એક એવી સ્કુલ જયાં બાળકો રમતા રમતા કરે છે અભ્યાસ

05 Feb, 2018

મહેસાણામાં એક એવી સ્કુલ છે જયાં બાળકો રમતા રમતા અભ્યાસ કરે છે. મહાદેવપુરા પ્રાથમિક શાળાનાં બાળકો બીજી શાળાનાં બાળકો કરતાં થોડાં વધુ નસીબદાર છે. આ શાળાના બાળકો માટે શિક્ષકોએ શાળાની અંદર જ આગવું ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે. જ્યાં મધ્યાહન ભોજન પીરસાય ત્યાં સુધી કવિતાનું ગાન કરે છે અને પ્રાર્થના બાદ સમૂહ ભોજન લે છે. તો શાળાના રેમ્પ પર ચડતો-ઉતરતો ક્રમ, સાપસિડી અને રેલીંગ પર બનાવેલું પેરિસ્કોપ બાળકોને ચાલતાં ચાલતાં ગણિત અને વિજ્ઞાનના પાઠ શીખવે છે. આ શાળાના બાળકો ડાઇનિંગ ટેબલ પર બેસી મધ્યાહન ભોજન લે છે
 
મહાદેવપુરા પ્રાથમિક શાળાના કોઇપણ ખૂણે બેસીને બાળકો જ્ઞાન મેળવી શકે છે. વર્ષ ૨૦૦૭માં રિશેષમાં તમામ ૭ શિક્ષકો સાથે બેઠા હતા, ત્યારે બાળકો માટે કંઇક નવું કરવાનો વિચાર આવ્યો અને પછી દરેકે પોતાનાં વિચારો ગૃપમાં મૂકવાનું શરૂ કર્યું અને તે પ્રમાણે શાળામાં પરિવર્તનનો દોર શરૂ થયો. બાળકો માત્ર વર્ગખંડમાં જ નહીં, પરંતુ શાળાના કોઇપણ ખૂણે બેસી જ્ઞાન મેળવી શકે તે માટે પ્રયત્નશીલ રહ્યા છીએ. આજે શાળામાં આવતાં ૧૨૬ બાળકો ગમે ત્યાં બેસી હળવા વાતાવરણમાં જ્ઞાન મેળવતાં નજરે પડે છે.  ભાવેશભાઇ પટેલ, આચાર્ય શિક્ષક દિલીપસિંહ વિહોલ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકથી લઇને મોરારી બાપુના ચિત્રકૂટ સહિત ચાર એવોર્ડ મેળવી ચૂક્યા છે. આ એવોર્ડમાં મળેલા રૂ.૨૬ હજાર શાળાના વિકાસકાર્યમાં આપ્યા છે.
 
આ પ્રવૃતિઓ શાળાને શ્રેષ્ઠ બનાવે છે
- કિચન ગાર્ડનમાં શાકભાજીનો ઉછેર વિદ્યાર્થીઓ જાતે જ કરે છે. 
- શાળાની દીવાલ વિવિધ યોગ અને સૂર્ય નમસ્કાર શીખવાડે છે. 
- વર્ગખંડની બારી-બારણાં અને દીવાલો પરથી ગણિત અને ભૂમિતિનું જ્ઞાન મેળવી શકાય છે. ગામનો નકશો ગામની રૂપરેખા આપે છે.
- ગ્રાઉન્ડમાં બનાવેલી સેંડ પીટ નવા બાળકોનું મન અભ્યાસમાં લગાવવા મદદરૂપ બને છે. બાળકોને મદદરૂપ થવા રામદુકાન ચલાવે છે. 
- બગીચામાંથી ચારેય દિશા અને ખૂણા અંગેનું જ્ઞાન મેળવી શકાય છે.