ફિલ્મ રિવ્યૂઃ કેલેન્ડર ગર્લ્સ & કિસ કિસ કો પ્યાર કરૂં

25 Sep, 2015

Review: કેલેન્ડર ગર્લ્સ
સ્ટાર કાસ્ટઃ     આકાંક્ષા પુરી, અવની મોદી, કાયરા દત્ત, રૂહી સિંહ, સતરૂપા
રેટિંગઃ     2
ડિરેક્ટરઃ     મધુર ભંડારકર
નિર્માતાઃ     સંગીતા આહિર
સંગીતઃ     મિત બ્રધર્સ, અમાલ મલિક
પ્રકારઃ     ડ્રામા
મધુર ભંડારકરની 'કેલેન્ડર ગર્લ્સ' પણ 'ફેશન' અને 'હિરોઈન' જેવી જ ફિલ્મ છે. આમાં પણ એક સામાન્ય યુવતી ગ્લેમર વર્લ્ડમાં હિટ અને ફ્લોપ થાય તેની વાત કહે છે. સંગીતા આહિર અને ભંડારકર એન્ટરટેઈન્મેન્ટની આ ફિલ્મમાં તમામ નવા ચહેરાઓ અનુષ્કા પુરી, અવની મોદી, રૂહી સિંહ અને સતરૂપાને તક આપવામાં આવી છે. આ તમામ કેલેન્ડર ગર્લ્સ બનવા માંગે છે. ફિલ્મ વિજય માલ્યા અને તેમના કેલેન્ડર કિંગ ફિશરની આસપાસ ફરે છે. ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફ પ્રિયંકા ચોપરા અને શિલ્પા શેટ્ટી જેવા સેલેબ્સથી ઈન્સ્પાયર છે.

મધુરની આ ફિલ્મ નવી બોટલમાં જૂના શરાબ જેવી છે. જો એમ કહેવામાં આવે કે 10 ગ્રામ 'કોર્પોરેટ', 20 ગ્રામ 'પેજ 3', 30 ગ્રામ 'હિરોઈન' અને 40 ગ્રામ 'ફેશન' ફિલ્મને એક વાસણમાં નાખવામાં આવે અને તેને સારી મિશ્ર કરવામાં આવે અને જે બને એ 'કેલેન્ડર ગર્લ્સ'...

ફિલ્મમાં મધુરે નવા ચહેરાઓને તક આપી છે પરંતુ નબળી સ્ક્રિપ્ટને કારણે દર્શકોને નિરાશા સાંપડશે. લાગે છે કે ડિરેક્ટર મધુર ભંડારકરની પાસે હવે કોઈ નવા આઈડિયા રહ્યાં નથી અને તે એક પછી એક ફિલ્મમાં એક જ જેવી વસ્તુઓ રીપિટ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં ભારતના ચાર અલગ-અલગ પ્રદેશો અને એક પાકિસ્તાનથી આવેલી યુવતીની વાત છે. જે મુંબઈમાં વર્ષ 2014ના કેલેન્ડર ગર્લ્સ તરીકે સિલેક્ટ થઈ છે. આ તમામ યુવતીઓનું જીવન મુંબઈ આવીને કેવી રીતે બદલાય છે, કેવી-કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે, તેની વાત કહેવામાં આવી છે.

ફિલ્મમાં દરેક પાત્રે અભિનય કરવાનો પ્રયાસ કર્યો છે, કેટલીક એક્ટ્રેસ એવી છે, તેમને ભવિષ્યમાં કામ મળવામાં ક્યારેય મુશ્કેલ ઉભી થશે નહીં. ફિલ્મ બે કલાક કરતાં વધારે લાંબી છે. ફિલ્મનાં સેકન્ડ હાફમાં નવા ટ્વિસ્ટ અને ઈન્ટરેસ્ટિંગ બાબતો બને છે. જોકે, ફિલ્મનું સંગીત બિલકુલ અપીલિંગ નથી. ટૂંકમાં મધુરે પોતાની આ ફિલ્મમાં નવું કંઈ જ આપવાનો પ્રયાસ કર્યો નથી. આ ફિલ્મ જોવા કરતાં 'ફેશન' ફિલ્મ જોવી વધારે સારી છે.

--------------------------------------------------------------

ફિલ્મ રિવ્યૂઃ     કિસ કિસ કો પ્યાર કરૂં
રેટિંગઃ     2.5
સ્ટાર કાસ્ટઃ     કપિલ શર્મા, અરબાઝ ખાન, મંજરી ફડણવીસ, એલી અવરામ, સિમરન, સાંઈ લોકુર, વરૂણ શર્મા
ડિરેક્ટરઃ     અબ્બાસ-મસ્તાન
નિર્માતાઃ     રતન જૈન, ગણેશ જૈન
સંગીતઃ     તનિષ્ક બાગચી, અમઝદ-નદિમ
પ્રકારઃ     રોમેન્ટિક-કોમેડી
'કિસ કિસ કો પ્યાર કરૂં' એ ટીવીના સ્ટેન્ડ-અપ કોમેડિયન અને ટીવી સ્ટાર કપિલ શર્માની ડેબ્યૂ ફિલ્મ છે. કપિલ શર્મા કોમેડીમાં બેસ્ટ છે અને તેથી જ તેણે કોમેડી ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવાનું વિચાર્યું હતું. આ ફિલ્મમાં કપિલ શર્મા એસઆરકે એટલે કે શિવ, રામ અને કિશનની ભૂમિકા ભજવે છે. કપિલ શર્માને ફિલ્મમાં ત્રણ પત્નીઓ(સિમરન કૌર, મંજરી અને સાંઈ) અને એક પ્રેમિકા(એલી) હોય છે. આ ફિલ્મના ડિરેક્ટર અબ્બાસ-મસ્તાન હોય છે. જેમણે થ્રિલર્સ 'બાઝીગર', 'ઐતરાઝ' અને 'રેસ' જેવી ફિલ્મ્સ બનાવી છે.
 
'કોમેડી નાઈટ્સ વિથ કપિલ'ના ચાહકોને આ ફિલ્મને લઈને ઘણી જ આશા હતી. જોકે, ચાહકો આ ફિલ્મથી થોડા નિરાશ થશે તે નક્કી છે. આ ફિલ્મ બે કલાકને 14 મિનિટ જેટલી લાંબી છે. કપિલ પોતાના એક કલાકના શોમાં દર્શકોને સહજતાથી હસાવી શકે છે પરંતુ તે ફિલ્મમાં દર્શકોને હસાવવામાં પૂરો સફળ થયો નથી.

આ ફિલ્મમાં કપિલ પોતાની ત્રણ પત્નીઓ સાથે એક ફ્લેટમાં અલગ-અલગ માળે રહે છે. કપિલે ત્રણ-ત્રણ લગ્ન કેવી રીતે કર્યાં તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ત્રણ પત્નીઓ અને એક પ્રેમિકાના ચક્કરમાં કપિલની શું હાલત થાય છે તે ફિલ્મમાં બતાવવામાં આવી છે. ફિલ્મની શરૂઆત તથા ફિલ્મની લાસ્ટ 30 મિનિટ થોડી કન્ફ્યૂઝિંગ છે, બાકી ફિલ્મ ઘણી જ એન્ટરટેઈનિંગ છે.

ફિલ્મનો સ્ક્રિનપ્લે ઘણો જ નબળો છે. સ્ટોરીલાઈનમાં દર 15 મિનિટે એક ગીત આવી જાય છે અને આ ગીતો પણ કંટાળાજનક હોવાથી દર્શકોને બિલકુલ મજા આવતી નથી. અભિનયની વાત કરવામાં આવે તો કપિલના વન લાઈનર્સ અને કોમિક ટાઈમિંગ અદ્દભૂત છે પરંતુ ફિલ્મની અભિનેત્રીઓએ ખાસ કંઈ કામ કર્યું નથી. સિમરન સેક્સી બતાવવામાં આવી છે તો મંજરી હાઉસવાઈફ છે જ્યારે સાંઈની કોઈ ખાસિયત બતાવવામાં આવી નથી. એલીએ પોતાના આઈટમ ડાન્સથી દર્શકોને સરપ્રાઈઝ કરી દીધા છે. એલીએ હિંદી પર ખાસ્સું કામ કરીને પોતાની ભાષા સુધારી છે. અરબાઝ ખાન બહેરા ડોનની ભૂમિકામાં છે અને તેણે કમાલનો અભિનય કર્યો છે. વરૂણ શર્મા એડવોકેટની ભૂમિકમાં છે. કપિલ અને વરૂણની જોડી દર્શકોને પસંદ આવે તેવી છે. વરૂણની ન્યૂટનની થિયરી કમાલની છે. જ્હોની લિવરની પુત્રી જેમી લિવરે પોતાના પર્ફોમન્સથી ચાહકોને અભિભૂત કર્યા છે. સુપ્રિયા પાઠક અને શરદ સક્સેના કપિલના માતા-પિતાની ભૂમિકામાં છે.

અબ્બાસ-મસ્તાને માત્ર થ્રિલર્સ ફિલ્મ્સ જ બનાવવાની જરૂર છે, તેમણે કોમેડી પર હાથ અજમાવવાની ભૂલ કરવા જેવી નથી. ટૂંકમાં આ ફિલ્મ દર્શકોને નિરાશ કરે છે. આ અઠવાડિયે કોઈ કોમેડી ફિલ્મ રીલિઝ થતી નથી અને તમે કપિલના ચાહક હોવ તો આ ફિલ્મ જોવા જવાય બાકી તો આ ફિલ્મ ના જોવા જઈએ તો પણ ચાલી જાય તેમ છે....

Loading...

Loading...