ફિટ રહેવા માટેની સ્માર્ટ ટ્રીક્સ, જાણવા કરો ક્લિક

23 Jan, 2015

ખાવાની આદતો એક પ્રકારનો નશો બની જાય છે. જ્યારે આપણે ખાઈએ છીએ, ત્યારે રક્ત આપણી પાચન પ્રક્રિયા સહાયક બને છે. તે વખતે આપણા શરીરનું તાપમાન પણ વધી જાય છે. જેને કારણે આપણે સુખદ્ અનુભવ કરીએ છીએ. આપણને એ અનુભૂતિ એટલી સારી લાગે છે કે, આપણે ભોજનની મદદથી આપણી જાતને આરામ આપવાની આદત પાડી દઈએ છીએ. એટલા માટે આપણે એવી ચીજો વધુ ખાઈએ છીએ, જે સ્વાદમાં ટેસ્ટી હોય આ સ્વાદવાળી વસ્તુઓમાં ચરબી, કાર્બોહાઈડ્રેટ અને સુગરની માત્રા વધારે હોય છે. એનાથી મેદસ્વિતા આવે છે અને વ્યક્તિ જ્યાં સુધી ઓવરવેઈટ રહે છે, ત્યાં સુધી તે બીજી આદતો અપનાવ્યા વગર ખાવાની આદતમાં જ વ્યસ્ત રહે છે, પરંતુ એટલું ધ્યાન રાખો કે, સ્વાસ્થ્ય બાબતે કરેલી ભૂલોનું પરિણામ તમારી કલ્પનાથી ઘણું અલગ આવી શકે છે.

તમારા દુશ્મન તમે જ ન બનો : સૌથી પહેલાં તો આપણે જ આપણને સમજવું પડશે. આપણે આપણા દુશ્મન નથી બનવાનું, હંમેશાં એવું ન વિચાર્યા કરવું કે, મારે ડાયેટિંગ કરવું છે, મારે જિમ જવું છે, ઘરે જ એક્સરસાઈઝ કરવી છે, ગમે તેમ કરીનેય બોડીને ફિટ બનાવવું છે. પરંતુ તમારે તમારા માટે એવું લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ, જેને એક ચોક્કસ સમય દરમિયાન પાર પાડી શકો. દરેક બાબતને નિયમથી ચાલો.

જો તમે ઝડપી ગતિથી ૩ માઈલની સફર કરશો, તો ૪૦ કેલરી બાળી શકશો, પરંતુ તમે તમારી બ્રિસ્ક વોકને તમારા ફિટનેસ પ્રોગ્રામનો ભાગ બનાવવા ઇચ્છતા હો, તો એટલી ઝડપ રાખો કે જેથી તમે આરામદાયક રીતે તેને તમારી દિનચર્યામાં સામેલ કરી શકો. ત્રણ માઈલની સફર ૪૦ મિનિટમાં પૂરી થાય કે એક કલાકમાં, તેનું નિયમિત હોવું એ ફાયદાકારક છે.

જ્યારે વોક (ચાલવું) તમારા ફિટનેસ પ્રોગ્રામથી વધીને તમારી આદત બની જાય, ત્યારે ધીરેધીરે તમે તમારા ચાલવામાં ઝડપ લાવી શકો છો. સ્વાસ્થ્યમાં ફાયદો મેળવવા માટે અઠવાડિયામાં ૫ દિવસ ૩૦થી ૪૫ મિનિટ વોક અવશ્ય કરો. અભ્યાસથી એ પણ જાણવા મળ્યું છે કે, તમારા પાલતુ પ્રાણી સાથે ૬૦ મિનિટ સુધી રમવા કે ફરવાથી ૨૫૦ કેલરી વપરાય છે.

કાર્બોહાઈડ્રેટ્સ ઓછું લો : પ્રોટીન અને ચરબીની સાથે ક્યારેય કાર્બોહાઈડ્રેટ ન લો. એક વખતના ભોજનમાં બેથી વધુ પ્રકારના કાર્બોહાઈડ્રેટ ના ખાવ, પછી તે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કેમ ન હોય! હાઈ કાર્બોહાઈડ્રેટયુક્ત ભોજન તમારા મસ્તકમાં સિરોટિનિનનું સ્તર વધારીને શરીરને શાંતિ આપે છે, જેથી તમે ઘણાં રિલેક્સ થઈ જાવ છો.

દિવસભરની તમારી કેલરી સવારનો નાસ્તો, બપોરનું લંચ અને રાતના ભોજનમાં બરાબરની વહેંચાયેલી હોવી જોઈએ. હળવો નાસ્તો, જલદીથી ખાધેલું લંચ અને રાતે દબાવીને ખાધેલું ડિનર ઊર્જા બાબતે જરાય પ્રભાવશાળી બનતું નથી. એટલા માટે બ્રેકફાસ્ટ (સવારનો નાસ્તો) હેવી લો, કેમ કે એ જ સમયે તમારા શરીરને વધુ કેલરીની જરૂર પડે છે.

ડાયેટિંગ : અર્થહીન ડાયેટિંગથી બચો. કેમ કે જ્યૂસનો ગ્લાસ પીને કે દિવસ દરમિયાન પા ભાગનું ખાઈને ચલાવનાર શું વજન ઉતારી શકે છે? કદાચ નહીં, પરંતુ આ રીતે ડાયેટિંગ કરવાવાળા પછીથી ભોજન સાથે વિદ્રોહ કરી બેસે છે, તેઓ થોડા દિવસો પછી પાછા આચર-કૂચર ખાવા લાગી જઈને, પહેલાં કરતાંય વધુ ખાવા માંડે છે. આવે વખતે ભૂખ લાગ્યે જાય છે અને વ્યક્તિ ખાધે રાખે છે. આવી વ્યક્તિઓને હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે.

ડાયેટિંગ કરવા ખાતર કે ઇચ્છાશક્તિથી નથી થતું. ઇચ્છાઓ તો ઉત્તેજના અને ભાવનાઓ પર સવાર રહે છે. આજે મૂડ હોય, કાલે નહીં. ફિટનેસ પ્રોગ્રામની સફળતા માટે તમારે તમારી આદતો બદલવી જ પડે. તમે તમારી સાથે ફિટનેસનો વાયદો કરો એટલાથી જ ચાલતું નથી. એ માટે તો યોગ્ય સમયે, યોગ્ય પ્રયાસો કરવા જરૂરી છે.

તમારે જીવનશૈલીમાં બદલાવ લાવવો પડશે, જંકફૂડને ટાળવો પડશે, કેમ કે વજન પર કંટ્રોલ એ તમારી જીવનભરની મહેનત અને ભોજનને લઈને અપનાવેલી સતર્કતાનું પરિણામ છે. ખૂબસૂરત શરીર પ્રાપ્ત કરવા માટે ખાવાની આદત બદલો અને પૌષ્ટિક આહાર અપનાવો. તાજાં ફળ, પાલખ, સફરજન, બ્રોકલી (લીલી કોબીજ), લીલાં શાકભાજી, ઇંડા અને અનાજ વગેરે પૌષ્ટિક આહાર લો. આવા ખોરાકમાં ફાઈબર વધુ અને ચરબી, સુગર ઓછાં હોય છે. રેસાવાળો આહાર બ્લડ સુગરને સ્થિરતા આપે છે. શરીરમાં બ્લડ સુગરની સ્થિરતાથી તમને વારંવાર ભૂખ લાગતી નથી.

ભોજન માટે એટલા સ્માર્ટ પ્લાનિંગની જરૂરિયાત હોય છે કે, તમારે એ માટે પ્લાનિંગ મુજબ જ ભોજન લેવું પડે, એવે વખતે તમારી જાતને ખોરાકથી બચાવવાની કોશિશ ન કરવી. ડાયેટિંગને કારણે ભોજનથી દૂર રહેનાર ભૂખનો મોટો શિકાર બને છે. ડાયેટિંગ તનાવ અને બોર થવાનું કારણ બની શકે છે. તમારા ભોજનમાં ફેટ (ચરબી) નહીં, પણ ફ્લેવર લો.

પાણી વધુમાં વધુ પીઓ. જેથી શરીરને પૂરતું પાણી મળે છે અને પેટ પણ ભરેલું જણાય છે. શરીરને ગરમ રાખવા માટે અધિક કેલરી બળે છે. જર્મનીમાં હમણાં જ થયેલા એક અધ્યયન અનુસાર લગભગ અર્ધો લિટર પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ રેટ ૩૦ ટકા સુધી વધી જાય છે.

વૈવાહિક સંબંધ માટે જરૂરી : બોડી કેર પતિ-પત્નીના સંબંધ માટે પણ આવશ્યક છે. ઓવરવેઈટ હોવું એ વૈવાહિક સંબંધની નિકટતા અને પતિ-પત્નીની આપસની વાતચીતને અસર પહોંચાડે છે, કેમ કે કોઈ એકના મનમાં એવું થાય કે, હવે પોતે કે પોતાનો જીવનસાથી અનાકર્ષક થઈ રહ્યો છે, તો તેનો સેક્સુઅલ કોન્ફિડન્સ ડગમગવા લાગે છે.

વૃદ્ધાવસ્થા સુધી ફિટ અને ફાઈન રહેવા ઇચ્છતા હોવ તો તમારા શરીરની ઊર્જા અને લચીલાપનને જાળવી રાખવા માટે વ્યાયામ કરવો અતિ મહત્ત્વનો છે. ક્યારેય બિન્દાસ્તપણે અને બેદરકારીથી ખા-ખા ન કરો, જેની સજા તમારા શરીરને મળે. જો તમે એવું જ કરતાં હોવ તો પછી શરીરને આકર્ષક બનાવવાની ખ્વાહિશ ન રાખો. તમારી જીવનશૈલીમાં ભોજનને આવશ્યકતાથી વધુ મહત્ત્વ ન આપો. કિચનને તમારા સ્વાસ્થ્યનું સેન્ટર પોઈન્ટ ના બનાવો, તો આપમેળે જ બોડી શેપમાં આવવા લાગશે.