દરેકથી થાય છે એક્સરસાઈઝ કરતી વખતે આ નાની ભુલો, તમે ન કરતાં!

17 Jun, 2015

 તમે નિયમિત રીતે કસરત કરતાં હો પણ તેનો મળવો જોઇએ એટલો લાભ મળતો ન હોય તો તેનો અર્થ એ થયો કે તમે કયાંક ભૂલ કરી રહ્યા છો. બને તેટલી જલ્દી અમુક પ્રકારની ભૂલો સુધારી લેવાથી તમે ધાર્યું પરિણામ મેળવી શકો છો. આજની વ્યસ્ત જીવનશૈલી વરચે મોટા ભાગના લોકો પાસે કસસત કરવા માટેનો પૂરતો સમય હોતો નથી. આવી પરિસ્થિતિમાં જો કોઇ વ્યક્તિ ભૂલ કર્યા જ કરે તો ગમે તેટલી કસરત કરે તો તેનો કંઇ લાભ મળતો નથી. કોઇ વ્યક્તિ કસરત કરવા માટે જિમમાં જતી હોય તો પણ અજાણતા ભૂલ કરી બેસે છે. 

કસરત કરવાની યોગ્ય પદ્ધતિનો અભાવઃ-

આપણામાંના ઘણા લોકો આખો દિવસ જાતભાતનાં કામમાં એટલા બધા રચ્યાપચ્યા રહેતા હોય છે કે તે કસરત કરવા માટે થોડોક સમય પણ ફાળવી શકતા નથી. પરાણે સમય કાઢે તો યોગ્ય પદ્ધતિ અપનાવતા નથી અથવા તો અમુક લોકો જરૂર કરતા વધારે વોર્મઅપ કરવામાં સમય પસાર કરે છે. જિમમાં જતા લોકો બે કસરત વચ્ચેનો સમય બરબાદ કરતા હોય છે. એટલે કસરત કરવાનું ધાર્યું પરિણામ કે ફાયદો મળતાં નથી. ફિટનેસ એકસપર્ટ એમ માને છે કે જિમમાં એક કલાક કસરત કરનારા લોકો ખરેખર તો અડધો કલાક જ યોગ્ય રીતે વ્યાયામ કરતા હોય છે. તમારા કિસ્સામાં આવું ન બને તેવું ધ્યાન રાખવું અને યોગ્ય ટેક્નિક અપનાવીને કસરત કરવી. 
 
વધારે પડતું વોર્મઅપ કરવું:-
 
ઘરે કે પછી જિમમાં કસરત કરતાં હો ત્યારે દરેક નવો સેટ શરૂ કરતી વખતે વોર્મઅપ કરવાની જરૂર નથી. ધારો કે તમે છાતી, ખભા અને બાવડાને દ્રઢ બનાવવાની કસરત કરતા હો તો તમે છાતીની કસરત કરવા માટે વોર્મઅપ કરો એ પૂરતું છે. આ દરમિયાન તમે પુશ અપ્સ કરી શકો છો. છાતીની કસરતની સાથોસાથ ખભાની પણ કસરત થઇ જાય છે. દરરોજ યોગ્ય પ્રમાણમાં આ પ્રકારે એક્સરસાઈઝ કરવાથી શરીરને યોગ્ય પ્રમાણમાં ફાયદો મળે છે અને શરીર લચીલુ બને છે.
 
સ્ટ્રેચિંગનો આગ્રહ ન રાખવો:
 
ધ જર્નલ ઓફ સ્ટ્રેન્થ કન્ડિશનિંગ રિસર્ચ માં એક અભ્યાસ લેખ પ્રસિદ્ધ થયો છે. તદાનુસાર કસરત કરતા પહેલાં સ્નાયુઓની શકિતને લગભગ ૫.૫ ટકા જેટલી ઓછી કરી નાખે છે. સ્ટેટિક સ્ટ્રેચિંગનો અર્થ એવો થાય કે શરીરને આરામ આપતા કોઇ એક સ્નાયુને એટલો ખેંચવો કે શરીરને થોડુંક કષ્ટ પડે અને આ સ્થિતિમાં ઓછામાં ઓછું ૩૦ સેકન્ડ સુધી રહેવું. આ રીતે શરીરના સ્નાયુઓને ખેંચવાથી એટલે કે સ્ટ્રેચ કરવાથી શરીર લચીલું બને છે. એટલા માટે હંમેશાં કસરત કરી લીધા પછી સ્ટ્રેચિંગનો આગ્રહ રાખવો. જોકે, કસરત કરતા પહેલાં કરી શકાય છે. આમાં સૂર્ય નમસ્કાર જેવી વિવિધ પ્રકારની હળવી કસરતો કરી શકાય છે.
 
જિમમાં મશીન પર ધ્યાન આપવું:
 
મશીનો પર કસરત કરવામાં ખોટું કંઇ નથી પરંતુ ફકત મશીનો પર જ ધ્યાન આપવું અયોગ્ય છે. આમ કરવાથી ફકત સમય જ વેડફાય છે. ખરેખર તો મશીન પર કરેલી કસરત, ફ્રી સ્ટાઇલ કસરતની સરખામણીએ અડધોઅડધ જ લાભદાયી નીવડે છે. તેથી જિમની કસરતો ઉપરાંત યોગાભ્યાસ કરવો જોઇએ અને માર્શલ આટ્ર્સ પણ અજમાવવી જોઇએ. આ પ્રકારે એક્સરસાઈઝ કરવાથી યોગ્ય પ્રમાણમાં શરીર લચીલુ બને છે અને તમે પોતે ફિલ કરી શકો કે શરીરમાં ફરક પડ્યો છે.
 
કાર્ડિયોવાસ્કયુલર કસરતો વધારે કરવીઃ-
 
જો તમે જિમમાં દરરોજ એક કલાક કસરત કરતા હો અને તેમાં પોણો કલાક કાર્ડિયાક કસરતો કરતો હો તો એ બરાબર ન કહેવાય. સાઇકિલંગ કરવાથી અને ટ્રેડમિલ પર દોડવાથી હૃદયની ગતિ વધે છે અને કેલરી વપરાય છે પણ તેનાથી શરીરના સ્નાયુઓ દ્રઢ બનતા નથી. આના માટે સ્નાયુઓની શકિત વધે એવી સ્ટ્રેન્થ એકસરસાઇઝ કરવી જોઇએ. તેથી કાર્ડિયાક અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ વરચે સંતુલન સાધવું. આ માટે અઠવાડિયે એક કલાક કાર્ડિયાક કસરત અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ વારાફરતી કરવી અથવા તો એક કલાક કસરત કરતા હો તો અડધો કલાક કાર્ડિયાક કસરત અને બાકીની ત્રીસ મિનિટ સ્ટ્રેન્થ ટ્રેનિંગ પર ધ્યાન આપવું. સૌથી અગત્યની બાબત છે કસરત દરમિાયન ફોર્મ એકધારું જાળવી રાખવું.