યાદ રાખો આ પાંચ ટિપ્સ અને તમારું વજન ક્યારેય નહીં વધે...

05 Feb, 2018

આજકાલ વજન ઘટાડવા માટે એટલા બધાં ઓપ્શન ઉપલબ્ધ છે કે લોકો કેમેય કરીને તેમનું વજન ઘટાડી તો દે છે પણ તેમાંથી 70 ટકા લોકો ઘટેલા વજનને જાળવી રાખવામાં નિષ્ફળ જાય છે. જોકે ઘટાડેલાં ચરબીના થર પૂરતી કસરત અને સારી ફૂડ હેબિટ્સની મદદથી કાબૂમાં રાખી શકાય છે. પરંતુ એકવાર વજન ઘટી ગયા બાદ નિશ્ચિંત બનેલા લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી અને ધીરે-ધીરે ફરી એવા જ ખોરાક લેવાનું શરૂ કરી દે છે જેનાથી તેમને દૂર રહેવું જોઈએ અને ફરી જુની લાઈફસ્ટાઈલ અપનાવી લે છે.

ડાયટિંગ દ્વારા વજન ઉતારનારા લોકોમાંથી બહુ ઓછા લોકો પોતાનું વજન જાળવી રાખવામાં સફળ રહે છે કારણ કે વજન ઉતારવા કરતાં વજનને જાળવી રાખવું વધારે અઘરું છે. મોટાભાગે એકવાર જેવું જોઈએ એવું વજન મેળવી લીધા પછી લોકો બેદરકાર બની જતા હોય છે અને ઘણી વાર વજન હતું એના કરતાં અનેકગણું વધી જાય છે. જેથી ડાયટિંગ કર્યા પછી વજન જાળવી રાખવું હોય તો લાઇફસ્ટાઇલમાં કેટલીક ચીવટ તો રાખવી જ પડશે. તો ચાલો તમને જણાવી દઈએ વજન ઉતાર્યા પછી ફરીથી એ વધી ન જાય એની બેસ્ટ પાંચ ટિપ્સ.
 
તમારા શરીરને સક્રિય બનાવો
 
વજનને જાળવી રાખવા માટે સ્ત્રી અને પુરૂષ બન્નેએ બેઠાડું જીવન ત્યજીને હમેશાં કાર્યશીલ રહેવું ખૂબ જ જરૂરી છે. રોજેરોજ કસરત કરવામાં કંટાળો આવે ત્યારે લાઇફસ્ટાઇલમાં જ એવી એક્ટિવિટી ઉમેરો જે કસરતનો પર્યાય બની જાય. આખા દિવસમાં પુરૂષોની ઓછામાં ઓછી 2000 કેલેરી અને સ્ત્રીઓની 1600 કેલરી વપરાવી જોઈએ. કેલરી બર્ન કરવા માટે ચાલવું બેસ્ટ ઓપ્શન છે. જેથી રોજના 2000 ડગલાં ચાલનાર વ્યક્તિ પાતળી રહે છે. લિફ્ટને બદલે સીડીઓ ચઢીને જાઓ. ઘરનાં કામકાજ જાતે કરો. શારીરિક કસરત મળે એવાં કાર્યો કરતાં રહેવાથી વજન વધતું અટકે છે.
 
ઠંડાં પીણાંનું સેવન બંદ કરી દો
 
મોટા ભાગના લોકોને ખૂબ ખરાબ આદત હોય છે કે તેમને ગમે એટલી તકલીફ હોય તો પણ ખાવા-પીવાની વાત આવે ત્યારે તેઓ કન્ટ્રોલ નથી જ કરી શકતા. તંદુરસ્ત રહેવું હોય તો તમારે સોફ્ટ ડ્રિન્કનો મોહ છોડવો જ પડશે તેમ જ અન્ય પ્રિઝર્વેટિવ યુક્ત પેકેજિંગવાળાં પીણાં લેવાને બદલે નાળિયેર પાણી, હોમમેડ ફ્રૂટ જૂસ, લીંબુ-પાણી જેવા પ્રવાહી બેસ્ટ રહેશે. તેના સ્વાસ્થ્ય ફાયદા તો ઘણાં બધાં છે પણ તે ટેસ્ટની દ્રષ્ટિએ પણ તે ઘણાં સારાં હોય છે. સોફ્ટ અને હાર્ડ ડ્રિન્કને કારણે ડાયાબિટીસ, આર્થ્રાઈટિસ, લીવર ડેમેજ, હાર્ટ પ્રોબ્લેમ્સ અને કેન્સર જેવી બીમારીઓ થવાની સંભાવના છે. એટલે ચેતશો તો તમે જ ફાયદામાં રહેશો અને તમારું ઘટાડેલું વજન જાળવી શકશો.
 
જમવાનો સમય જાળવવો
 
વજન ઉતારવું હોય કે ઊતરેલા વજનને જાળવી રાખવું હોય આ બન્ને બાબતોમાં તમારા ભોજનના સમયનો ખૂબ મહત્વપૂર્ણ રોલ છે. યોગ્ય સમયાન્તરે લેવાતો ખોરાક હેલ્થ અને વજન બન્નેની દ્રષ્ટિએ લાભદાયી છે. 
 
ખોટી આદતોને બદલો
 
આજકાલ બધાંને પિત્ઝા, પાસ્તા, કેક, આઇસ્ક્રીમ જેવી વધુ ફેટ ધરાવતી વસ્તુઓ બહુ જ ભાવતી હોય છે અને એવામાં વજન ઉતારવા માટે એના પર કન્ટ્રોલ કર્યો હોય અને જ્યાં વજન ઉતરે ત્યાં એવું વિચારો કે હવે થોડુક તો ખાઈ શકાય ને, એવું માનવું ખોટું છે. કારણ કે આવો અભિગમ રાખશો તો ક્યારેય તમારા વજનને જાળવી નહીં શકો. તમે જે કેલેરી કન્ઝ્યુમ કરો છો એ બર્ન નહીં થાય તો વજન વધશે જ અને વજન ઉતારવાની કે તેને જાળવી રાખવાનું કામ રાતોરાત થઈ જશે એવા ભ્રમમાં રહેશો નહીં, કારણ કે આ એક ઓન ગોઇંગ પ્રોસેસ છે. તમારે વેઇટ કંટ્રોલમાં રાખવા માટે આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.