રિતેશ દેશમુખ અને ચુલબુલી જેનેલિયાના ઘરે પહેલાં સંતાનનો જન્મ

26 Nov, 2014

બોલિવૂડના કલાકાર દંપતી રિતેશ દેશમુખ અને જેનેલિયા ડી’સોઝા-દેશમુખ આજે માતા-પિતા બન્યા છે. જેનેલિયાએ આજે પુત્રને જન્મ આપ્યો છે જે દંપતીનું પહેલું સંતાન છે. રિતેશે આ સારા સમાચારની જાણ ટ્વિટર પર આ રીતે કરી છેઃ “It’s a BBBOOOOYYYYYY!!!!!!!!”.

રિતેશ અને જેનેલિયા 2003થી એકબીજાના પ્રેમમાં હતા અને છેવટે 2012ની 3 ફેબ્રુઆરીના દિવસે લગ્નગ્રંથિથી જોડાયા હતા. રિતેશ અને જેનેલિયાને તેમની પ્રેમકહાણી ગુપ્ત રાખવામાં સારી એવી સફળતા મળી હતી. નવ વરસ સુધી તેઓ લોકોની નજર બચાવીને પ્રેમ ગીતો ગાતા હતા. જો કે આ બંને વચ્ચેના રોમાન્સની અફવા અવાર-નવાર સંભળાતી હતી. આ ઉપરાંત તેઓ અલગ પડી ગયા, રિતેશની એક હિરોઈન જેક્વેલિન ફર્નાન્ડિસ તેમની વચ્ચે આવી હોવાની પણ અફવા હતી. પરંતુ છેલ્લે સુધી આ બંનેમાંથી કોઈએ પણ મગનું નામ મરી પાડવાની તસ્દી લીધી નહોતી.

હકીકતમાં તો રીલ જોડી તરીકે લોકોની સામે આવતા પહેલા જ તેઓ રિયલ જોડી બની ગયા હતા. તેમની પ્રથમ ફિલ્મ ‘તુઝે મેરી કસમ' (2003)ના શૂટિંગ દરમિયાન રિતેશ જેનેલિયાના પ્રેમમાં પડ્યો હતો એને એક દિવસ આ છોકરી સાથે લગ્ન કરશે એવું વચન તેણે પોતાની જાતને આપ્યું હતું અને 2012ની ત્રીજી ફેબ્રુઆરી એ રિતેશે જેનેલિયા સાથે ધામઘૂમથી લગ્ન કરીને આ વચન પાળી દેખાડ્યું હતું.