મીઠાના આ આશ્ચર્યકારક ફાયદા જાણો, તમારી અનેક સમસ્યાઓમાં આવશે કામ

11 Jan, 2016

 આહારમાં સ્વાદ અને પાચન માટે મસાલાઓ અનિવાર્ય છે અને મસાલાઓમાં પણ મીઠું તો પહેલાં સ્થાને છે. ખારો, ખાટો, તીખો, તૂરો, કડવો અને ગળ્યો ભોજનના આ છ રસમાં મુખ્ય છે ખારો એટલે કે મીઠું.  શરીરના વિકાસ અને સ્વાસ્થ્ય માટે એ જરૂરી છે.  એમાય ખારો રસ માત્ર મીઠામાંથી જ મળતો હોવાથી તેનું મહત્વ વધી જાય છે. 

 
મીઠાનું સેવન ન કરવાના નુકસાન
 
મીઠાને સબરસ પણ કહેવાય છે. તેના વિના વ્યંજનો ફિક્કાં લાગે છે, ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે મીઠું જેટલું જરૂરી હોય છે એટલું જ શરીરને સ્વસ્થ રાખવા માટે મીઠું ફાયદાકારક હોય છે. મીઠાનું સેવન ન કરવામાં આવે તો લોહીમાં ઘટ્ટતા વધે છે અને લોહીના પરિભ્રમણમાં ખામી સર્જાય છે.
 
મીઠાના પ્રકાર
 
આ સાથે મીઠાનું વધુ સેવન કરવાથી નુકસાન પણ થાય છે. આમ મીઠાના પાંચ પ્રકાર હોય છે પરંતુ સામાન્ય રીતે બે પ્રકારનું મીઠું લગભગ બધાં ઘરોમાં વાપરવામાં આવે છે તે સાદું મીઠું (દરિયાઈ) અને બીજું સિંધાલૂણ, એ ખનિજ મીઠું છે.
 
સ્વાસ્થ્ય માટે કયુ મીઠુ શ્રેષ્ઠ ?
 
કલરમાં તે લાઇટ બ્રાઉન સી સોલ્ટ મીઠું ખાવું, એ સામાન્ય સોલ્ટ કરતાં થોડું મોંઘું હોય છે પરંતુ તેમાં મિનરલ્સ અને ન્યુટ્રિશન્સ ભરપૂર માત્રામાં હોવાથી એ હેલ્ધી હોય છે. એમાં જમીનમાંથી શોષાયેલા મેગનીઝ અને કેલ્શિયમ કમ્પાઉન્ડ હોવાથી એ વધારે સારું કહેવાય છે.
 
મીઠાના ઉપયોગ અને ફાયદા
 
-જો તમને વારંવાર દાંત દુખવાની કે પેઢા ફુલી જવાની તકલીફ રહેતી હોય તો દિવસમાં 3-4 વખત મીઠાવાળા પાણીના કોગળા કરવાથી ફાયદો થાય છે.
 
-કબજિયાતની સમસ્યામાં રાતે સૂતી વખતે નવશેકું મીઠાવાળું પાણી પીને સૂઈ જવાથી સવારે શૌચ સાફ આવે છે.
 
-તડકાથી ત્વચાનો રંગ કાળો પડી ગયો હોય તો કાચા દૂધમાં થોડું મીઠું ભેળવી ચહેરા પર લગાડવું. થોડી વાર રહી ચહેરો ધોઇ નાખવો. ચહેરા પરનો મેલ દૂર થઈ ચહેરો નિખરે છે.
 
જેવી તકલીફ એવો મીઠાનો પ્રયોગ જાણો
 
-ભોજનમાં ભોજનમાં મીઠાનો વધારે પડતો ઉપયોગ કરવાથી લોહીની નળીઓ ડેમેજ થાય છે અને હાઈ બ્લડપ્રેશરનું રિસ્ક વધી જાય છે 
 
-કૃમિની તકલીફ હોય તો દરરોજ સવારે ઉઠ્યા પછી તરત અને રાતે સૂતી વખતે આદુ અને લીંબુના રસમાં મીઠું નાખીને તે થોડા દિવસો સુધી પીવાથી આરામ મળે છે.
 
-ગળાનો સોજો અને તેમાં ચીકાશ રહેતી હોય તો મીઠાવાળા ગરમ પાણીના કોગળા કરવાથી તરત આરામ મળે છે.
 
-શરદી, સળેખમ વગેરે નાકના રોગોમાં મીઠાવાળા પાણીનું નાસ લેવાથી ફાયદો થાય છે.
 
-ઊલટીની સમસ્યામાં મીઠા અને મરીનું ચૂર્ણ લેવાથી ઝડપથી આરામ મળે છે.
 
- સામાન્ય તાવમાં ગરમ પાણીમાં નાની ચમચી મીઠું ભેળવી દિવસમાં ત્રણ વાર પીવાથી સાદો તાવ ઉતરી જાય છે.
 
-મીઠા સાથે અજમાની ફાંકી લેવાથી પેટનો દુઃખાવો અને શૂળ ઝડપથી મટી જાય છે.
 
-મૂત્રદોષ હોય તો મીઠાવાળું ઠંડુ પાણી પીવાથી મૂત્ર સાફ આવે છે.
 
-જખમ પણ મીઠાવાળા પાણીનો પટ્ટો બાંધવાથી જખમ પાકતો નથી અને જલ્દી રુઝાઈ જાય છે.
 
-કોઈપણ વસ્તુ ખાધા પછી મીઠાવાળા પાણીના કોગળા કરવાથી દાંતમાં સડો લાગતો નથી.
 
-કંઈપણ વાગ્યું હોય, મૂઢમાક કે મચકોડ હોય તો મીઠું અને હળદર વાટીને તે ભાગે લગાવવાથી તે ઝડપથી સારું થઈ જાય છે. 
 
સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આ રીતે કરો મીઠાનો ઉપયોગ
 
-પાંચ-પાંચ ગ્રામ ફુદીનો, મોટી એલચી, કાળા મરી,અજમો, સિંધવ તથા કાળુ મીઠું દળી પાંચ ભાગ કરવા. બબ્બે કલાક બાદ વરિયાળીના અર્ક સાથે એક-એક ગ્રામ ફાંકતા રહેવાથી ખાટા ઓડકારથી રાહત થાય છે.
 
-ભૂખ ન લાગતી હોય તો ભોજનના અડધા કલાક પહેલા એક ચમચી આદુના રસમાં થોડું મીઠું ભેળવી પીવાથી ભૂખ ઊઘડે છે.
 
-વઘુ પડતું ચાલવાથી થાક લાગ્યો હોય કે પગનો દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં (સહન થાય તેવું) મીઠું ભેળવી થોડી વાર પગ ડુબાડી રાખવથી લાભ થશે.
 
-મચકોડ આવ્યા પર આંબાના પાનને તેલથી ચીકણા કરી તેના પર થોડું મીઠું ભભરાવી બાંધવાથી ફાયદો થાય છે. આંબાના પાનના સ્થાને નાગરવેલના પાન લઇ શકાય.
 
-જો તમે ચેક કરવા માગતા હોય કે તમારા સ્વાસ્થ્ય માટે ગુણકારી ઈંડા સારા છે કે ખરાબ તેના માટે પણ મીઠું ઉપયોગી છે, તેના માટે એક વાસણમાં ઠંડા પાણીમાં બે મોટા ચમચા મીઠું નાખવું. જો આ પાણીમાં ઈંડા ડૂબી જાય તો તે ફ્રેશ છે અને તમે તેનો ઉપયોગ કરી શકો છો અને જો ન ડૂબે તો ઈંડા ખરાબ છે.
 
- મધમાખી, પીળા રંગના ડંખ કે કોઈપણ જીવ-જંતુઓના ડંખ પર મીઠું ચોળવાથી દર્દમાં રાહત થાય છે.
 
- ત્રણ-ચાર ગ્રામ વાટેલો અજમો, એક લીંબુનો રસ તથા નાની અડધી ચમચો મીઠું એક ગ્લાસ પાણીમાં ભેળવી પીવાથી કેવો પણ પેટનો શૂળ હોય મટી જાય છે. 
 
-આદુના રસમાં મીઠું ભેળવી રાતના ચહેરા પર લગાડવું. સવારે ચહેરો ધોઇ નાખવાથી ખીલથી રાહત થાય છે.
 
-સાંધાના કે વાના દુઃખાવામાં રાઇ અને મીઠું સપ્રમાણ માત્રામાં ભેળવી ગરમ કરવું અને દુઃખાવો થતો હોય તે ભાગ પર લેપ કરી પટ્ટી બાંધતા રહેવું. સાથે ભોજનમાં મીઠાની માત્રા ઓછી કરવી. સૂંઠના ચૂરણમાં મધ ભેળવી સેવન કરવાથી પણ ફાયદો થાય છે.
 
-લસણની કળીને વાટી તેમાં મીઠું ભેળવી કૂતરાએ બચકુ ભર્યું તે ભાગ પર લેપ લગાડવાથી હડકવાનું સંક્રમણ થવાની શક્યતા નહિંવત રહે છે.
 
- મૂર્છામાં તુલસીના રસમાં મીઠું ભેળવી નાકના ફોયણામાં તેમજ ગળામાં રેડવાથી વ્યક્તિ ભાનમાં આવે છે.
 
-સ્વાસ્થ્ય માટે ગુણકારી સલાડ લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તેમાં થોડું મીઠું મિક્ષ કરીને રાખી દેવાથી તે તાજું રહે છે.
 
-મીઠાંમાં જીવાણુરોધી ગુણો હોવાને કારણે તેને ઘા માટેનો પ્રથમ ઉપચાર માનવામાં આવે છે. જ્યારે ઘામાંથી સતત લોહી વહેતું હોય તો તેની પર મીઠુ લગાવવાથી ઘા સાફ થઈ જાય છે અને જલ્દી સારો પણ થઈ જાય છે.
 
-મીઠામાં જીવાણુરોધક ગુણ હોવાથી તમે તેનાથી ઘરે જ સસ્તુ મંજન બનાવી શકો છો તેના માટે ત્રણ ભાગ બેકિંગ સોડાની સાથે એક ભાગ મીઠું મિક્ષ કરવું. આને પાઉડર તરીકે અથવા તો તેમાં થોડું ગ્લિસરીન નાખીને તેની પેસ્ટ બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. આ મિશ્રણથી બ્રશ કરવાથી દાંત સ્વસ્થ રહેશે અને ચમકી ઉઠશે.
 
-સુંદરતા માટે પણ મીઠાનો પ્રયોગ કરવામાં આવે છે. દરિયાઈ મીઠામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ મિનરલ સ્વસ્થ ત્વચા અને સેલુલર સંચાર માટે જરૂરી હોય છે. ત્વચામાં મિનરલના અસંતુલનને કારણે રૂક્ષતા, બળતરા અને ખીલ જેવી સમસ્યાઓ થાય છે. મીઠું ત્વચાને હાઈડ્રેટ કરે છે.
 
-મીઠું ત્વચામાં રહેલાં વિષાક્ત પદાર્થોને અવશોષીને ત્વચાના છિદ્રોની અંદરથી સફાઈ કરે છે. એક કપ મીઠામાં થોડાક ટિપાં બદામ અને નારિયેળ તેલના મિક્ષ કરીને તેને પાણીમાં નાખીને તે પાણીથી 15થી 30 મિનિટ સુધી સ્નાન કરવું.
 
-મીઠું અને મધનો ફેસપેક ત્વચામાં નિખાર લાવે છે. કારણ કે બન્નેમાં એન્ટીઈન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે. જેના માટે બે ચમચી દરિયાઈ મીઠામાં ચાર ચમચી મધ મિક્ષ કરીને પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવી 15-20 મિનિટ બાદ ચહેરો ધોઈ લેવો.
 
-મૃત ત્વચાને દૂર કરવા માટે મીઠાને ધીરે-ધીરે ત્વચા પર ઘસવું, આનાથી મીઠામાં રહેલાં મિનરલ ત્વચાને મુલાયમ બનાવી નમી જાળવે છે. અડધો કપ મીઠું અને અડધો કપ જેતૂન કે નારિયેળ તેલ મિક્ષ કરીને સ્નાન સમયે પોતાની ત્વચા પર સર્કુલર મોશનમાં સક્રબિંગ કરવું.