વેજિટેબલ પરોઠાં વિથ રેડ ગ્રેવી

09 Apr, 2015

(૧) ૧। વાડકી ઘઉંનો લોટ, ૧ ટે. સ્પૂન તેલ.

(૨) ૨ નંગ બાફેલા બટાકા, ૧ નંગ છીણેલું ગાજર, ૩ ટે. સ્પૂન છીણેલું ફ્લાવર, ૨ ટે. સ્પૂન બાફેલા વટાણા, ૧ ટે. સ્પૂન કોથમીર.

(૩) મીઠું, ૧।। ટી. સ્પૂન વાટેલાં આદું-મરચાં, ૦।।। ટી. સ્પૂન આમચૂર પાઉડર, ૦। ટી. સ્પૂન ગરમ મસાલો, ૦।। ટી. સ્પૂન આખું જીરું, ૧ ટી. સ્પૂન તલ.

(૪) ૨ ટે. સ્પૂન દહીં, તળવા માટે તેલ.

રીત

(૧) બાફેલા બટાકા તથા વટાણાને છૂંદીને માવો કરવો. ગાજર તથા ફ્લાવરનું છીણ અને કોથમીર તેમાં ભેળવવાં.

(૨) ઘઉંના લોટમાં મ્હોણ નાખી બધાં શાક ઉમેરવાં.

(૩) મીઠું તથા સૂચવેલા મસાલા નાખી દહીં તથા જરૂરી પાણીથી લોટ બાંધવો.

(૪) મધ્યમ સાઇઝના લૂવા પાડી, નાનાં તથા જાડાં થેપલાં વણવાં.

(૫) તવી ઉપર બંને બાજુએ શેકી, થોડું તેલ મૂકીને ગુલાબી તળવાં. ગરમ પરોઠાં ગ્રેવી સાથે સર્વ કરવાં.

રેડ ગ્રેવીની સામગ્રી

૪ નંગ મોટાં ટામેટાં, દૂધ ઉપરથી ઉતારેલી મલાઈ, ૧ કાંદો, ૨ નંગ લાલ મરચાં, ૧ ટી. સ્પૂન ધાણા, ૦।। ટી. સ્પૂન જીરું, ૫થી ૬ કળી લસણ, કટકો આદું, ૨ ટુકડા તજ, ૩ લવિંગ, મીઠું, ૧ ટી. સ્પૂન ઘી, ૧ ટી. સ્પૂન તેલ.

રેડ ગ્રેવીની રીત

ધાણા, સૂકાં મરચાં, જીરું, તજ, લવિંગને શેકવાં. ખાંડીને ભૂકો કરવો. કાંદા, લસણ આદુંને છોલીને કટકા કરી, તેમાં ખાંડેલો મસાલો નાખવો. થોડું પાણી છાંટી બ્લેન્ડરમાં પેસ્ટ બનાવવી. ટામેટાં સમારી થોડું પાણી નાખી ઉકાળવાં. ઠંડાં પડે બ્લેન્ડરમાં સૂપ તૈયાર કરવો. ઘી-તેલ ગરમ મૂકી પેસ્ટ સાંતળવી. ટામેટાંનો સૂપ ઉમેરી ઉકાળવું. મીઠું તથા મલાઈ નાખી, જરા જાડી ગ્રેવી બનાવવી. પરોઠાં સાથે સર્વ કરવી.

નોંધ :

પરોઠાંમાં પનીર પણ ઉમેરી શકાય. રેડ ગ્રેવીમાં ચીઝ પણ ઉમેરી શકાય.