મૂવી રિવ્યૂ: 'મોશન' દ્વારા 'ઈમોશન' રજૂ કરે છે 'પીકુ'

08 May, 2015

'વિક્કી ડોનર' અને 'મદ્રાસ કાફે' બાદ શુજીત સરકાર 'પીકુ' લઈને આવ્યા છે. તેમણે હંમેશા દર્શકોને કંઈક અલગ દેખાડવાના પ્રયાસો કર્યા છે.અમિતાભ બચ્ચન, દીપિકા અને ઈરફાન સ્ટારર આ ફિલ્મ પણ કંઈક એવી જ છે.બોલિવૂડમાં ઘણા ફિલ્મ મેકર્સ મોટા ભાગે મસાલા છાપ કે એક જ પ્રકારની ઘસાયેલી વાર્તાની પીપુડી વગાડે છે પણ શુજીત તેમાંથી બાકાત છે અને એક અલગ જ માર્ગે ચાલી રહ્યાં છે. ફિલ્મની વાર્તાથી લઈને ક્રાફ્ટ સુધી 'પીકુ' એક ઉત્તમ ફિલ્મ છે.
 
વાર્તા
ફિલ્મની વાર્તા ઘણી અલગ છે.ફિલ્મમાં ભાસ્કર બેનર્જી(અમિતાભ બચ્ચન)નામના વિધુર પુત્રી પીકુ(દીપિકા પાદુકોણ) સાથે દિલ્હીમાં રહેતા હોય છે.પરંતુ મિસ્ટર ભાસ્કર એક અલગ મિજાજ ના માણસ છે,તે વડવાઓની સંપત્તિ જ નહીં કબજીયાત પણ વારસામાં મળી હોય છે. તે ક્યારેય સંપૂર્ણ રીતે મળત્યાગ કરી શકતા ન હોવાથી દિવસભર તેના અંગે જ ચર્ચા કર્યા કરે છે. માત્ર એટલું જ નહીં દરેક વાતમાં પોતાનો અભિપ્રાય તો ઠપકારે જ,ગુજરાતીમાં આવા લોકોને કચકચીયા કહે છે. દિવસભર બડબડાટ ચાલુ રાખે છે.તે એક પ્રકારે ક્રિટિક છે,ગમે તેવી વાતમાં વિરોધ નોંધાવી પોતાની વાત મનાવે છે. સૌ કોઈ તેને હાથ જોડે છે, અરે ઘરની નોકરાણી પણ કામ છોડી ભાગી જાય છે પણ પુત્રી 'પીકુ' અને તેનો એક નોકર તેમને સહન કર્યા કરે છે.
 
તેઓ કબજીયાત કેમ મટાડવી અને તેના માટે શું શું કરી શકાય તે અંગે સતત કંઈકને ઉપાયો શોધ્યા કરે છે.માત્ર એટલું જ નહીં દરરોજ ઝાડો કેવો ઉતર્યો પીળો હતો કે લીલો ત્યાં સુધી પુત્રી ને જણાવ્યા વિના રહેતા નથી. પીકુ એક આર્કીટેક્ચર કંપનીમાં નોકરી કરતી હોય છે,આથી તેને મેસેજમાં સતત કબજીયાતથી અપડેટ રાખે છે અને પીકુની ઓફિસમાં પણ આ વાત સૌ કોઈ જાણતા હોય છે. એક દિવસ તેમને વતન કોલકાતા જવાની ઈચ્છા થાય છે તે પણ ફ્લાઈટ કે ટ્રેન નહીં પણ ટેક્સી દ્વારા.આથી તેઓ એક ટેક્સી ભાડે કરે છે જેનો માલિક પોતે રાણા ચૌધરી (ઈરફાન ખાન)ડ્રાઈવ કરવા આવે છે અને પિતા પુત્રીને કોલકાતા પહોંચાડે છે.માર્ગમાં પણ ભાસ્કર બેનર્જી કોઈને કોઈ પ્રકારે લપ કર્યા કરે છે.ત્યાર બાદ ફિલ્મ આગળ વધી ક્લાઈમેક્સ સુધી પહોંચે છે.
 
ડાયરેક્શન અને પટકથા
શુજીત સરકારનું ડાયરેક્શન ઉત્તમ કક્ષાનું છે. પોતે બંગાળી હોવાથી બંગાળી પરિવાર પર આધારિત આ ફિલ્મ માહોલ ઉભો કરવામાં સફળ રહ્યાં છે.તેમણે કલાકારની પસંદગીથી લઈને બંગાળી કલ્ચરને રજૂ કરવામાં ખૂબ જ ચીવટતા રાખી છે.તેમજ સામાન્ય માણસને પજવતી કબજીયાતની સમસ્યાને રમુજ સાથે રજૂ કરી છે.આ પ્રકારના વિષયો પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય અથવા તો ફિલ્મ બનાવે પણ શુજીતે કંઈક નવુ કામ કર્યું છે.
 
ફિલ્મની પટકથા,વાર્તા અને સંવાદો જુહી ચતુર્વેદીએ લખ્યા છે.ફિલ્મ એક કોમેડી ડ્રામા છે,શરૂઆતથી લઈ ઈન્ટરવલ સુધી ફિલ્મ દોડી જાય છે જોકે ત્યાર બાદ થોડી ધીમી પડી જાય છે.ક્લાઈમેક્સ પણ થોડો ઉતાવળમાં કર્યો હોય તેમ લાગે છે. આ સિવાય પટકથામાં ખાસ કોઈ ખામી નથી.
 

એક્ટીંગ
 
ભાસ્કર બેનર્જીના પાત્રમાં અમિતાભ બચ્ચન બંગાળી બાબુ બની ગયા છે. તેઓ કચકચિયા ડોશાના પાત્રમાં એકદમ ફિટ બેઠા છે અને તેના એક એક વન લાઈનર્સ અને એક્સપ્રેશન હસાવ્યા વિના છોડતા નથી.જ્યારે 'પીકુ' બનેલી દીપિકા પાદુકોણ પણ એક પ્રેમાળ અને પિતાની કેર કરતી પુત્રી તરીકેના પાત્રમાં જમાવટ કરે છે,આ સિવાય ઈરફાન ખાન,રઘુબીર યાદવ અને મૌસમી પણ તેમના ભાગે આવેલુ પાત્ર સુપેરે નિભાવી જાણ્યું છે.
 
સંગીત
અનુપમ રોયનું સંગીત ધમાલિયુ નહીં પણ કર્ણ પ્રિય છે.ફિલ્મના છ ગીતોની ધુનો સાંભળવાની મજા આવશે કાનને ત્રાસ નહીં આપે.  
 
ફિલ્મ જોવી કે નહીં
 
ફિલ્મની વાર્તા એકદમ નવીન તેમજ ફેમિલિ કોમેડી ડ્રામા જોઈને કંઈક નવુ જોવાનો ચોક્કસ અહેસાસ થશે.