ઘરે જ બનાવો બદામનો આ ફેસપેક, ચહેરો બનશે ગોરો, બેદાગ અને હેલ્ધી

22 Dec, 2015

 વર્તમાન સમયમાં આપણને સૌથી વધારે ચિંતા આપણા ચહેરાની હોય છે. આજે આપણી જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત અને ભાગદોડ ભરેલી બની ગઇ છે જેમાં આપણે આપણા ચહેરાની સંભાળ રાખવાનું ભુલી જ ગયા છીએ. પરંતુ આપણા ઘરમાં જ એવા સરળ નુસખા હોય છે જેનો ઉપયોગ કરીને આપણે આપણી ત્વચા અને ખાસ કરીને ચહેરામાં રોનક લાવી  શકીએ છીએ. આપણા ઘરમાં એવી ઘણી પ્રાકૃતિક વસ્તુઓ ઉપલબ્ધ હોય છે, જેની તરફ આપણું ધ્યાન જ નથી જતું. જો તમે ચહેરાને ગોરો તથા દાગ-ધબ્બા વિનાનો બનાવવા માંગો છો, તો આજથી જ તેની પર આ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. એવી જ એક વસ્તુ છે બદામ. બદામમાં એવા ગુણો હોય છે કે જે તમારા ચહેરાને ગોરો બનાવામાં મદદરૂપ થાય છે.

 
બદામમાં તમે ઘણા પ્રકારની વસ્તુઓ મિક્ષ કરીને તેની પેસ્ટ તૈયાર કરી શકો છો, જેમ કે, દૂધ, ઓટ્સ, મધ અથવા દહીં વગેરે. આજે અમે તમને બદામના ફેસપેક વિશે જણાવીશું, જેના નિયમિત ઉપયોગથી તમારો ચહેરો થોડા દિવસોમાં જ ગોરો અને ત્વચા સ્વસ્થ થઇ શકશે.
 
1-બદામ અને દૂધનો ફેસપેક
 
2 ચમચી પિસેલી બાદામ લઇને તેમાં તાજુ દૂધ મિક્ષ કરી લેવું. આ પેસ્ટને રાતે સૂતા પહેલાં ચહેરા પર લગાવવું. 15 મિનિટ પછી જ્યારે તે સૂકાય જાય ત્યારે ચહેરાને સાફ પાણીથી ધોઇ નાખવો. આ પ્રયોગ નિયમિત કરવાથી તમે તમારા ચહેરા પર બદલાવ જોઇ શકશો. આ પેસ્ટના ઉપયોગથી ચહેરા પર રહેલાં દાગ-ધબ્બા દૂર થવા લાગશે.
 
2- બદામ, ઇંડુ અને લીંબુ
 
1 ચમચી બદામ પાવડર લઇને તેમાં ઇંડાના સફેદ ભાગને સરખી રીતે મિક્ષ કરી લેવો. ત્યાર પછી તેમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્ષ કરવો. દિવસમાં કોઇપણ સમયે આ ફેસપેકને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવો ત્યાર પછી તેને પાણીથી સરખી રીતે ધોઇ લેવો. પરંતું આ ફેસપેક ઉપયોગ જ્યારે પણ તમે કરો ત્યારે તાજો જ બનાવવો. આનાથી ચહેરાની ત્વચા સ્વસ્થ અને ચમકીલી બનશે.
 
3- બદામનું તેલ-
 
ત્વચાને સાફ અને ગોરી બનાવી રાખવા માટે તમારે દરરોજ સ્નાન કર્યા પહેલાં બદામ તેલનું મસાજ કરવું જોઇએ. સ્નાન કરવા જવાની 30 મિનિટ પહેલાં આ તેલથી શરીર અને ચહેરા પર મસાજ કરવામાં આવે તો તમારી ત્વચા મુલાયમ બને છે અને સાથે તેમાં નિખાર પણ આવે છે. બદામ તેલ લગાવ્યા પછી નવશેકા પાણીથી સ્નાન કરવું.
 
4- બદામ અને મધ
 
થોડી બદામને લઇને રાતે પાણીમાં પલાળી દેવી. સવારે તે બદામને છીલીને પીસી લેવી. ત્યાર પછી આ પીસેલી બદામમાં અડધી ચમચી મધ મિક્ષ કરવું. આ તૈયાર થયેલ મિશ્રણને ચહેરા પર લગાવવું. લગભગ 15 મિનિટ સુધી તેને ચહેરા પર રહેવા દઇને ત્યાર પછી તેને સાફ પાણી વડે ધોઇ લેવું. આ ફેસપેકનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો તમારો ચહેરો એકદમ નિખરી જશે અને ચહેરા પરના દાગ-ધબ્બા પણ થશે.
 
5- બદામ અને ઓટ્સ ફેસપેક
 
1 ચમચી પિસેલા ઓટ્સ અને 1 ચમચી બદામ પાવડરને કાચા દૂધની સાથે મિક્ષ કરીને તેની પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ચહેરા પર લગભગ 15 મિનિટ લગાવીને રાખવું. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લેવો. આ પેસ્ટને સપ્તાહમાં બે થી ત્રણવાર પ્રયોગ કરવામાં આવે તો તમારા ચહેરા પરના ખીલ દૂર થઇ જશે અને ચહેરાનો રંગ ખીલશે.
 
બદામ ફેસપેકનો ઉપયોગ માટે ખાસ ધ્યાનમાં રાખવું કે જ્યારે પણ તમારે ફેસપેક લગાવવો હોય ત્યારે તેને ફ્રેશ જ બનાવવો. પહેલાંથી બનાવેલ ફેસપેકનો ઉપયોગ ક્યારેય ચહેરા પર કરવો નહીં.