રૈનાના ઘરે લક્ષ્મીજી પધાર્યા, જાણે શું રાખ્યું પુત્રીનું નામ

16 May, 2016

ભારતીય ક્રિકેટ ટીમનો બૅટ્સમૅન અને ગુજરાત લાયન્સનો કૅપ્ટન સુરેશ રૈનાને ત્યાં લક્ષ્મીજીની પધરામણી થઈ છે તેમ જ તેનું નામ ગ્રેસિયા રાખવામાં આવ્યું છે એવી જાણકારી ખુદ સુરેશ રૈનાએ જ આપી હતી. સાથોસાથ તેણે પોતાની દીકરી અને પત્નીના ફોટોગ્રાફ પણ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અપલોડ કર્યા હતા. અગાઉ સોશ્યલ મીડિયાએ શનિવારે જ તેને પપ્પા બનાવી દીધો હતો તેમ જ દીકરીનું નામ શ્રેયાંસી રાખ્યું હોવાનું પણ જાહેર કરી દીધું હતું. પરિણામે રૈનાએ આ મામલે ટ્વીટ કરીને હજી રાહ જોઈ રહ્યો હોવાનું ટ્વીટ કર્યું હતું, પરંતુ તેણે વધુ રાહ જોવી પડી નહોતી. ગઈ કાલે સાંજે જ રૈનાની પત્ની પ્રિયંકાએ બાળકીને જન્મ આપ્યો હતો. 

 
‘મિડ-ડે’એ આ સંદર્ભમાં તેના મોટા ભાઈ દિનેશ રૈના સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ‘અમારા પરિવારમાં દીકરીનો જન્મ થયો છે. પુત્રી અને પ્રિયંકાની તબિયત સારી છ. અમે પુત્ર કે પુત્રીની જાણકારી માટે કોઈ જાતીય પરીક્ષણ કરાવ્યું નહોતું. અમારા પરિવારમાં કોઈનું પણ હાર્દિક સ્વાગત હતું. અમે જૂનવાણી વિચારો  નથી ધરાવતા.’
 
‘અત્યારે મારી મમ્મી પરવેશ રૈના અને મારી પત્ની નેહા સુવાવડ માટે અમસ્ટર્ડમ ગયાં છે. સુરેશને IPLમાં રમવાનું હોવાથી તે ભારત આવશે. મારી માતા હજી થોડા દિવસો ત્યાં રોકાશે. પ્રિયંકાને જોડે લઈને તેઓ ભારત પાછાં ફરશે. પ્રિયંકા હોલૅન્ડમાં નોકરી કરે છે એટલે તેની ડિલિવરી ત્યાં કરવાનું નક્કી કર્યું હતું. નવી પુત્રીને હોલૅન્ડનો પાસપોર્ટ મળશે.’