વધી રહ્યો છે પગની એડીનો દુખાવો? તો આ રહ્યા ઉપાયો

07 Nov, 2014

યુવા હોય કે વૃદ્ધ પરંતુ હવે સાંધાનો દુખાવો દરકે વર્ગના લોકોમાં સામાન્ય બનતો જાય છે. પહેલા સામાન્ય રીતે 45થી 50ની વય વટાવી ચુકેલા લોકોને જ પગની અડીમાં દુખાવો કે તકલીફ રહેતી હતી પરંતુ હવે 25થી 35 વયના યુવા વર્ગમાં પણ આ તકલીફ સામાન્ય જોવા મળી રહી છે. વધી રેહલા વર્કલોડના કારણે આ પ્રોબ્લેમ્સ હવે સામાન્ય થતાં ગયા છે. જોકે મુશ્કેલી હોય છે ત્યાં ઉપાયો પણ હોય જ છે.

એડીનો દુખાવો ઘણાં બધા જુદા જુદા કારણોસર થઇ શકે પરંતુ સૌથી સામાન્ય કારણ ' પ્લાન્ટર ફેસાઇટીસ તરીકે ઓળખાતો પગની પાનીની અંદર આવેલ પડનો સોજો હોય છે. દરેક તંદુરસ્ત વ્યક્તિમાં પગની પાનીની અંદર રહેલ હાડકાઓ અને હાડકા દ્વારા બનતી કમાનને આધાર અને રક્ષણ આપવાનું કામ પ્લાન્ટર ફેસીયા નામનુ જાડુ પડ કરેછે. પગ ઉપર વારંવાર આવતા દબાણ અને ખેંચાણ ને કારણે આ પાનીની અંદરનું પડ નુકશાન પામે છે. આ પડ પર વારંવાર થતી ઇજા છેવટે એનો સોજો કરે છે. અને કાયમી દુખાવો શરૂ થઇ જાય છે. કયારેક એડીના છેલ્લા હાડકાનો થોડો ભાગ વધતો (હાડકી વઘતી) હોય તો પણ એને કારણે પાનીના પડને ઇજા પહોંચે છે.

આ ઉપરાંત, સ્નાયુઓની આસપાસના આવરણનો સાજો કે સ્નાયુઓનો સોજો પણ એડીનો દુખાવો કરી શકે. અહીં એડીના દુખાવાના સૌથી વધુ જોવા મળતા કારણ 'પ્લાન્ટર ફેસાઇટીસ ની જ ચર્ચા મુખ્ય કરી છે. અને અંગે્રજી શબ્દને બદલે સરખાતા ખાતર 'એડીનો દુખાવો શબ્દ જ વાપર્યો છે. તો આવો જણાવીએ કે પગની એડીમાં દુખાવા થવાના કારણો શું હોઈ શકે અને તે પીડામાંથી છુટકારો કેવી રીતે મેળવવો...

એડીનો દુખાવો થવાના કારણો

1. ગાદી વગરના બુટ / ચપંલ પહેરનારા
2.  લાંબો સમય કઠણ સપાટી પર ઉભા રહીને કામ કરનારાઓ
3.  લાંબો સમય દોડનારાઓ
4.  વધુ વજન ધરાવનારાઓ અને
5.  જેમના પગના સ્નાયુઓ અક્કડ હોય અથવા પગના હાડકાની કમાન વધુ સપાટ કે ઊંડી હોય એમને વધુ રહે છે.

એડીના દુખાવાની સારવાર શું?

એડીનો દુખાવો શરૂ થાયા પછી જેટલી જલદી સારવાર શરૂ કરવામાં આવે એટલી જલદી દુખાવો મટી જાય છે. સારવાર મોડી શરૂ કરવાથી પરિણામ પણ મોડા મળે એવું બને છે. એડીના દુખાવા માટે જવાબદાર કારણની તલસ્પર્શી તપાસ દર્દીએ જાતે જ કરી લેવી જોઇએ. દદી,ના શુઝ અને ચાલવા-દોડવાની ટેવમાં કંઇક તકલીફ નથી એ ચકાસી લેવું પડે છે. પગના પંજાની અંદરની બાજુ વધુ વજન લેવાની ટેવ આ તકલીફને આમંત્રણ આપી શકે છે. સાથે સાથે શરૂઆતના થોડા સમય માટે એડીને આરામ આપવો જરૂરી છે. દોડવા કેઝડપથી ચાલવાને બદલે તરવાની કે સાઇકલ ચલાવવાની કસરત કરી શકાય. દુખાવામાં રાહત મેળવવા ઠંડા પાણી કે બરફને દુખાતા ભાગ પર પાંચ થી પંદર મિનિટ સુધી લગાવવાથી ફાયદો થાય છે.

દુખાવો ખૂબ વધારે હોય તો દર્દશામક દવાઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ થોડા દિવસો સુધી કરવાથી દુખાવા અને સોજા બંનેમાં રાહત મળે છે. ઘણી વખત એક-બે મહિના સુધી નિયમિત પણે, ડોક્ટરની સલાહ મુજબ, દર્દશામક દવાઓ ચાલુ રાખવાથી દુખાવો દૂર થઇ જાય છે.

એડીના દુખાવામાં રાહત મેળવવા માટે બુટ, ચંપલની ડીઝાઇનમાં ફેરફાર કરવાથી ઘણો ફાયદો થાય છે. બુટ-ચંપલનો અંદરનો ભાગ (ડાબા ચંપલનો જમણો ભાગ અને જમણા ચંપલનો ડાબો ભાગ) સહેજ ઊંચો હોય એ જરૂરી છે. એવા છુટા 'પેડ પણ મળે છે જે બુટમાં નાંખીને પહેરી શકાય. પગના પંજાના હાડકાને વધારાનો આધાર આપતાં આ પેડ નિયમિત વાપરવાથી પણ એડીનું ભારણ ઘટે છે અને દુખાવામાં રાહત થાય છે. આવા એડીની ગાદીવાળા અને પગના પંજાના હાડકાની અંદરની કમાનને આધાર આપતાં પગરખાં તૈયાર પણ મળે છે. જેનો ઉપયોગ કાયમ માટે એડીના દુખાવાની સમસ્યા દૂર કરી આપે છે. જો આનાથી ફરક ના પડે તો રાત્રે પગ પર બાંધવાનો સ્પ્લીન્ટ લગાવવાથી અમુક દર્દીઓને રાહત મળી રહે છે.

દુખાવાથી છુટકારો મેળવવા કઇ કસરત કરવી

1. તમે દિવાલ તરફ મોં રાખીને એક પગ દિવાલથી અડધો ફુટ દુર અને બીજો પગ દિવાલથી બે ફુટ દૂર રહે એમ ઉભા રહો. હવે બંને પગની એડી જમીનને અડાડેલી રહે એમ રાખીને દિવાલ તરફ ઝુકો. અને પછી પાછા ટટ્ટાર સીધા થઇ જાવ. આ રીતે વારાફરથી બંને પગને આગળ-પાછળ રાખીને કસરત કરો.

2. પગથિયાની કીનારી કે ઉંબરાની કીનારી પર પંજાના સૌથી આગળના ભાગના સહારે ઉભા રહો. હવે ધીમે ધીમે તમારા શરીરને તમારા પગની આંગળીઓના જોરથી ઊંચુ કરો. પાંચ-દસ સેકન્ડ આ રીતે ઊંચા રહ્યા પછી ફરી નીચા થાવ. અને દસ વખત આ પ્રમાણે પંજા પર ઊંચા થવાની કસરત કરો.

3. ચત્તા સુતા સુતા પગના પંજાના આગળના ભાગને ટુવાલ વડે ઉપર ખેંચવાનો પ્રયતત્ન કરો.

4. જમીન પર પડેલ કપડાને પગના અંગુઠા વડે પકડીને ઊંચકવાનો પ્રયત્ન કરો.

5. કઠણ સપાટી ઉપર ખુલ્લા પગે ચાલવાનું ટાળો.

6. સારા, પોચી ગાદીવાળા અને પગની અંદરની બાજુએથી આધાર આપતાં ચપ્પલ/બુટ પહેરવાનું રાખો.

7. ઘર ની અંદર પણ લાંબો સમય ઉભારહી ને કે ચાલી ને કામ કરવું હોય તો સ્લીપર પહેરવાની ટેવ રાખો.

8. પથરાળ , કાંકરાવાળી , ઉબડખાબડ જમીન પર ચાલવાનું ટાળો

9. અક્યુપ્રેષર ના ચંપલ પહેરવાનું ટાળો.

9. કોઈ પણ નવી કસરત ની શરૂવાત ધીમે ધીમે કરો અને ધીમી ઝડપે કસરત વધારો.

10. તમારુ વજન વધે નહીં એની કાળજી રાખો. તમારી સે.મી માં માંપેલ ઊંચાઇમાંથી સો બાદ કરતાં જે આંક મળે એટલા કિલોથી વધુ તમારુ વજન ન હોવુ જાઇએ.

(જોકે કોઈ પણ પ્રકારની કસરત કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે)