કરવી હોય ધંધામાં ધૂમ કમાણી તો લાભપંચમના શુભ મુહૂર્તમાં કરો પૂજન, સમય જાણવા કરો ક્લિક

15 Nov, 2015

 દિવાળી, નૂતન વર્ષ અને ભાઇબીજની ઉજવણી સાથે જ સંખ્યાબંધ શહેરીજનો વતન, પ્રવાસે રવાના થઇ ગયા છે. એવામાં હવે દીપોત્સવીના જ એક મહત્ત્વના પર્વ એવા લાભપાંચમની આવતીકાલે સોમવારે રંગેચંગે ઉજવણી થશે. ધંધા-રોજગારના મુહૂર્ત માટે વિશેષ અવસર ગણાતા લાભપાંચમે સવાર અને બપોરે ધંધો-રોજગાર શરૂ કરવાના ત્રણ સારા મુહૂર્ત છે. ગુજરાત-ભારત અને વિશ્વમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરાયા બાદ લાભપાંચમના દિવસથી વ્યાપારીઓ ધંધાનું મુહૂર્ત કરશે. લાભપંચમીનું મહત્ત્વ માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, પણ જૈન ધર્મમાં પણ એટલું જ છે. લાભપાંચમની જ્ઞાનપંચમી, સૌભાગ્યપંચમી, પાંડવપંચમી અને શ્રીપંચમી તરીકે પણ ઉજવણી કરાઇ છે.

 
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, લાભપાંચમના દિવસે ધંધાની શરૂઆત કરવા માટે કોઇ મુહૂર્ત જોવાની પણ જરૂર રહેતી નથી. લાભપાંચમે લક્ષ્મીજી, ગણેશજી અને સરસ્વતી માતાની એકસાથે પૂજા કરીને ધંધાની શરૂઆત કરવામાં આવે છે. લાભપાંચમની જૈન સમુદાયમાં જ્ઞાનપંચમી રૂપે રંગેચંગે ઉજવણી કરાઇ છે. જૈન પરંપરા મુજબ આ દિવસથી તમારે તમારી પાસે રહેલું જ્ઞાન પરિવાર, સમાજમાં ફેલાવવાની શુભ શરૂઆત કરવાની હોય છે. એવી માન્યતા છે કે, તમારી પાસે જો જ્ઞાન હોય અને તમે લોકો સુધી ન પહોંચાડો તો આવતા જન્મમાં રોગ થતા હોય છે. જ્યોતિષાચાર્ય ડો. મહેશ દશોરાએ જણાવ્યું હતંુ કે, બીજા શબ્દોમાં કહીએ તો આજ સુધીમાં રચાયેલા ગ્રંથોને ખૂબ જ સારી રીતે સાચવીને એ જ્ઞાન વડીલોથી લઇને બાળક સુધી પહોંચે તે બાબતે મહત્ત્વ આપવાના કારણે લાભપાંચમને જ્ઞાનપંચમી કહેવામાં આવે છે.
 
સંપૂર્ણ વર્ષમાં કુલ સાત પાંચમનું વિશેષ મહત્ત્વ છે. વસંતપંચમી, રંગપંચમી, શ્રીપંચમી, નાગપંચમી, ઋષિ પંચમી, લલિતાપંચમી અને કડીપંચમી. લાભપાંચમને સૌભાગ્યપંચમી એટલા માટે કહેવામાં આવે છે કે કોઇપણ શુભ કાર્યની શરૂઆત આ દિવસથી કરવી જોઇએ. ઘરમાં કુંભઘડો મૂકવો, ગૃહપ્રવેશ કરવો અથવા નવા ધંધના શ્રીગણેશ કરવાનો સારો દિવસ છે. ગ્રહ, નક્ષત્રની તિથિ પ્રમાણે ટેકસ્ટાઇલ માર્કેટ પુનઃ ધમધમશે. દિવાળીના વેકેશન બાદ લાભપાંચમના દિવસથી સુરતના ટેકસ્ટાઇલ માર્કેટમાં ગતિ આવશે. સંવત 2072માં ટેકસ્ટાઇલની મંદી દૂર થતા વ્યાપારીઓ પુનઃ ઉત્સાહ સાથે પ્રગતિ કરી શકશે. ઓનલાઇન બિઝનેસનું વોલ્યુમ પણ ખૂબ જ સારી રીતે વધશે.
 
લાભ પાંચમના શુભ મુહૂર્ત
 
સવારે 6.51થી 8.12
સવારે 9.37થી 11
બપોરે 1.47થી સાંજે 7.33