સર્જરી કે દવાઓ વિના જ નિયમિત સેક્સ કરવાથી પથરીની સમસ્યા થશે દૂર!

17 Oct, 2015

કિડની સ્ટોન જેને આપણે પથરી કહીએ છીએ એ કિડનીના કોઈ પણ ભાગમાં જમા થઈ જતાં ખનિજ તત્વ અને એસિડનું મિશ્રણ હોય છે. જોકે મોટા ભાગે પથરી કેલ્શિયમની જ બનેલી હોય છે. એવું કહેવાય છે કે કિડનીની પથરીનો દુખાવાની પીડા સંતાનને જન્મ આપવા સમયે થતી પીડાથી પણ વધારે કષ્ટદાયી હોય છે પરંતુ એક નવા સંશોધનમાં પથરીનાએ પથરી આપમેળે જ શરીરમાંથી બહાર નિકળી જાય એવી સરળ પદ્ધતિ સામે આવી છે. આ સંશોધનમાં જણાવ્યા પ્રમાણે નિયમિત રીતે સપ્તાહમાં ત્રણથી ચારવાર સેક્સ કરવાથી કોઈપણ પ્રકારની દવાઓ સર્જરી કરાવ્યા વિના પુરૂષોમાં નાના આકારની પથરી શરીરમાંથી આપમેળે જ બહાર નિકળી જાય છે. આ સારવાર કઈ રીતે કામ કરે છે તેને લગતું એક સંશોધન હાથ ધરવામાં આવ્યું છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
આ સંશોધનમાં ટર્કિશ ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે જે પુરૂષ સપ્તાહમાં ત્રણથી ચારવાર સેક્સ કરતાં હોય છે તેઓને પથરી આપમેળે શરીરમાંથી બહાર નિકળી જાય છે. આમ તો ઘણાં બધાં લોકોને ક્યારેકને ક્યારેક પથરીની સમસ્યા થતી હોય છે પરંતુ આ પ્રકારની પથરી એટલી સૂક્ષ્મ હોય છે કે વ્યક્તિની જાણ બહાર શરીરમાંથી કુદરતી રીતે બહાર પણ નિકળી જતી હોય છે. સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે પથરી મોટા આકારની હોય છે.

જ્યારે શરીરમાં કોઈ પણ પદાર્થનો અતિરેક થાય અથવા એની જરૂર શરીરમાં ન હોય ત્યારે એ મૂત્રમાર્ગે બહાર ફેંકાઈ જતો હોય છે. આમ કોઈ પણ વધારાનો પદાર્થ મૂત્રની અંદર ઓગળી જઈને બહાર ફેંકાઈ જાય છે.  તે જ રીતે જ્યારે શરીરમાં મિનરલ્સની સાથે કેલ્શિયમ, ઓક્સાલેટ અને યુરિક એસિડનું પ્રમાણ ખૂબ જ વધી જાય અને મૂત્રનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય ત્યારે જેટલું કેલ્શિયમ મૂત્રમાં ઓગળી જાય એ જ શરીરની બહાર ફેંકાઈ જાય છે અને બચેલા કેલ્શિયમનું સ્ટોનના રૂપમાં રૂપાંતર થાય છે અને પથરી બને છે. 
જેનો આકાર 4-5 સેમી અથવા તેનાથી મોટો હોય છે.

અન્કારા ટ્રેનિંગ એન્ડ રિસર્ચ હોસ્પિટલના યુરોલોજી જનરલમાં પ્રકાશિત થયેલા આ સંશોધન હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજી દ્વારા 75 લોકોના સમૂહને ત્રણ સમૂહમાં વહેંચી દેવામાં આવ્યા હતા.

પ્રથમ સમૂહને સપ્તાહમાં બેથી ત્રણવાર સેક્સ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.  જ્યારે બીજા સમૂહને ટેમ્સ્યૂલોશિન (Tamsulosin) દવા આપવામાં આવી હતી. આ દવા પુરૂષોના મૂત્રાશયની ગ્રંથિને પ્રમાણમાં મોટી કરે છે જેથી તેઓ સરળતાથી મૂત્ર વિસર્જન કરી શકે છે. જ્યારે ત્રીજા સમૂહને કિડનીના સ્ટોન માટે મેડિકલ સારવારમાં આપવામાં આવી હતી. આ સમૂહ કંટ્રોલ સમૂહ તરીકે ઓળખાતું હતું. બે સપ્તાહ પછી જે પરિણામ મળ્યું તે ચોંકાવનારું રહ્યું.
 
31 પુરૂષોમાંથી જેઓ રેગ્યુલર સેક્સ કરતાં હતાં તેમાંથી 26 જેટલા પુરૂષોની કિડનીમાંથી પથરી આપમેળે નિકળી ગઈ હતી. જ્યારે બે સમૂહમાંથી જેઓને ટેમ્સ્યૂલોશિન દવા આપવામાં આવી હતી તેવા 21માંથી 10 અને મેડિકલ સારવાર આપવામાં આવી હતી તેવા 23માંથી 8 પુરૂષો જ પથરીની સમસ્યામાંથી બહાર નિકળી શક્યા હતા. આ સંશોધનમાં ભાગ લેનારાઓમાં પથરીનો આકાર 4.7 મિલિમીટર સુધીનો હતો.

સપ્તાહમાં ત્રણથી ચારવાર સેક્સ કરવા પાછળની એક થિયરી એવી છે કે સેક્સ દરમિયાન મૂત્રાશયમાં નાઈટ્રિક એસિડ બને છે. જે યુરીટર (મૂત્રને કિડનીમાંથી મૂત્રાશયમાં લઈ જનાર નળી)ના મસલ્સને રિલેક્સ કરે છે. જેના કારણે સરળતાથી મૂત્ર નિકળી શકે છે અને તેના દ્વારા પથરી પણ ઝડપથી બહાર નિકળી જાય છે.

મેલ ઓર્ગેઝમથી યુરીટર (મૂત્રને મૂત્રાશયમાં લઈ જનાર બે નળી)ના મસલ્સ રિલેક્સ કરી શકે છે. સંશોધનકર્તાઓના મત અનુસાર જે પુરૂષોમાં 6 એમએમથી નાની પથરી હોય તેઓ સપ્તાહમાં ત્રણથી ચારવાર સેક્સ કરે તો શરીરમાંથી આપમેળે પથરી બહાર નિકળી શકે છે.

અન્ય એક સંશોધન અનુસાર ટેમ્સ્યૂલોશિન દવાની અલગ-અલગ પ્રકારની પથરીના આકાર પર કેવી અને કેટલી અસર થાય છે તે શોધવામાં આવ્યું હતું. સંશોધનકર્તાઓ પ્રમાણે આ દવા મોટા આકારના કિડની સ્ટોન પર વધારે અસર કરે છે.

સામાન્ય રીતે પથરીના દર્દીઓને મૂત્ર વિસર્જન દરમિયાન કષ્ટ થાય છે કારણ કે શરીર મૂત્ર પ્રવાહમાં પથરીને બહાર કાઢવાનું પ્રયત્ન કરે છે. ઘણીવાર તે યુરીટરમાં ફસાઈ પણ જાય છે અથવા કિડનીમાં રહી જવાથી ઈન્ફેક્શનની સમસ્યાઓ પણ વધી જાય છે. આ સમસ્યા પુરૂષોમાં વધારે જોવા મળે છે. જેનું એક કારણ શારીરિક શ્રમ છે. શારીરિક શ્રમના કારણે થતાં ડિહાઈડ્રેશનથી યુરિનમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે. વધારે માત્રામાં મીટ અને હાઈ પ્રોટીન ડાયટથી પણ કિડની સ્ટોનની સમસ્યાઓ વધી જાય છે કારણ કે એનિમલ પ્રોટીનથી યુરિક એસિડ બનાવાની પ્રક્રિયા ઝડપી બને  છે.

એક અન્ય ટ્રીટમેન્ટમાં સ્નાયુઓને રિલેક્સ કરવા ઉપરાંત ઘણીવાર ડોક્ટર્સ પથરીને તોડીને એકથી બે સેમી. નાની કરી દે છે. આ પ્રકારની ટ્રીટમેન્ટમાં પણ પથરી આપમેળે શરીરની બહાર નિકળી જાય છે. આ બન્ને સારવાર ઉપરાંત ડોક્ટર્સ નાના ટેલિસ્કોપનો ઉપયોગ કરીને વ્યક્તિના શરીરમાં કેટલા પ્રમાણમાં પથરી છે તે જોઈ શકે છે અને લેસર ચેનલ શરીરમાં દાખલ કરીને પથરીને નષ્ટ પણ કરે છે.

જોકે આ પ્રકારની સારવાર માત્ર નાની પથરીમાં શક્ય છે. બે સેમી કરતાં મોટા આકારની પથરી હોય તો દર્દી માટે સર્જરી જ એકમાત્ર સારવાર રહે છે. સર્જરી દરમિયાન પીઠના ભાગેથી એક ટેલિસ્કોપ દાખલ કરવામાં આવે છે જેમાં રહેલાં ડ્રિલના આકારના મશીનથી કિડનની પથરીને તોડી નાખવામાં આવે છે અથવા જો પથરી નાની હોય તો તેને સાવ બહાર કાઢી નાખવામાં આવે છે.

કોને થઈ શકે છે પથરીની સમસ્યા?
 
-તમારા માતા-પિતાની પથરીની સમસ્યા હોય તો તમને પણ પથરી થવાની સંભાવના વધી જાય છે.
 
-જો તમને એકવાર પથરી થઈ હોય તો ફરીવાર પથરી થઈ શકે છે.
 
- સ્ત્રીઓ કરતાં પુરુષોમાં પથરીનું રિસ્ક ઘણું વધારે રહે છે અને પથરી કોઈપણ ઉંમરમાં થઈ શકે છે પરંતુ 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને પથરી થવાની શક્યતાઓ વધુ રહેલી હોય છે.
 
-પથરી થવા પાછળનું એક સૌથી મોટું કારણ છે શરીરમાં પાણીની ઉણપ. જો તમને પૂરતા પ્રમાણમાં પ્રવાહી કે પાણી નથી લેતાં તો તમને પથરી થઈ શકે છે. જે લોકોને વધુ પરસેવો થતો હોય એવા લોકોને પણ પથરી થઈ શકે છે. જેથી દિવસમાં ત્રણ લિટર પાણી ચોક્કસ પીવું જોઈએ.

-કેટલાક લોકોના ખોરાકમાં પ્રોટીન, સોડિયમ કે શુગરની માત્રા વધારે હોય છે આવા લોકોને પણ પથરી થવાનું રિસ્ક વધે છે. ખાસ કરીને જે લોકો વધુ સોડિયમવાળો ખોરાક ખાય છે તેમના શરીરમાં કેલ્શિયમની માત્રા વધી જાય છે અને તેમને પથરી થાય છે.

-જેમનું વજન ખૂબ વધારે છે અથવા પેટનો ઘેરાવો ખૂબ વધારે છે એવા લોકોને પણ પથરી થવાની શક્યતા ઘણી વધારે હોય છે.

-જે લોકોને પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ રહેતી હોય તેમને પથરીની સંભાવનાઓ વધી જાય છે.