Movie Review: 'બેબી',અક્ષયની વધુ એક ક્રાઈમ-મિસ્ટ્રી ફિલ્મ જોવી કે નહીં?

23 Jan, 2015

ઝોનર : એકશન-ક્રાઈમ-મિસ્ટ્રી
નિર્દેશનક: નિરજ પાંડે
સ્ટાર કાસ્ટ: અક્ષય કુમાર,અનુપમ ખેર,ડેની ડેંગ્ઝોપ્પા,રાના દુગ્ગુબતી,તાપસી પન્નુ,કે કે મેનન


અક્ષય કુમાર અને નિરજ પાંડેની અદભૂત ફિલ્મમાંની એક છે બેબી. આ ફિલ્મ જે રીતે આગળ વધે છે તે તમારા ધબકારા અટકાવી દે છે. મોમાંથી એક શબ્દ પણ ન બોલી શકો તેટલા એકાગ્ર થઈ જાઓ.

બેબી ફિલ્મ નિરજ પાંડેની બીજી મોટી સફળતા છે.નિરજ પાંડેનું સૌથી મોટું એ છે કે પાકિસ્તાનમાં ધબકતા આતંકવાદને તેમણે બખૂબી વણી લીધો છે. આમાં સત્યને જરાં પણ છૂપાવીને કે અલગ

રીતે રજૂ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં એ સત્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે આતંકવાદ જેવા ગુનાનો ના કોઈ ધર્મ હોય છે કે ન કોઈ પ્રાંત.

'બેબી' આતંકવાદી પ્રવૃતિ ચલાવતા સંગઠનની જાસૂસી કરતું એક ગ્રુપનું નામ છે અને તેને હેન્ડલ કરતો હોય છે ફિરોઝ અલી ખાન (ડેની ડેઝપ્પા).અજય સિંહ રાજપૂત (અક્ષય કુમાર)એ ફિરોઝનો સૌથી વિશ્વાસુ કાઉન્ટર ઈન્ટેલિજન્સ એજન્ટ હોય છે.આતંકવાદ ગ્રુપનો માસ્ટર માઈન્ડ હોય છે મૌલાના મોહમદ રહેમાન (પાકિસ્તાની એકટર રશિદ નાઝ).તે બોર્ડર એરિયા નજીક બેસતો હોય છે અને ખૂબજ સહેલાઈથી યુવાનોનુ આતંકવાદમાં જોડાવવાં અંગે બ્રેઈનવોશ કરતો હોય છે.

ફિલ્મ એકદમ સરળ રીતે આગળ વધે છે.તેમા કોઈ બિનજરૂરી રંગો ઉમેરવામાં નથી આવ્યા. એક દેશમાંથી બીજા દેશમાં આતંકવાદ કેવી રીતે પ્રસરે છે તે ઘણી સારી રીતે વણી લેવામાં આવ્યું છે.

ખાસ કરીને તુર્કીથી નેપાળ અને ત્યાંથી સાઉદી અરેબિયા.અજય (અક્ષય કુમાર) અને તેની ટીમ આતંકવાદનો ખાત્મો બોલાલવા જીવ રેડી દે છે. આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપે છે. ફિલ્મમાં અક્ષય કુમારના સ્ટંટ કાબિલે તારીફ છે.

આ સ્ટંટ સિરિલ રફાલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યા છે. આ સ્ટંટ એટલી અદભૂત રીતે રજૂ કરવામાં આવ્યાં છે કે તમે તે જોવામાં તમે એકવાર શ્વાસ લેવાનું પણ ચૂકી જાઓ. અક્ષય કુમાર જાણે હમણા જ મોતને ભેટશે તેવો આભાસ ઉપજાવતા સ્ટંટ જોઈ તમે તેને એકશન કુમાર જ કહેશો.

એક સ્ટંટ યુનિટની એજન્ટ પ્રિયા (તાપસી પન્નુ) અને જાવેદ (સુશાંત સિંહ) વચ્ચે છે જે અનફરગોટેબલ છે. એક પ્રોફેશનલ વુમન જે રીતે લોકોને ટ્રીટ કરવા જોઈએ તે જ રીતે ટ્રીટ કરે છે,તેમાં તે કોઈને પણ છોડતી નથી.

ફિલ્મમાં એકટરો દ્વારા કરાયેલા અસરકારક કામની તમારે પ્રશંસા કરવી જ પડે તેવું છે.તેના ધારદાર ડાયલોગ્સ તમારા મનમાં અમીટ છાપ છોડી જાય તેવા છે. ઘણા ડાયલોગ્સ અર્થ સભર અને છતાં રમૂજ ઉત્પન્ન કરે તેવા છે. (જે નિરજ પાંડે દ્વારા લખાયેલા છે.) ફિલ્મમાં એક સેકંડ માટે પણ મટકુ ન મારો તેવા ડાયલોગ્સ સાથે ભાવનાત્મક પાસાને પણ ઉમેરવામાં આવ્યા છે.

આ ફિલ્મમાં અનુપમ ખેર,કે કે મેનન,તાપસી,સુશાંત,ડેની,રશિદ નાઝ તમામે ફિલ્મમાં પોતાના પ્રાણ રેડી દીધા છે.પાકિસ્તાની એકટર મિકાલ ઝુલ્ફીકર જે અશફાકની ભૂમિકામાં છે,તે ન માત્ર તમારી આંખોને ગમે તેવો ચેહરો છે પણ તમારા દિલમાં ઉતરી જાય તેવો એક ઉમદા એકટર પણ છે. અક્ષય કુમારનું આગવું પરફોમન્સ અને બોડી લેગ્વેજ એક ક્રુરતાભર્યા પોલીસ ઓફિસરની ભૂમિકા માટે પરફેક્ટ છે. તે આતંકવાદ સામે એક જ માઈન્ડથી વિચારતો ઓફિસર બતાવાયો છે. તે માઈન્ડ એ છે કે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપવો.