સેક્રેડ ગેમ્સમાં 'એ પતિ-પત્નીનો લવ સીન હતો, હું શરમિંદા નથી'

18 Jul, 2018

એક સ્ત્રીએ પોતાનાં બ્લાઉસનાં બટન ખોલ્યાં અને તેમની આખી છાતી દેખાઈ ગઈ, પછી તેમને એક પુરુષ સાથે સેક્સ કર્યું અને ખુલ્લી છાતી સાથે જ તેની બાજુમાં સૂઈ ગઈ. 

કુલ ત્રીસ-ચાળીસ સેકન્ડનો આ વીડિયો વ્હૉટ્સઍપ પર વાઇરલ થઈ ગયો અને એ મહિલાને પૉર્ન સ્ટાર ઠેરવી દેવામાં આવી.
 
યુટ્યૂબ પર આ સીન સિવાય તેમના દસ સેકન્ડની નાની-નાની ક્લિપ્સ અપલૉડ થઈ જે હજારો વખત લોકો જોઈ ચૂક્યા છે.
 
એટલી હદ સુધી કે આ વીડિયો તે અભિનેત્રીને તેમના ઓળખીતાએ પણ મોકલ્યો! એ જણવવા માટે કે આ વીડિયો જાહેરમાં શેર થઈ રહ્યો છે.
 
આ પૉર્ન વીડિયો નથી. આ સીન 'નેટફ્લિક્સ' પર રિલીઝ થયેલી સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'માં એક ખાસ વળાંક પર આવે છે.
 
પતિનું પાત્ર ભજવતા નવાઝુદ્દીન સિદ્દિકી અને પત્નીનું પાત્ર ભજવતા રાજશ્રી દેશપાંડે વચ્ચેના સંબંધો આ દૃશ્ય પહેલાં સુધી અસહજ રહ્યા છે. નવાઝુદ્દીનનું પાત્ર પથારીમાં હિંસક સ્વરૂપ ધારણ કરે છે.
 
પણ સ્થિતિ બદલાય છે અને બન્નેમાં પ્રેમ પાંગરે છે. આ દ્રશ્ય એ પરિવર્તન જ દેખાડે છે. અહીં બન્નેનું એક બીજાની નજીક આવવું એ એક પ્રકારનું ખેંચાણ અને આકર્ષણ છે.
 
પણ સીનમાંથી કથા કાઢી નાખીએ તો બસ એ જ રહી જશે, ખુલ્લી છાતી અને સેક્સ.
 
રાજશ્રીના ફોનમાં, આ કથાના સંદર્ભ વગર જ્યારે એમના ઓળખીતાએ મોકલ્યો ત્યારે તેમને ખરાબ લાગ્યું.
 
"મને ખરાબ લાગ્યું, મને શર્મ ના આવી, મારે કેમ શરમાવું?"
 

 
તેમને પોતાના પાત્ર અને કહાણીમાં એ પાત્રના આ સીનની જરૂરિયાત પર વિશ્વાસ હતો.
 
વિશ્વાસ હતો કે તેમણે કંઈ જ ખોટું કર્યું નથી. સ્ત્રીને વસ્તુની જેમ નથી દર્શાવી. એ સ્ત્રીના શરીરના અલગ-અલગ અંગો પર કૅમેરો ઝૂમ નથી થયો.
 
બે અર્થ ધરાવતા શબ્દોના ગીતોનો ઉપયોગ કર્યો નથી. ગલગલિયાં કરાવવા માટે સ્ત્રીને અસભ્ય ચિત્રિત નથી કરી.
 
ફક્ત સીધી-સાદી રીતે પતિ-પત્નીનો પ્રેમ પ્રસંગ દેખાડ્યો છે.
 
"હું જાણું છું કે શરીર દેખાડવાની સ્વતંત્રતાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. મારી દાનત સારી હતી, મેં કંઈ જ ખોટું કર્યું નથી."
 
પણ રાજશ્રીને ખરાબ લાગ્યું. ફક્ત એટલા માટે નહીં કે આ વીડિયોને પૉર્ન તરીકે જોવામાં આવે છે, એના માટે તો ઘણાં અંશે તેઓ તૈયાર હતાં.
 
વાઇરલ તો ઘણું થઈ જતું હોય છે. કોઈનું આંખ મારવું પણ વાઇરલ થઈ શકે છે.
 
પણ આ વીડિયો અલગ છે. ત્રીસ-ચાળીસ સેકન્ડના સીનના એક-એક ભાગમાં તેણે આપેલાં પૉઝનો એક નાનો વીડિયો અને તસવીર સ્વરૂપે શેર થઈ રહ્યો છે.
 
જો આવું કંઈ તમારી પાસે આવે તો એનું શું કરવું, એ વિચારવું જરૂરી છે. તકનીક એક હથિયાર છે, તેનો ઉપયોગ મારવા માટે પણ થઈ શકે અને બચાવવા માટે પણ થઈ શકે."
 
મુદ્દો ખરેખર એના શેર કરવા અંગે જ છે.
 
ફિલ્મો અને ટેલિવિઝન સિરીઝમાં સ્ત્રીનું શરીર ખુલ્લું બતાવાય છે.
 
ક્યારેક આ કહાણી માટે જરૂરી હોય છે અને ઘણી વખત જરૂરી ન પણ હોય. પણ હંમેશાં, આવા દ્રશ્યો બહુ જોવાય છે.
 
પૉર્નની જેમ, સંદર્ભ વગર. ઇન્ટરનેટ પર નાની-નાની ક્લિપમાં કાપીને શેર કરાય છે.
 
વિડંબના એ કે સવાલ જોનારા અંગે સમસ્યા નથી.
 
પણ આ જોનારા, રસ લેનારા, આનંદ મહેસૂસ કરનારા એ સ્ત્રીને પૉર્ન સ્ટાર માનવા અને કહેવામાં ખચકાતા નથી.
 
એન્ગ્રી ઇન્ડિયન ગૉડેસિસ' અને 'એસ દુર્ગા'માં અભિનય કરી ચૂકેલાં રાજશ્રી દેશપાંડે મોટાં પડદાના આ પાત્રોની જેમ જ વાસ્તવિક જીવનમાં પણ ચૂપ રહે એવા નથી.
 
"બોલવું જરૂરી છે, એટલે જ પરિવર્તનની આશા હોય છે, પાંચ લોકો પણ પોતાના વિચારો બદલે તો મોટી સફળતા મળી કહેવાશે."
 
એ બોલ્યાં એટલે હું પણ લખું છું. તમે વાંચો છો અને કદાચ વૉટ્સઍપ પર આ વીડિયો શેર કરીને સ્ત્રીઓને શરમમાં મૂકનારા લોકો અટકીને થોડો વિચાર પણ કરી લે.