રસોડાની રાણીને ઉપયોગી થાય તેવી 15 આસાન કિચન ટિપ્સ

29 Dec, 2014

રેસિપી તો દરેક ગૃહિણી માટે આશિર્વાદરૂપ હોય છે. રસોડામાં છોકરી રસોઇ કરવાનું શીખે તેની શરૂવાત રેસિપીથી જ કરે છે. એટલા જ માટે અવનવી વાનગીઓ બનાવવા માટે સ્ત્રીઓને રેસિપીનું આકર્ષણ બહું હોય છે, પરંતુ તેનાથી પણ મહત્વની વાત એ છે કે, આ વાનગીઓ બનાવવામાં રેસિપીનું જેટલું મહત્વ છીટલું જ મહત્વ છે કિચન ટિપ્સનું પણ. કિચન ટિપ્સ અજમાવવાથી તો જાણે 'સોનામાં સુગંધ ભળી' જેવો ચમત્કાર જોવા મળશે તમારી અવનવી વાનગીઓમાં.

-શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો. ઘણી મહિલાઓ પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગ કરે છે. આમ કરવામાં ઘણી વાર પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો સમારેલા શાકભાજીમાં જતા રહે છે. જયારે લાકડાંના પાટિયામાં આવું થવાની શકયતા રહેતી નથી.
-લસણ ફોલતાં પહેલાં લસણની કળીઓને નવશેકા પાણીમાં પલાળી રાખવાથી તેના ફોતરાં સહેલાઈથી નીકળશે.
-લીલા કે લાલ મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પહેલાં તેના ડીંટિયા કાઢી નાખો.
-દૂધ ગરમ કરતી વખતે તે ઉભરાય નહીં, તે માટે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો.
- પ્રેશર કૂકરની રિંગ ઢીલી થઇ ગઇ હોય તો તેને થોડો સમય ફ્રજિમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઇ શકાશે.
-રસગુલ્લા ફાટી જતા હોય તો માવામાં થોડો રવો અને મેંદો સરખા પ્રમાણમાં લઇને મિકસ કરો. જેથી રસગુલ્લા ફાટશે નહીં.
-ઘણી વખત કટલેસ બનાવતી વખતે તેનું મિશ્રણ વધારે નરમ થઇ જાય છે. આવા સમયે ટોસ્ટને મિકસરમાં ક્રશ કરી કટલેસના મિશ્રણમાં ભેળવી દેવાથી મિશ્રણ ઘટ્ટ બની જશે.
-જો શાક વધ્યું હોય તો તેને ફેંકી ન દેતા સવારે તેનાં સ્ટફડ પરોઠા બનાવી દો. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદુ કોથમીર અને ફુદીનો ભરપૂર માત્રામાં ઉમેરો
-શીરો બનાવતી વખતે પાણીમાં ખાંડની સાથે અડધો કપ દૂધ નાખો અને એની ચાસણી બનાવો. શીરાના સ્વાદની સાથે તેની પૌષ્ટિકતા વધી જશે.
-પલાળેલા સાબુદાણાને મેશ કરી શિંગોડાના લોટમાં ભેળવી તેના ભજીયા બનાવો. તેમાં મરચાં-આદુંની પેસ્ટ વગેરે સ્વાદ મુજબ ભેળવી શકાય.
-લાલ મરચું, હળદર, ધાણાજીરું વગેરે મસાલા લાંબા સમય સુધી તાજાં રહે એ માટે તેમાં હિંગનો ટુકડો મૂકી રાખો.
-બદામની છાલ સરળતાથી કાઢવા માટે તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખો.
-ખાંડના ડબ્બામાં કીડીઓ ન ચડે એટલા માટે ૩-૪ લવિંગ મૂકી રાખો.
-દાઝ્યા પર કેળું છુંદીને લગાવો. કેળાથી ઠંડક મળે છે અને બળતરા ઓછી થાય છે.
-રાંઘતી વખતે શાક કે કઢી બળીને ચોંટી જાય ત્યારે એ ચોંટેલું વાસણ સાફ કરવામાં મુશ્કેલી પડે છે. તેને સરળતાથી સાફ કરવા માટે ડુંગળી છીણીને ચોંટી ગયેલી વસ્તુ પર મૂકો. પછી તેના પર ગરમ પાણી રેડો. ૫ મિનિટમાં વાસણ સાફ થઈ જશે.