એકવાર તળ્યા બાદ વધેલું તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય કે નહીં?

12 Feb, 2018

 વઘારથી લઈને ખીચા જેવી વાનગીમાં પણ આપણે ઉપરથી તેલ લઈને તેની લિજ્જત માણતા હોઈએ છીએ. તેમાં પણ જો ડ્રીપ ફ્રાય કરેલી વાનગીઓ હોય તો તે આપણા મનને વધારે લલચાવે છે. ભારતીય નારીઓ રસોડામાં વધતી વસ્તુઓનો ઉપયોગ કરવાનું સુપેરે જાણતી હોય છે. તેમાં પણ જો વધેલા તળેલા તેલની વાત કરીએ તો તેનો ઉપયોગ વઘારમાં કે અન્ય કોઈ વસ્તુઓમાં વાપરી લેતી હોય છે. જોકે, એક વાર તળ્યા બાદ વધેલા તેલને વાપરવું સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે.

જલેબી, સમોસાં, પાણીપૂરી નામ સાંભળતાં જ મોંમાં પાણી છૂટયું હશે. જમવાની આવી ચટાકેદાર વાનગીઓનું નામ સાંભળતાં જ મોંમાં પાણી છૂટતું હોય તો તે સ્વાદ પર કંટ્રોલ રાખવાની વાત જ અઘરી છે. કડાઈમાં ભરેલા તેલમાં તળાતી આ વાનગીઓ સ્વાદ માટે જેટલી લલચાવે છે તેના કરતાં વધારે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેમાં પણ જો વાત એક વાર વપરાયેલા તેલને બીજી વાર ઉપયોગમાં લેવાની આવે તો હેલ્થ માટે તે અત્યંત નુકસાનકારક છે.

તેલ આપણી રસોઈનું એક અભિન્ન અંગ છે. વધેલું તેલ રેન્સિડ બની જાય છે જેને કારણે આગળ જતાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાય છે.

વધેલા તેલમાં કેન્સર પેદા કરતાં તત્ત્વો રહેલાં હોય છે
તેમાં કેન્સર પેદા કરતાં તત્ત્વોનું નિર્માણ થાય છે જેને કારણે કેન્સર થવાનું જોખમ વધે છે. એક વાર તેલમાં તળ્યા બાદ તેમાં રહેલાં એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વો નષ્ટ થાય છે. વધેલા તેલમાં ઘન પદાર્થો હોય છે જેનો ઉપયોગ થવાથી સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. આવા તેલને કારણે ભવિષ્યમાં પાચનને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

વધેલા તેલમાં વિષદ્રવ્ય પદાર્થો બનવા લાગે છે
એક સંશોધન પ્રમાણે તેલને એક વાર ગરમ કર્યા પછી જેટલી વાર ગરમ કરવામાં આવે તો તેમાં વિષદ્રવ્ય પદાર્થો બનવા લાગે છે. તેમાં પણ ગ્રેપસીડ ઓઇલ, સનફ્લાવર, કોર્ન ઓઇલ જેવા તેલનો માત્ર રસોઈ માટે ઉપયોગ કરવો જોઈએ. ડ્રીપ ફ્રાય કરવા માટે આવા ઓઇલનો ઉપયોગ કરવો હિતાવહ નથી. વારંવાર તેલનો પ્રયોગ કરવાથી તેમાં રહેલા રેન્સિડ શરીરની કોશિકાઓ સાથે જોડાય છે અને શરીર બીમારીનું ઘર બને છે. આ ઉપરાંત ધમનીઓમાં પણ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. વધેલા તેલનો ફરીથી ઉપયોગ ન કરવાથી એસિડિટી, હાર્ટ ડિસીઝ, અલ્ઝાઇમર અને ર્પાિકસન્સ જેવી બીમારીઓથી બચી શકાય છે.