ફિલ્મ રિવ્યૂઃ કિલ દિલ

14 Nov, 2014

જૂની બોટલમાં જૂનો દારૂ ભરવામાં આવ્યો હોય તે રીતની આ ફિલ્મ છે
અંગ્રેજી શીખવા માટે ‘રેપીડેક્સ: ઈંગ્લીશ સ્પીકિંગ કોર્સ’ પુસ્તક આજની તારીખે પણ ફેમસ છે એ જાણીને આનંદ થયો. સ્કૂલના પ્રિન્સિપાલના સ્ટાફ રૂમની ઓફિસ જેવા લાગતા રૂમમાં ઈન્સ્યોરન્સ એજન્ટને નોકરી આપવા ઇન્ટરવ્યૂ લેવા બેઠેલ આલોકનાથની પાછળ નિરૂપા રોયનો ફોટો! અને લત્તા દીદીનું ક્લાસિક સોંગ—રહે ના રહે હમ, મહેકા કરેંગે, બનકે કલી, બનકે સમા.. આહા, ક્યાં છે અશોકકુમાર?!

‘આ હતું શું? આખિર કહેના ક્યાં ચાહતે હો બરખોદાર?’ – ‘કિલ દિલ’ જોયા પછી આવા એક્સપ્રેશન ના આવે તો કહેજો. ગણિતમાં સીધી લીટીનો આલેખ એટલે કે ગ્રાફ ઘણી વખત બનાવ્યો હશે. અમુક ગ્રાફ ઇન્ક્લાઈનીંગ હોય એટલે કે નીચેથી ઉપર તરફ સતત વધતા જતા. જયારે અમુક સ્લોપ સીધા ડીકલાઈનીંગ હોય, નીચે તરફ ઉતરતા જતા, એ પણ એકધારા. Kil Dil is declining graph. પહેલા સીનની શરૂઆતથી ખાસ્સુ રસપ્રદ લાગે અને પછી એક જ સ્પીડમાં નીચે તરફ ઉતરતું જાય ફિલ્મ. ઈન્ટરવલ પછી તો લથડે. અને એન્ડમાં એવું લાગે કે પતી ગયું?

ટેલેન્ટના ભંડાર જેવો અલી ઝફર, નખરાળો રણવિર, ચુલબુલી પરીણિતી અને ઓલ્ડ યેટ કેચિંગ વાઈન જેવો ગોવિંદા. આવી પ્રયોગાત્મક સ્ટાર કાસ્ટ. ફક્ત નામ
સાંભળીને જ જીજ્ઞાસા જાગી ઉઠે એવું શંકર-એહસાન-લોય અને ગુલઝારનું કોમ્બિનેશન અને ફિલ્મ કેવી? વહી પુરાના ટીપીકલ બોરિંગ બોલિવૂડ ફોર્મ્યુલા. રખડેલ-ભટકેલની લાઈફમાં કોઈ સારી છોકરી આવે અને એ વંઠેલ સુધરવા જાય ત્યારે એના સુધરવાના પ્રયાસમાં એમને નાનપણથી સંભાળનાર ‘પિતાતુલ્ય’ ગુંડો આડો ફાટે અને એનો પાસ્ટ જાણીને છોકરી રિસાઈ જાય અને છેલ્લે હેપી એન્ડીંગ. ઘસાઈ ગયેલી સ્ટોરી ઉપર સમય-શક્તિ-નાણાં અને ગુલઝાર સાહેબ, બધાનો વેડફાટ. તમે સાહેબ, પરિણીતી ચોપરાને લો તો એમને પુરતી સ્પેસ આપો, સપોર્ટિંગ રોલ જેવો કિરદાર આપવાનો શું ફાયદો? ગોવિંદાની કરિયરની સેકન્ડ ઈનિંગ ચાલુ થઇ છે તો ગોવિંદા દ્વારા ધમાકો થવો જોઈએ એની જગ્યાએ સૂરસુરિયું કેમ? રણવિર અને અલીને જોઈને રણવિરનું જ ફ્લોપ ‘ગુંડે’ કેમ યાદ આવે?

બોલ બેલીયા સોંગ જોતા પરિણીતીનું ‘ઈશકઝાદે’ કેમ યાદ આવે? એક તો આટલી જૂની અને હવે ફાલતું થઇ ગયેલી વાર્તા અને એમાં ઉપરથી સ્ક્રિપ્ટના ધડા નહીં. ખરબચડી સ્ક્રિપ્ટ, ખાડા-ટેકરાવાળી. વિવેક-રાનીનું ‘સાથીયા’ જેવું સુંદર મૂવી આપનાર, શાદ અલી, ‘કિલ દિલ બનાવે?’ જો કે, ‘બંટી ઔર બબલી’ ને ‘ઝૂમ બરાબર ઝૂમ’ જેવા પકાઉ હથોડા મારનાર આવું જરૂરથી બનાવી શકે અને શંકર-એહસાન-લોયે રાબેતા મુજબ, જે તેઓ દરેક ફિલ્મમાં કરે છે એમ જ, એવું કર્યું છે કે આખી ફિલ્મમાં બે કે ત્રણ ગીતો જ હટકે સારા હોય, બાકી બધા એવરેજ. શૂટિંગમાં સ્ક્રિનપ્લેને અપાયેલી ટ્રીટમેન્ટ અને અમુક ટાઈમિંગવાળા વન-લાઈનર્સ ડાયલોગ અને અમુક અંશે રણવિરનું કામ - આના સિવાય આખા મૂવીમાં કઈ માણવા જેવું નથી.

ટ્રેલરમાં તો એટલું સારું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું કે એવી આશા બંધાય જાય કે મૂવીમાં શુંનું શું ય હશે પણ નહીં. મૂવી જોયા બાદ એકદમ નિરાશ થવું પડ્યું. મૂવીની અંદર ધરાર જુવાનીયાઓ માટે મસ્તી-મજાક પણ નાખવા ગયા, રોમાન્સનો તડકો લાગવાની પણ ખુજલી જાગી, કોમેડી થોડી ભભરાવવાની કોશિશ કરી અને બાપસમાન ગુંડા સાથે ઈમોશનલ મેલોડ્રામા અને બે ભાઈઓ જેવા દોસ્તોની કેમિસ્ટ્રી શો-ઓફ કરવા ગયા, ઇન શોટસ, બધા જ પ્રકારના ઓડિયન્સ રાજી રહે એની જાગૃતપણે તકેદારી રાખવાના પ્રયત્નો થયા અને સરવાળે મૂવી એકદમ નબળું બન્યું.

પરિણીતીમાં બહુ ક્ષમતા છે, એને કોઈ ડાયરેક્ટર વ્યવસ્થિત યુટીલાઈઝ કરે એની રાહ છે. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજના વિખ્યાત કમાન્ડર લક્ષ્મી સેહગલના પૌત્ર શાદ અલીની આ ‘વોન્ના બી મસાલા ફિલ્મ’ એક સરસ એન્ટરટેઈનમેન્ટ પેકેજ પીરસવામાં નિષ્ફળ નીવડી. હા, ગુલઝારના ઘેઘુર અવાજમાં મૂવીમાં ત્રણ વખત બેકગ્રાઉન્ડમાં શેર મૂકી ગુલઝાર પ્રેમીઓને ખુશ કરી દેવા બદલ શાદ અલીનો આભાર.