેમ કંઈ જ્ઞાતિ જોઈને થતો નથી ત્યારે આંતરજ્ઞાતીય લવ મેરેજમાં યુવતી માટે નવા ઘર-પરિવારમાં એડજસ્ટ થવામાં મુશ્કેલીઓ આવતી હોય છે. ત્યાનાં રીતિ-રિવાજો, લાઇફસ્ટાઇલ વગેરે તદ્દન જુદાં હોવાથી એડજસ્ટ થવામાં મુશ્કેલીઓ ઊભી થતી હોય છે.
 
- પ્રેમલગ્નમાં ક્યારેક પરિવારથી દૂર રહેવું પડે છે ત્યારે આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
 
- પ્રેમલગ્નમાં બે પ્રેમી વચ્ચે તો ગાઢ સંબંધ હોય છે, પણ બે પરિવારોને નજીક લાવવામાં ઘણી વાર નાકે દમ આવી જતો હોય છે.
 
- લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચેના સંબંધો બદલાઈ જતા હોય છે. લગ્ન પહેલાં તેઓ પ્રેમી-પ્રેમિકા હોય છે, પરંતુ લગ્ન બાદ તેમના ઉપર અનેક પ્રકારની જવાબદારીઓ આવી જતા અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે અને તેઓ પહેલાંની જેમ એકબીજા સાથે સમય પસાર ન કરી શકતા તેમના વચ્ચે વિવાદો થવા લાગતા હોય છે.
 
- પ્રેમલગ્નનો નિર્ણય તમારો પોતાનો હોય છે ત્યારે દાંપત્યજીવનમાં આવતી દરેક મુશ્કેલીની જવાબદારી પણ તમારા પર જ રહેતી હોય છે.
 
લવ મેરેજ કરતી વખતે શું સાવધાની રાખવી?
 
- પ્રેમ તો ઘણાં લોકોને થાય છે, પરંતુ દરેક પ્રેમ લગ્નમાં પ્રવર્તે એવું નથી બનતું. જો તમે લવ મેરેજ કરવાનો નિર્ણય લઈ લીધો હોય તો માત્ર પ્રેમ કે પ્રેમીને જોઈને જ લગ્ન ન કરવા જોઈએ, પરંતુ તેની કરિયર ઉપરાંત તેના પરિવારની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેવી જરૂરી છે.
 
- તમે જે વ્યક્તિ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે તે વ્યક્તિ તમને આર્થિક રીતે પણ સપોર્ટ કરી શકશે કે નહીં તે પણ જાણી લેવું જોઈએ, જેથી ભવિષ્યમાં ક્યારેય તમને કોઈ આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
 
- પ્રેમ એ લાગણી છે, જ્યારે જીવન માત્ર લાગણીથી નથી ચાલતું. જો તમે લવ મેરેજ કરવાનો નિર્ણય કર્યો હોય તો તે વ્યક્તિના પરિવાર વિશે પણ થોડી માહિતી મેળવી લેવી જોઈએ. તેનો પરિવાર કેવો છે? શું તમે ત્યાં એડજસ્ટ થઈ શકશો?
 
- તમે જે પાત્રને લગ્ન માટે પસંદ કરતા હોવ તેના વિશે જાણી લો કે શું એ તમને તમારા પરિવાર સાથે એડજસ્ટ કરી શકશે અને તમારા પરિવારના લોકોને તે પસંદ આવશે કે નહીં? વગેરે જેવી બાબતો ઉપર વિચાર કરીને જ કોઈ નિર્ણય ઉપર પહોંચવું જોઈએ.
 
- જો તમારા પરિવારના લોકો લગ્ન માટે રાજી નહીં થાય તો તમે આગળ શું કરશો અને તમે જે નિર્ણય લેશો તે કેટલો યોગ્ય છે તે પણ વિચારવું જોઈએ.
 
- તમે આંતરજ્ઞાતિમાં લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા હોવ તો ત્યાંનાં રીતિ-રિવાજ અને તેમની લાઇફસ્ટાઇલમાં તમે સરખી રીતે મિક્સ થઈ શકશો કે નહીં? આ તમામ બાબતો ઉપર વિચાર કર્યાં બાદ જ કોઈ નિર્ણય ઉપર પહોંચો.
 
એરેન્જ્ડ મેરેજ કરવાના ફાયદા
 
- એરેન્જ્ડ મેરેજમાં બંને પરિવાર એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે.
 
- પરિવારની લાઇફસ્ટાઇલ, રીત-રિવાજ, પરિવારના સભ્યોના સ્વભાવ જાણ્યા બાદ જ લગ્ન નક્કી થતાં હોય છે.
 
- સમાજમાં પરિવારની પ્રતિષ્ઠા અને તેમના વ્યવહારની બંને પરિવારને સારી રીતે ખબર હોય છે.
 
- આર્થિક, સામાજિક અને વ્યાવહારિક રીતે પરિવાર કેટલો સમર્થ છે તેની પણ માહિતી હોય છે.
 
- એરેન્જ્ડ મેરેજમાં ઘર-પરિવાર, આડોશપાડોશ, ભાઈ-ભાંડુ વગેરે જેવી તમામ બાબતો જાણ્યા બાદ જ લગ્ન નક્કી કરવામાં આવતાં હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ જાતની છેતરપિંડી અથવા ગેરસમજની જગ્યા નહીંવત્ હોય છે.
 
એરેન્જ્ડ મેરેજમાં આવતી મુશ્કેલીઓ
 
- એરેન્જ્ડ મેરેજમાં પતિ-પત્ની એકબીજાના સ્વભાવથી સાવ અજાણ હોય છે. એવામાં તેમના વચ્ચે ઘણી વખત ચકમક થઈ જતી હોય છે. એકબીજાની પસંદ-નાપસંદ ન મળતા પણ વિવાદ સર્જાતો હોય છે.
 
- ઘણી વખત એવું બનતું હોય છે કે આપણાં માતા-પિતાએ બધી બાબતો જોઈને અને વિચારીને લગ્ન નક્કી કર્યાં હોય પરંતુ પતિ-પત્ની બંનેના વિચારો એક દિશામાં ન જતા હોય ત્યારે પણ તેમના વચ્ચે વિવાદની પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે.
 
- માત્ર આટલું જ નહીં ક્યારેક પરિવારના નીતિ-નિયમોમાં સહેજ પણ ભૂલચૂક થતા પતિ-પત્નીના જીવનમાં વિખવાદ થાય છે.
 
- એરેન્જ્ડ મેરેજમાં પતિ-પત્ની એકબીજાંની જરૂરિયાત અને પ્રાથમિકતા ન જાણતાં હોવાથી તેમના વચ્ચે ઘણી વખત નાની-નાની વાતોમાં પણ સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે.
 
એરેન્જ્ડ મેરેજમાં શું સાવધાની રાખવી?
 
- તમારાં લગ્ન એરેન્જ્ડ થઈ રહ્યાં હોય ત્યારે તમારે પરિવારનું સામાજિક અને આર્થિક બેકગ્રાઉન્ડ, તેમની જીવનશૈલી, વાતચીત, વ્યવહાર વગેરે જેવી બાબતો જાણ્યા બાદ જ લગ્નનો નિર્ણય કરવો.
 
- એરેન્જ્ડ મેરેજમાં તમને વારંવાર મળવાની તક નથી મળતી ત્યારે તમારે નિઃસંકોચપણે તમામ વાતોની ચર્ચા કરી લેવી જોઈએ જેથી આગળ કોઈ સમસ્યા ન સર્જાય.
 
- તમારા વિચાર અને પસંદ-નાપસંદ કેટલી હદ સુધી એકબીજા સાથે મેળ ખાય છે તે પણ ચોક્કસપણે જાણી લેવું જોઈએ.
 
- આ સિવાય તમારા બંને વચ્ચે એવી કઈ કઈ બાબતો છે જે તમને પસંદ નથી પરંતુ તેની સાથે તમે એડજસ્ટ કરી શકશો અને કઈ કઈ બાબતો છે જેની સાથે તમે કોઈ પણ જાતની બાંધછોડ નથી કરી શકતા તે પણ જાણી લેવું જોઈએ. આટલી સાવચેતી રાખવામાં આવે તો એરેન્જ્ડ મેરેજમાં કોઈ મુશ્કેલીઓ નહીં આવે.
 
મહત્વ તો સમજણશક્તિનું જ છે!
 
વાત લવ મેરેજની હોય કે એરેન્જ્ડ મેરેજની એવું કહેવાય છે કે લગ્નજીવનને સુખી અને સફળ બનાવવા માટે માત્ર એક જ ફેક્ટર જવાબદાર છે અને એ છે પરસ્પરની સમજણ. તમે કઈ હદ સુધી એકબીજાને સમજી શકો છો એ જ મહત્વપૂર્ણ છે. તમે લવ મેરેજ કરો કે એરેન્જ્ડ મેરેજ લગ્નજીવનનો આધાર તો તમારા બંને વચ્ચેની સમજણશક્તિ, વિશ્વાસ અને પ્રેમ જ છે. લગ્ન કર્યા બાદ લવ મેરેજ કે એરેન્જ્ડ મેરેજ જેવું કંઈ હોતું નથી, છેલ્લે તો બંનેએ ઘર ગૃહસ્થી ચલાવવાની હોય જ છે. લગ્ન સફળ કરવામાં પ્રેમ, વિશ્વાસ અને સમજણશક્તિ હોવી બહુ જરૂરી છે પછી એ લવ હોય કે એરેન્જ્ડ. જો આ ત્રણ વસ્તુઓ તમારા વચ્ચે નહીં હોય તો તમારાં લગ્ન લવ હોય કે એરેન્જ્ડ ક્યારેય સફળ નહીં થઈ શકે.