Welcome 2015 : નવા વર્ષે દર્શકોને આ 10 ફિલ્મોનો રહેશે ઇંતેજાર...

26 Dec, 2014

વર્ષ 2015 આવવામાં થોડાક જ દિવસો રહી ગયાં છે. એવામાં બૉલીવુડ પ્રેમીઓ આવતા વર્ષે આવનાર ફિલ્મોનું લિસ્ટ ફેંદવાનું શરૂ કરી ચુક્યાં હશે. તો ચાલો, અમે આપની શોધ થોડીક સરળ કરી દઇએ. અહીં અમે આપને વર્ષ 2015ની 10 એવી ફિલ્મો અંગે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેને જોવા માટે તમામ દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2014માં અનેક ફિલ્મો આવી, અનેકે બૉક્સ ઑફિસે ધમાલ મચાવી, તો અનેક ફ્લૉપ નિવડી. વર્ષ 2014માં 9 ફિલ્મોએ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી, જ્યારે અનેક નવા ચહેરાઓએ પણ બૉલીવુડમાં મુકામ હાસલ કર્યો. બીજી બાજુ આ વર્ષની જેમ 2015માં પણ ખાસ દિવસોએ દર્શકો માટે શાહરુખ-સલમાનની ફિલ્મો રિલીઝ થશે, જ્યારે 2015માં આમિરની કોઈ ફિલ્મ રિલીઝ નહીં થાય. ખેર, 2015માં આવનાર કેટલીક ફિલ્મોએ આ વર્ષથી જ પોતાના પોસ્ટરો, કાસ્ટ તથા શૂટિંગના સમાચારો દ્વારા દર્શકોના દિલોમાં ઉત્સુકતા પેદા કરી દીધી છે. ઝોયા અખ્તરની દિલ ધડકને દો હોય કે સૂરજ બરજાત્યાની પ્રેમ રતન ધન પાયો હોય. આ ફિલ્મોનો દર્શકો ઉત્સુકતા સાથે ઇંતેજાર કરશે.
 
રૉય
વર્ષ 2015માં આવનાર ફિલ્મોમાં રૉયનું નામ સૌથી પહેલું આવે છે કે જેનો દર્શકો દિલ થામીને ઇંતેજાર કરી રહ્યા છે. વિક્રમજીત સિંહ દિગ્દર્શિત રૉયનું ટ્રેલર સસ્પેંસ ભર્યું છે કે જે લોકોને ગમ્યું છે. ફેબ્રુઆરીમાં રિલીઝ થતી રૉયમાં જૅકલીન ફર્નાન્ડીઝ તથા અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે રણબીર કપૂર કૅમિયો રોલ ભજવી રહ્યાં છે, પણ તેમનું પાત્ર ખૂબ જ મજબૂત બતાવાઈ રહ્યું છે.

બાજીરાવ મસ્તાની

વર્ષ 2015ના અંતે આવનાર સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાની અત્યારથી જ ખૂબ ચર્ચામાં છે. ક્યારેક રણવીરના ટકલા લુકના કારણે, તો ક્યારેક પ્રિયંકા ચોપરા બેહોશ થઈ જવાના કારણે. બાજીરાવ મસ્તાની પાસે દર્શકોને બહુ આશાઓ છે. ફિલ્મમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણે તથા પ્રિયંકા લીડ રોલમાં છે.

પ્રેમ રતન ધન પાયો
સૂરજ બરજાત્યાની સલમાન ખાન સાથેની આ ફિલ્મ દર્શકોની વિશ-લિસ્ટમાં છે. પ્રેમ રતન ધન પાયોમાં સલમાન ખાન ફરી એક વાર પ્રેમ તરીકે જોવા મળશે. ફિલ્મમાં પહેલી વખત સોનમ કપૂર તેમના હીરોઇન બન્યા છે, તો નીલ નિતિન મુકેશ પણ લીડ રોલમાં છે.

બદલાપુર
વરુણ ધવનના બદલાયેલા તેવર જોવા માટે દર્શકો અત્યારથી જ અધીર છે. બદલાપુરના પોસ્ટર્સ અત્યારથી જ ઉત્સુકતા વધારી રહ્યા છે. શ્રીરામ રાઘવન દિગ્દર્શિત બદલાપુરમાં વરુણ ઉપરાંત નવાઝુદ્દીન સિદ્દીકી, હુમા કુરૈશી તથા યામી ગૌતમ લીડ રોલમાં છે. વુરણના ટફ લુકને લોકો પસંદ કરી રહ્યા છે.

ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી
છેલ્લા બે વર્ષોમાં સુશાંત સિંહ રાજપૂત એક શ્રેષ્ઠ અભિનેતા તરીકે ઉપસ્યા છે. આ વર્ષના અંતે પીકેમાં સુસાંતની ઝલક જોયા બાદ 2015માં આવનાર ફિલ્મ ડિટેક્ટિવ બ્યમોમકેશ બક્શીનો લોકોને ઇંતેજાર છે. દિગ્દર્શક દિબાકર બૅનર્જીની ફિલ્મમાં સુશાંત ઉપરાંત શ્વાસ્તિકા મુખર્જી અને આનંદ તિવારી લીડ રોલમાં છે.

દિલ ધડકને દો
ઝોયા અખ્તરની ફિલ્મ દિલ ધડકને દોની સ્ટારકાસ્ટ જોતા આ ફિલ્મ ઉત્સુકતા પેદા કરે છે. ફરહાન અખ્તર, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા તેમજ અનિલ કપૂર આ ફિલ્મના લીડ કલાકારો છે. ફિલ્મના પહેલા જ પોસ્ટરે લોકોમાં ઉત્સુકતા પેદા કરી હતી.

વેલકમ બૅક
વર્ષ 2007માં આવેલી વેલકમની સિક્વલ વેલકમ બૅક 2015માં હસાવવા આવશે. અનીસ બઝ્મી દિગ્દર્શિત વેલકમ બૅકમાં જ્હૉન અબ્રાહમ, અનિલ કપૂર, નાના પાટેકર, શ્રુતિ હસન, પરેશ રાવલ, ડિમ્પલકાપડિયા, નસીરુદ્દીન શાહ તથા શાઇની આહુજા લીડ રોલમાં છે.

રઈસ
વર્ષ 2015માં શાહરુખ ખાનની બે ફિલ્મો આવી શકે છે. એક રાહુલ ધોળકિયાની રઈસ, જ્યારે બીજી મનીષ શર્માની ફૅન. રઈસ જુલાઈમાં રિલીઝ થશે કે જેમાં શાહરુખ સાથે ફરહાન અખ્તર અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ હશે.

બૉમ્બે વેલ્વેટ
અનુરાગ કશ્યપની ફિલ્મ બૉમ્બે વેલ્વેટ અત્યાર સુધી ચર્ચામાં છે. આ વર્ષે રણબીર કપૂરની એક પણ ફિલ્મ ન આવી. એટલે લોકોને રણબીરની ફિલ્મનો ઇંતેજાર 2015માં રહેશે. બૉમ્બે વેલ્વેટમાં રણબીર ઉપરાંત અનુષ્કા શર્મા, કરણ જૌહર અને રવીના ટંડન લીડ રોલમાં છે.

જગ્ગા જાસૂસ
2015માં રણબીરની વધુ એક ફિલ્મ જગ્ગા જાસૂસ પણ આવશે. અનુરાગ બાસુની ફિલ્મ જગ્ગા જાસૂસમાં રણબીર સાથે કૅટરીના કૈફ લીડ રોલમાં છે. રણબીર-કૅટ હાલ રીયલ લિવ લાઇફમાં પણ પ્રેમી-પંખીડા છે. તેથી આ જોડી ફિલ્મની યૂએસપી બની રહેશે.