ગુજરાતીઓ ના ઓલટાઈમ ફેવરીટ ભજીયા બનાવો મુંબઈ સ્ટાઈલમાં

14 Jun, 2015

રાજ્યમાં અનેક સ્થળે વરસાદ પડ્યો અને અનેક સ્થળોએ વરસાદી માહોલ સર્જાયો છે. આવા માહોલમાં સૌથી પહેલી કોઈની યાદ આવે તો તે છે ભજીયાની. તેમાં પણ ગરમાગરમ ચા અને ડુંગળી ભજીયા મળી જાય તો વરસાદી માહોલની મજામાં ઓર રંગત આવી જાય. જો કે આજ અમે રૂટીન ડુંગળીના ભજીયા કરતા અલગ ભજીયાની રેસિપી લઈને આવ્યા છીએ.
 
સામગ્રી
2 ડુંગળી
બેસન જરૂર મુજબ
મીઠુ સ્વાદ મુજબ
½ ચમચી લાલ મરચું
1 ચપટી હિંગ
તેલ તળવા માટે
 
રીત
ડુંગળીના બે ભાગ કરી લો. પછી તેને ઉભી સ્લાઈસમાં કાપી લો. આ સ્લાઈસને એક બાઉલમાં લઈને તેના ઉપર મીઠુ ભભરાવીને મિક્સ કરી લો. ડુંગળીની સ્લાઈસ બધી અલગ થઈ જશે. 15-20 મિનીટ એમ જ રહેવા દો. ડુંગળી પાણી છોડવા લાગશે. પછી તેમાં લાલ મરચુ, હિંગ અને બેસન મિક્સ કરો. તેમાં પાણી ઉમેરવાની જરૂર નથી. ડુંગળી બેસન અને મસાલાથી સારી રીતે કવર થઈ જવી જોઈએ. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં બેસન અને ડુંગળીનું મિશ્રણ ચમચીથી ઉમેરીને ભજીયા તળો. ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય સુધી તેને તળી લો. તૈયાર છે ગરમાગરમ ક્રિસ્પી ડુંગળીના ભજીયા.