ફિલ્મ રિવ્યુ : તમાશા

26 Nov, 2015

‘જબ વી મેટ’, ‘લવ આજકલ’, ‘રૉકસ્ટાર’ અને ‘હાઇવે’ જેવી સેન્સિબલ ફિલ્મોના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની ‘તમાશા’ એક ફિલોસૉફિકલ લવ-સ્ટોરી છે.

તમે જે જીવવા માગો છો એ જીવી શકતા નથી અને તમે જે કામ નૌટંકીરૂપે કરી લો છો એ તમારી સચ્ચાઈ છે. આખી ફિલ્મનું કથાનક આ એક વાક્યમાં છુપાયેલું છે. ફિલ્મમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ લીડ સ્ટાર છે. ફિલ્મનું મ્યુઝિક એ. આર. રહમાનનું છે અને ગીતો ઇર્શાદ કામિલે લખ્યાં છે. ‘તમાશા’નું શૂટિંગ ફ્રાન્સના કોર્સિકા નામના આઇલૅન્ડ અને પૅરિસમાં થયું છે તો ફિલ્મનો કેટલોક ભાગ દિલ્હી, શિમલા અને મુંબઈમાં શૂટ કરવામાં આવ્યો છે.

વેદ વર્ધન સાહની (રણબીર કપૂર)ને એન્જિનિયર બનવું નથી, પણ તેને પરાણે એન્જિનિયર બનાવવામાં આવે છે. હંમેશાં અળવીતરાની જેમ ફરતો અને ઘડીના છઠ્ઠા ભાગમાં વાર્તા બનાવી લેતો વેદ એન્જિનિયર બની પણ જાય છે, પણ હવે તેની લાઇફમાં કોઈ રોમાંચ રહ્યો નથી. ટિપિકલ રીતે તે પોતાની લાઇફ જીવે છે. એવું જ તારા મહેશ્વરી (દીપિકા પાદુકોણ)નું છે. તારાને ઊડવું છે, પણ તેને જરૂર છે તો કોઈના હાથની જે તેને ક્યારેય મળ્યોનથી. તારાને જીવવું છે કંઈ જુદું, પણ લાઇફ બીજી જ દિશામાં ફંટાયેલી છે. વેદ અને તારા બન્ને અનાયાસ વેકેશન માટે એક જ જગ્યાએ ફ્રાન્સમાં આવેલા કોર્સિકા જાય છે અને ત્યાં મળે છે. અજાણ્યાને સાચી ઓળખાણ ન અપાય જેવી ટિપિકલ માનસિકતા અને પોતાનો વર્તમાન ગમતો નહીં હોવાની હકીકત વચ્ચે બન્ને નક્કી કરે છે કે એકબીજાને સાચી ઓળખાણ આપવી નહીં અને સાચી રીતે વર્તવું નહીં. કોર્સિકાનું આ વેકેશન બન્ને માટે જીવન બદલી નાખનારું બને છે. ભરપેટ મજા કરવામાં આવે છે અને એ મજા વચ્ચે બન્ને પૂરો આનંદ પણ લે છે. બન્ને એકબીજાની સાથે સાવ ખોટું વર્તે છે, પણ બેઉ જાણે છે કે કરવામાં આવેલા એ ખોટા વર્તનને તે બન્ને જીવવા માગે છે. વાત છેલ્લે ઇમોશનલ લેવલ પર પહોંચે છે અને વેદ-તારા સમજી જાય છે કે એકબીજા માટે તેમનાં ઇમોશન્સ સ્પેશ્યલ બનતાં જાય છે. વેદ હવે પીછેહઠ કરે છે અને વેદની સાથે તારા પણ પીછેહઠ કરે છે. છૂટાં પડ્યા પછી બન્નેને એકબીજાને મળવું છે, પણ બેમાંથી કોઈની પાસે સાચી માહિતી નથી. મળવું તો હવે કેવી રીતે મળવું?

ચાર વર્ષ પછી અચાનક વેદ અને તારા બન્ને એકબીજાને મળે છે અને અહીંથી તેમના જીવનનો નવો અધ્યાય શરૂ થાય છે, જેમાં એકબીજાને પામવાની દિશામાં આગળ વધવાનું છે પણ વચ્ચે જે ચાર વર્ષ પસાર થઈ ગયાં છે એનો ભાર પણ છે. અને હકીકતમાં જે સાચું જીવન શરૂ થયું છે એમાં દુનિયાદારીનો ત્રાસ પણ છૂટી રહ્યો છે.

નામ ‘તમાશા’ શું કામ?

તમાશા શબ્દનો અર્થ થાય છે ખેલ, નાટક, ભવાઈ કે પછી નૌટંકી. પૃથ્વી એક રંગમંચ છે અને એના પર જેકંઈ જિવાઈ રહ્યું છે એ તમાશા છે. આ તમાશામાં હરકોઈએ પોતાનો રોલ અદા કરવાનો છે. કિસ્મત નામની દેવીએ ઑલરેડી સ્ક્રિપ્ટ લખી રાખી છે. લખાયેલી એ સ્ક્રિપ્ટ મુજબ આગળ વધતા જવાનું છે, ગમે તો પણ અને ન ગમે તો પણ. વેદ અને તારા પણ પોતપોતાના રોલ નિભાવે છે અને એટલે ફિલ્મનું ટાઇટલ ‘તમાશા’ છે.