સરકાર એસટી બસ માટે લોન્ચ કરશે એપ, જાણો કેવી રીતે કરશે કામ

20 Oct, 2016

ગાંધીનગરઃ એસટી નિગમની વોલ્વો બાદ હવે દરેક રૂટની બસોની ટિકીટની ખરીદી મોબાઈલથી થઈ શકે તેવી સરળતા કરવા સરકાર ટૂંક સમયમાં જ એક મોબાઈલ એપ લોન્ચ કરશે. અત્યારે આ એપ્લિકેશનની ટ્રાયલ રન ચાલી રહી છે. નવી એપથી રાજ્યના તમામ રૂટ પર દોડતી તમામ બસનો રિયલ ટાઈમ ડેટા પ્રવાસીઓને ઉપલબ્ધ બનશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી વલ્લભ કાકડિયાએ એસટી બસોનો વધુને વધુ પ્રવાસીઓને લાભ મળે અને મહત્તમ વિસ્તારોમાં સેવા પહોંચી શકે તે માટે તેમના વિભાગે અને ખાસ કરીને એસટી નિગમ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની માહિતી આપી હતી. 
સરકારે તૈયાર કરેલી નવી મોબાઈલ એપ્લિકેશન મુજબ, કોઈ એક ડેપો પર બસની રાહ જોઈ રહેલા પ્રવાસી આ એપની મદદથી તેની બસ હાલ ક્યાં પહોંચી, કેટલા સમયમાં ડેપો પર પહોંચશે તેની રિયલ ટાઈમ વિગતો જાણી શકશે. આના આધારે તે કઈ બસ પકડવી અને ટિકીટ બુક કરવી તે નક્કી કરવામાં તેને સરળતા રહેશે, તેમ મંત્રીએ જણાવ્યું હતું. સોમવારે એસટીના એમડી વિજય નેહરા અને વાહન વ્યવહાર કમિશ્નર વિપુલ મિત્રા સાથે વલ્લભ કાકડિયાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિગમ અને એસટી સેવાના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.