પ્રેગ્નન્સીમાં ઊલટી હૉર્મોનલ ઇમ્બૅલૅન્સથી થતી સામાન્ય સમસ્યા

10 May, 2016

 ૯૦ ટકા પ્રેગ્નન્ટ સ્ત્રીઓને પ્રેગ્નન્સીની શરૂઆતમાં ૩-૪ અઠવાડિયાંથી શરૂ કરીને ૧૩-૧૪ અઠવાડિયાં સુધી ઊલટી કે ઊબકાની તકલીફ રહે છે, પરંતુ કેટલીક સ્ત્રીઓમાં એ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ઘણી સ્ત્રીઓને આ તકલીફ નવ મહિના સુધી લંબાતી પણ હોય છે. આજે આપણે જાણીએ આ પ્રૉબ્લેમ્સથી બચવા વિશેના કેટલાક ઘરેલુ ઉપચાર

 
હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
 
પ્રેગ્નન્સી એક સ્ત્રી માટે જીવનભર યાદ રહી જતો અદ્ભુત અનુભવ છે, પરંતુ એની શરૂઆત એવી હોય છે કે સ્ત્રીને આવનારી મુશ્કેલીઓનો અંદાજ આપી જતી હોય છે. આજના સમયમાં ઘેરબેઠાં પ્રેગ્નન્સી-ટેસ્ટ કરીને સરળતાથી જાણી શકાય છે કે સ્ત્રી પ્રેગ્નન્ટ છે કે નહીં, પરંતુ એક સમય એવો હતો જ્યારે સ્ત્રીને ઊલટીઓ શરૂ થતી અને લોકો સમજી જતા કે ખુશીના સમાચાર છે. ઊલટી આવે, ઊબકા આવે, કોઈ જાતની ગંધ સહન ન થાય, કોઈ પણ અલગ ગંધ આવે એટલે તરત જ ઊલટી થઈ જાય. ઘણી સ્ત્રીઓની હાલત તો એવી થઈ જાય કે કંઈ ખાઈ-પી પણ ન શકાય, પાણી પીએ એ પણ ઊલટી વાટે બહાર નીકળી જાય અને હાલત ખૂબ ખરાબ થઈ જાય. સ્ત્રીને ઊલટી થાય એટલે તે પ્રેગ્નન્ટ હોય એ વસ્તુ પહેલાંના સમયમાં એટલા માટે એક ચિહ્નરૂપે જોવામાં આવતી, કારણ કે લગભગ ૯૦ ટકા સ્ત્રીઓને પોતાની પ્રેગ્નન્સી દરમ્યાન વત્તા-ઓછા અંશે ઊલટીઓ થતી જ હોય છે. આ લક્ષણો ખૂબ જ સામાન્ય છે, પરંતુ આ લક્ષણોને લીધે સ્ત્રીની હાલત અસામાન્ય બની જાય છે એ પણ એક હકીકત છે.
 
મૉર્નિંગ સિકનેસ
 
સામાન્ય રીતે સ્ત્રીઓને આ તકલીફ સવારના ઊઠતાંની સાથે જ થતી હોય છે અને જેમ-જેમ દિવસ ચડે એમ પ્રૉબ્લેમ ઘટતો જાય છે. આ સ્ત્રીઓને સવારના પહોરમાં ઊઠતાંની સાથે ઊલટી, દૂધ પી ન શકે, નાસ્તો કરવાની ઇચ્છા જ ન થાય, પાણી પણ પીએ તો ઊબકા આવે એવું ઘણું થતું હોય છે. સવારે આ પ્રૉબ્લેમ વધુ હોવાને કારણે એને મૉર્નિંગ સિકનેસ પણ કહે છે. આ પ્રૉબ્લેમ સાવ નૉર્મલ છે એમ જણાવતાં ર્ફોટિસ હીરાનંદાની હૉસ્પિટલ-વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘પ્રેગ્નન્સીની શરૂઆતનાં ૩-૪ અઠવાડિયાંમાં શરૂ થતો આ પ્રૉબ્લેમ લગભગ ૧૩-૧૪ અઠવાડિયાં સુધી રહે છે અને એની મેળે જતો રહે છે, પરંતુ કેટલીક બિચારી સ્ત્રીઓને આ તકલીફ ૯ મહિના સુધી પણ ચાલુ રહેતી હોય છે. જ્યારે સ્ત્રીઓ આ પ્રૉબ્લેમ લઈને અમારી પાસે આવે છે ત્યારે અમે તેમને કેટલાક ઘરેલુ ઉપચાર સમજાવીએ છીએ. જ્યાં સુધી ઊલટી દિવસમાં ૩-૪ વાર થતી હોય ત્યાં સુધી એમાં કંઈ ખાસ ચિંતા જેવું હોતું નથી. આ પરિસ્થિતિમાં દવાઓ આપવાની પણ ખાસ જરૂર હોતી નથી.’
 
ગંભીરતા 
 
આ પ્રૉબ્લેમ ગંભીર ક્યારે કહી શકાય એ વાત સમજાવતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘જ્યારે સ્ત્રીને દિવસ દરમ્યાન ૧૦-૨૦ ઊલટી થઈ જતી હોય, ખાવાનું પેટમાં ટકતું જ ન હોય, ખૂબ નબળાઈ આવી ગઈ હોય, ૧૪ અઠવાડિયાં પછી પણ તેની ઊલટીઓ બંધ જ ન થતી હોય તો એ ગંભીર બાબત છે. ઘણી વાર નબળાઈને કારણે સ્ત્રીનું બ્લડ-પ્રેશર ઘટી જાય અને તે બેભાન થઈ જાય એવું પણ થતું હોય છે. માટે જ્યારે આટલી બધી ઊલટીઓ થતી હોય એવી સ્ત્રીઓને ક્યારેક હૉસ્પિટલમાં ઍડ્મિટ પણ કરવી પડે છે. અમુક જરૂરી કૅર પૂરી પાડી તે સ્ટેબલ થાય પછી તેને અમુક ખાસ દવાઓ આપવામાં આવે છે જેથી તેની ઊલટીઓ કાબૂમાં રહે. કેટલીક વિટામિનની ગોળીઓ પણ આ હાલતમાં મદદરૂપ સાબિત થાય છે.’
 
હૉર્મોન્સને કારણે 
 
પ્રેગ્નન્સીમાં આવતી ઊલટીઓ પાછળનું કારણ જણાવતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રીના શરીરનાં હૉર્મોન્સમાં ઘણો બદલાવ આવે છે. બીટા HCG નામનાં હૉર્મોન્સ છે જેનો પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રીના શરીરમાં વધારો થાય છે. હૉર્મોન્સનું આ ઇમ્બૅલૅન્સ સ્ત્રીમાં કોઈ ને કોઈ લક્ષણો ઊભાં કરે જ છે. જ્યાં સુધી એ હૉર્મોન્સના લેવલથી શરીરમાં બૅલૅન્સ આવે ત્યાં સુધી કંઈ ને કઈ તકલીફ સ્ત્રીને રહે જ છે. વળી આ અસર દરેક સ્ત્રી પર જુદી હોય છે. ઘણી સ્ત્રીઓને માસિક દરમ્યાન પણ ઊલટીઓ થતી હોય છે, ઘણી સ્ત્રીઓ સ્મેલ પ્રત્યે પહેલેથી જ સંવેદનશીલ હોય છે તો તેમને આ તકલીફ વધારે થાય છે. વળી ઘણી સ્ત્રીઓને પ્રેગ્નન્સી પહેલાંથી જ પાચનની સમસ્યા રહેતી હોય તો એવી સ્ત્રીઓમાં પણ આ તકલીફ વધુ જોવા મળે છે. તો ઘણી સ્ત્રીઓને કંઈ જ થતું નથી, તેમનું શરીર આ બદલાવને તરત જ અપનાવી લે છે.’
 
પ્રૉબ્લેમ 
 
ક્યારેક એવું થાય છે ઘરેલુ નુસખાઓથી કે મેડિસિન દ્વારા પણ ઊલટીઓ કાબૂમાં નથી આવતી. ત્યારે એવું બની શકે છે કે સ્ત્રીને ગૉલસ્ટોનની તકલીફ હોય એટલે કે પિત્તાશયની પથરી થઈ હોય અથવા પિત્તાશયમાં કોઈ ઇન્ફેક્શન થયું હોય. આ સિવાય ઍક્યુટ ઍપેન્ડિક્સનો પ્રૉબ્લેમ પણ હોઈ શકે છે જેમાં જલદી સર્જરી કરવી જરૂરી બને છે. આવી સ્ત્રીઓમાં પ્રેગ્નન્સીના ત્રણ મહિના પછી સર્જરી પ્લાન કરી શકાય છે.
 
 
કેવા ઘરેલુ ઉપચાર?
 
પ્રેગ્નન્સીમાં ઊલટી, ઊબકા કે મૉર્નિંગ સિકનેસથી બચવા કયા ઘરેલુ ઉપચાર કામ લાગી શકે છે એ જાણીએ હીલિંગ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ પાસેથી.
 
ખજૂર
 
ઊબકા અને ઊલટી પાછળનું એક કારણ છે વધુપડતું પિત્ત કે ઍસિડ જે આખી રાત દરમ્યાન ધીમે-ધીમે વધતું હોય છે. ઊઠીને સીધું ફ્રૂટ કે ડ્રાયફ્રૂટ ખાઈએ તો શરીરને એમાંથી મળતી શુગરને લીધે એ ઍસિડ શાંત થાય છે. એમાં પણ જો ખજૂર ખાવામાં આવે તો એ મૉર્નિંગ સિકનેસમાં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.
 
સૂંઠની ગોળીઓ 
 
સૂકવેલા આદુંનો પાઉડર જેને આપણે સૂંઠ કહીએ છીએ. એમાં ખડી સાકરને પીસીને અને ઘી મેળવીને જો એની ગોળીઓ બનાવી લેવામાં આવે તો આ ગોળીઓ ઊલટીમાં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. સવારે ઊઠતાંની સાથે જ કે જ્યારે ઊબકા જેવું લાગે ત્યારે આ એક ચપટી સૂંઠની બનાવેલી નાનકડી ગોળી ખાવાથી ઘણી રાહત મળી શકે છે. 
 
આલ્કલાઇન ફૂડ ખાઓ, ઍસિડિક નહીં
 
જ્યારે શરીરમાં ઍસિડ વધારે છે ત્યારે એસિડિક ફૂડ ખાવાને બદલે આલ્કલાઇન ફૂડ ખાઓ. આ આલ્કાલાઇન ફૂડ એટલે છાલવાળા બટાટા, શેકેલાં શક્કરિયાં, કંદ, ફ્રૂટ અને શાકભાજીના કૉન્બિનેશનવાળાં જૂસ, ડ્રાયફ્રૂટ, ફણગાવેલા મગ, જવ, ભાત, દહીં અને દહીંનું પાણી લેવું જોઈએ. જ્યારે ચા, કૉફી, ચૉકલેટ, દૂધ, ઈંડાં, મરચાં, ગરમ મસાલો, કોલા ડ્રિન્ક્સ, પૅકેટ જૂસ, ફ્રૂટની ફ્લેવરવાળાં ડ્રિન્ક્સ, દૂધવાળાં ડ્રિન્ક્સ, બ્રેડ, બિસ્કિટ, કુકીઝ, કેક, પૅકેટવાળાં સ્નૅક્સ, ચિપ્સ, નમકીન કે ફરસાણ, જાતભાતના સૉસ, ક્રીમ, મેયોનીઝ, કેચપ, ફ્રોઝન ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.