વર્ષોવર્ષ યુવાની ટકાવવા અને ઊર્જાવાન રહેવા, પુરૂષો ફોલો કરો આ 10 ટિપ્સ

22 Dec, 2015

 વધતી ઉંમર કોને ગમે છે? એમાંય વધતી ઉંમરના લક્ષણો તો દરેકને હચમચાવી નાખે છે કારણ કે તમે ભલે ગમે તેટલું છુપાવો પરંતુ તમારો ચહેરો અને તમારું શરીર તો તમારી ઉંમર જણાવી જ દે છે. અમે અત્યાર સુધી સ્ત્રીઓ માટે ઘણી ટિપ્સ જણાવી છે પરંતુ આજે વારો છે પુરૂષોનો, પુરૂષોનું કામ આખો દિવસ બહાર રહેવાનું અને પૈસા કમાવવાનું હોય છે. જેના માટે બહુ જ બધી એનર્જી અને સ્વસ્થ શરીરની જરૂર પડતી હોય છે. પરંતુ પુરૂષો પોતાના સ્વાસ્થ્ય અને ભોજન પ્રત્યે જરાય ધ્યાન આપતા નથી. જોકે દરેક પુરૂષ એવું ઈચ્છે છે કે તેના મસલ્સ મજબૂત રહે, તે ઊર્જાવાન અને યુવાન રહે, સાથે જ તેની ત્વચા યુવાન રહે. જેથી અમે ખાસ પુરૂષો માટે એવી ટિપ્સ લઈને આવ્યા છે જે અનુસરવાથી તેમની યુવાની તો બરકરાર રહેશે જ સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ તેમનાથી દૂર રહેશે અને પુરૂષો સ્વસ્થ જીવન જીવી શકશે.

 
ટામેટાનું સેવન રોજ કરો
 
પુરૂષોએ લાઈકોપિન યુક્ત ટમેટા અને તરબૂચનું સેવન જેટલું બની શકે તેટલું વધારે કરવું જોઈએ. ટામેટા બારેય મહિના મળી રહે છે જેથી દરરોજ એક ટામેટું તો ખાવું જ જોઈએ. જેથી તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળી રહેશે અને સદાય યુવાની જળવાઈ રહેશે. આ સિવાય યુવાની બરકરાર રાખવા માટે મધ અને બદામને રોજિંદા ડાયટમાં ઉમેરવું જોઈએ. વિટામિન ઈથી ભરપૂર બદામ પુરૂષોની ત્વચાને યુવાન રાખે છે અને મધ રોગો સામે રક્ષણ કરે છે.
 
પૂરતું પાણી પીઓ
 
પુરૂષોએ ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણીનું સેવન રોજ કરવું જોઈએ. પુરૂષોના સારાં સ્વાસ્થ્ય અને ત્વચાને હેલ્ધી રાખવા માટે પાણીનું પૂરતું સેવન જરૂરી છે. એમાંય પાણી શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢી નાખે છે, જેથી શરીરની તંદુરસ્તી જળવાય છે. માંસપેશીઓને મજબૂત બનાવવા માટે પાણી બહુ જ જરૂરી છે. પાણીથી શરીરમાં એનર્જી લેવલ જળવાય છે અને પાચન ક્રિયા ઠીક રહે છે.
 
ભોજનનો સમય ફિક્સ રાખવો
 
પુરૂષોએ પોતાના ભોજન કરવાનો સમય સાચવવો જરૂરી છે. કેટલાક પુરૂષો ખાવાના સમય બાબતે બહુ જ બેદરકાર હોય છે, જેની ખરાબ અસર લાંબા ગાળે શરીરને ભોગવવી પડે છે. જેથી પુરૂષોએ દિવસમાં પાંચવાર નિશ્ચિત અંતરાલે ભોજન કરવું જોઈએ. ભોજન પહેલાં અને ભોજન પછી વર્કઆઉટ પણ કરવું જોઈએ.
 
ચાલવાથી મળશે લાભ
 
રોજ કસરત અથવા પ્રાણાયામ કરો, અથવા થોડું ચાલવાનું રાખો. પુરૂષો યોગ અને ધ્યાનની મદદથી વધતી ઉંમરની અસરથી બચી શકે છે. સાથે માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે. આનાથી શરીર મજબૂત બને છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે અને અનેક બીમારીઓ આસપાસ ફરકતી નથી. 
 
નશીલા પદાર્થોને આપો તિલાંજલિ
 
હંમેશા યુવાન રહેવા માટે ધુમ્રપાન અને નશીલા પદાર્થોથી દૂર રહેવું જોઈએ કારણ કે નશીલા પદાર્થો તમારા શરીર પર આડઅસર કરે છે અને ધીમા ઝેર તરીકે તમારા શરીરની આંતરિક શક્તિ અને ઊર્જાને સમાપ્ત કરી દે છે. જેથી આવા પદાર્થોથી દૂર રહેવું હિતાવહ છે.
 
સિઝનલ ફળો ખાઓ
 
પુરૂષોએ સિઝન પ્રમાણેના ફળો અને શાકભાજીઓનું સેવન કરવું જોઈએ અને ફાસ્ટફુડ અને બહારની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
 
આમળા ખાઓ
 
દરરોજ એક આમળું ખાવું. આમળાને આયુર્વેદમાં અનેક રોગોને ડામવા માટે વરદાન માનવામાં આવે છે. જેથી પુરૂષોએ દરરોજ એક આમળાનું સેવન કરવું જોઈએ. સાથે જ આમળાનું સેવન યુવાનીને બરકરાર રાખવામાં પણ મદદ કરે છે.
 
પૂરતી ઉંઘ લો
 
મોટાભાગને પુરૂષોને ચિંતાને કારણે રાતે ઉંઘ ન આવવાની સમસ્યા સતાવતી રહે છે. જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. પૂરતી ઉંઘ દરેક વ્યક્તિ માટે બહુ જ જરૂરી માનવામાં આવે છે. ઉંઘ સારી આવે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જેથી રાતે સૂવાનું અને સવારે ઉઠવાનું ટાઈમ નક્કી કરો અને ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઉંઘ લો.
 
પ્રોટીનવાળા ખોરાક લો
 
પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેમ કે માછલી, ઈંડા, દહીં, ચીઝ, દૂધ, સૂકા મેવા વગેરે. આ વસ્તુઓમાં પ્રોટીનની સાથે વિટામિન્સ અને અન્ય પોષક તત્વો પણ સારી માત્રામાં હોય છે જે પુરૂષો માટે અત્યંત જરૂરી હોય છે. તેનાથી તેમને પૂરતું પોષણ મળી રહે છે, સાથે જ પુરૂષોની સખ્ત ત્વચા હંમેશા યુવાન બની રહે છે. શાકાહારી પુરૂષો માટે સૂકા મેવાનું સેવન બેસ્ટ માનવામાં આવે છે.
 
નિયમિત હેલ્થ ચેક-અપ
 
આજકાલ પ્રદૂષણ અને અનિયમિત જીવનશૈલીને કારણે પુરૂષો અનેક બીમારીઓના શિકાર બની રહ્યા છે, જોકે કેટલીક બીમારીઓ એવી હોય છે જે વધી ગયા પછી ખબર પડે છે. જો આવી બીમારીઓને સમયસર પકડી લેવામાં આવે તો ઈલાજ સરળ બની શકે છે. જેથી દરેક પુરૂષોએ નિયમિત હેલ્થ ચેક-અપ કરાવતા રહેવું જોઈએ. આનાથી તમે અનેક ગંભીર બીમારીઓથી બચી શકો છો.