બનાવો બધાને ભાવે અને દાઢે રહી જાય તેવી 'અડદની દાળ'

21 Jan, 2015

સામગ્રી-
 
1 વાટકી અડદની દાળ
1 ચમચી જીરૂં
1 ચમચી હિંગ
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણાજીરૂં પાવડર
1/2 ચમચી હળદર
1/2 વાટકી લીલી ડુંગળીઝીણી સમારેલી
1/2 વાટકી લીલું લસણ સમારેલીં
2 ચમચા ટામેટા જીણા સમારેલા
2 ચમચી આદું-મરચાંની પેસ્ટ
2 ચમચા કોથમીર ઝીણી સમારેલી
મીઠું સ્વાદાનુસાર
 
રીત-
 
-સૌપ્રથમ અડદની દાળને ધોઈને બરાબર સાફ કરી લો. ત્યાર બાદ તેને 4 કલાક માટે પલાળી દો.
-હવે દાળને પ્રેશર કૂકરમાં જરૂર પૂરતું પાણી અને મીઠું ઉમેરીને ત્રણ સીટી વગાડી લો.
-દાળ બરાબર બફાય જાય એટલે તેને વલોવી લો. હવે એક નોન સ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો.
-જીરૂં લાલ થાય એટલે તેમાં હિંગ ઉમેરીને અડધી મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટાં ઉમેરીને બરાબર મિક્ષ કરીને ચઢવા દો.
-ટામેટા અધકચરા ચઢી જાય એટલે તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરીને સાંતળો.
-બધું જ સંતળાય જાય એટલે તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરીને સાંતળો.
-આદું-મરચાંની પેસ્ટની સરસ સુગંધ આવવા લાગે એટલે તેમાં હળદર, ધાણાજીરૂં, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી દો.
-બધો જ મસાલો એકરસ થઈ જાય એટલે તેમાં બાફેલી દાળ ઉમેરીને બરાબર મિક્ષ કરીને ચઢવા દો.
-જરૂર લાગે તો થોડુંક પાણી ઉમેરી શકો છો.
-દાળ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરીને પાંચેક મિનિટ સુધી ઉકળવા દો.
-બરાબર ઉકળીને દાળ ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે તેને કોથમીરથી ગાર્નિશ કરીને ગેસ બંધ કરી દો.
-ગરમા-ગરમ દાળને બાજરીના રોટલા કે પરોઠા સાથે સર્વ કરો.