કેવી રીતે સાચવશો બારમાસી મસાલાઓને?

21 Apr, 2015

માર્ચના અંત ભાગથી એપ્રિલના અંત સુધીમાં સામાન્ય રીતે બારમાસી મસાલા ઘરમાં ભરી લેવામાં આવે છે. બાર મહિના ચાલે તેટલા મસાલા તૈયાર કરાવવામાં આવે છે. ઘરમાં તીખું ખાવાના શોખિન હોય તો સામાન્ય રીતે ગુજરાતમાં શેરથામાં થતા મરચા સાથે કાશ્મીરમાં થતા મરચા જેને સુકવીને તૈયાર કર્યા પછી રેશમપટ્ટો કહેવામાં આવે છે તે મિક્સ કરવામાં આવે છે. સ્ત્રીઓ હોલસેલની દુકાનેથી સૂકાં લાલ મરચાં લાવે છે પછી તેને ખાટલા પર કપડું નાખીને બે દિવસ તડકે સૂકવે છે. તે પછી મરચાના ડીંટા કાપીને ઘર-આંગણમાં ખાંડીને તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલા મરચાને ચાયણીમાં ચાળી લેવામાં આવે છે. તમામ મરયું ખંડાઈ જાય એટલે આછો પાતળો તેલ વાળો હાથ દઈ ઉપર-નીચે કરીને તેને કાચની બરણીમાં દાબી-દાબીને ભરવામાં આવે છે. પછી બરણીને ટાઈટ બંધ કરીને મોઢા પર કપડું બાંધી બારમહિના સાચવવામાં આવે છે. જો રસોઈમાં તીખું ઓછુ અને લાલ ચટ્ટાક રંગ જોઈતો હોય તો રેશમપટ્ટા મરચાનું પ્રમાણ વધુ અને શેરથા કે અન્ય તીખા મરચાનું પ્રમાણ ઓછુ તેવો રેશિયો રાખવામાં આવે છે. બહુ જ વધુ પડતુ તીખુ ખાવાના શોખીનો ગંટુરના મરચા લઈને મસાલો તૈયાર કરાવતા હોય છે.

 હળદરના ગાંગડાને લાવી તેને ચોખ્ખા પાણીમાં ધોઈને  2 તડકા ખવડાવવામાં આવે છે. પછી દળાવવામાં આવે છે. ધણઆં લોકો  સૂકી હળદરને ધરે મિકચ્રમાંપણ દળતાં હોય છે. તો કેટલાંક લોકો ધંટીએ જઈને હળદર દળાવતા હોય છે. હળદરમાં પણ કેટલીંક ક્વાલીટી વાળી હળદરનો આગ્રહ રાખવામાં આવે છે. આખા જીરાને પણ આ સિઝનમાં ભરવામાં આવે છે તેને પણ સાફ કર્યા પછી  એકાદ તડકો ખવડાવીને બરણીમાં ભરી લેવામાં આવે છે.

ધાણાજીરૂ તૈયાર કરતા પહેલાં બજારમાંથી સારા ધાણા અને જીરૂ લાવવામાં આવે છે. પછી ધાણાને સાફ કરીને કડાઈમાં એક ચમચી તેલ મૂકીને શેકવામાં આવે છે. જ્યારે જીરૂને સાફ કરીને એક તડકો ખવડાવવામાં આવે છે પછી  ખાંડવામાં કે ખંડાવવામાં આવે છે. નાના શહેરોમાં ખાંડવા માટે ખાયણી- દસ્તા જેવા મશીનો પર જઈને ગૃહિણિઓ મસાલા ખંડાવતી હોય છે જ્યારે કેટલાંક ઘર-આંગણમાં પણ ખંડાવતા હોય છે. તૈયાર થયેલા ધાણાજીરૂને તેલનો હાથ આપી બરણીમાં દાબી-દાબીને ભરવામાં આવે છે. ઉપર કપડું બાંધવામાં આવે છે. શહેરમાં કામકાજી મહિલાઓ તૈયાર મસાલા લાવે છે તેમાં ક્યારેક ભેળસેળનો ડર રહે છે. સારી ક્વાલિટીના મસાલામાં તેવું હોતુ નથી.