રાજકોટના ઉદ્યોગપતિની દીકરીનાં અનોખાં લગ્ન

23 May, 2016

 

 
અનોખા ઇન્ટીરિયર અને જબરદસ્ત ભપકા સાથે તો અનેક મૅરેજ થયાં છે; પણ ગઈ કાલે રાજકોટમાં એક મૅરેજ એવાં થયાં જેને વર્ષો સુધી પરિવાર જ નહીં, સમાજ પણ યાદ રાખશે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ વલ્લભભાઈ પાંભરની દીકરી એકતાનાં મૅરેજ રાજકોટમાં જ રહેતા ગિરિશ અકબરીના દીકરા અજુર્ન સાથે થયાં. આ મૅરેજમાં એકતા અને અર્જુને સપ્તપદીના સાત ફેરા ફરતી વખતે દરેક ફેરા સાથે એક-એક સંકલ્પ લીધો. આ સંકલ્પ પણ એવા હતા કે જેમાં તેમણે સૌને જવાબ આપવો પડે. પહેલા ફેરા સમયે બન્નેએ સંકલ્પ લીધો કે તે બન્ને કુલ ૧૫૧ ગરીબ દીકરીઓનું એજ્યુકેશન અડૉપ્ટ્સ કરશે અને તે ૧૫૧ દીકરીઓનો તમામ એજ્યુકેશનનો ખર્ચ ભોગવશે. બીજા ફેરા સાથે એવો સંકલ્પ કરવામાં આવ્યો કે કૅન્સરગ્રસ્ત પેશન્ટને જરૂરિયાત મુજબ દવા લઈ આપવી અને દરરોજ એક પેશન્ટ કે તેની ફૅમિલીને ફૂડ આપવું. ત્રીજા ફેરા સાથે સંકલ્પ લેવામાં આવ્યો કે આવતાં બે વર્ષ દરમ્યાન કુલ ૫૧૧ વૃક્ષ વાવશે અને એ પછી એ વૃક્ષની માવજત કરશે. જે સમયે એ વૃક્ષ પરિપક્વ થઈ જશે એ વર્ષથી નવાં વૃક્ષ વાવવાનું કામ હાથમાં લેશે. ચોથા ફેરા સાથે સંકલ્પ લેવામાં આવ્યો કે વરસાદના પાણીથી જમીન રિચાર્જ થાય એ માટે રાજકોટની ૫૧ સોસાયટીઓને તૈયાર કરશે અને શોષ-ખાડા કરાવશે. પાંચમા ફેરામાં આટલી જ સોસાયટીઓની વ્યક્તિઓને તૈયાર કરીને સફાઈ-અભિયાન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી જેમાં એ પણ સંકલ્પ કરવામાં આવ્યો કે જે કોઈ સફાઈ-અભિયાનમાં જોડાશે તેમને લઈને જાહેર જગ્યા પણ સાફ કરવામાં આવશે.
 
છઠ્ઠા નંબરની પ્રતિજ્ઞા છઠ્ઠા ફેરા સાથે લેવામાં આવી. આ પ્રતિજ્ઞા મુજબ ગોસેવા અને જીવદયાનો પ્રચાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તો સાતમા ફેરામાં નક્કી કરવામાં આવ્યું કે હવેથી બન્ને હસબન્ડ-વાઇફ પોતપોતાના જન્મદિવસ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં ઊજવશે અને આખો દિવસ ત્યાં જ રહેશે.
 
મજાની વાત એ છે કે એકતાના સસરા ગિરિશભાઈ અકબરીએ પુત્રવધૂનું સન્માન તેની રક્તતુલા કરીને કર્યું હતું તો જાનમાં આવેલા સૌ કોઈની પાસે દેહદાન અને ચક્ષુદાનનો સંકલ્પ પણ કરાવવામાં આવ્યો હતો.
 
મૅરેજના પ્રસંગે જે ડેકોરેશન કરવામાં આવે છે એ ડેકોરેશન વચ્ચે બન્ને પરિવારે સમાજને ઉપયોગી સૂત્રોનાં પોસ્ટરો લગાવ્યાં હતાં અને મૅરેજમાં હાજરી આપનારા મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં ચકલીનો માળો અને છોડ આપવામાં આવ્યા હતા.
 
રશ્મિન શાહ
gujaratimidday