વજન તો ઊતરતું જ નથી ? વેઇટલૉસ માટે જરૂરી છે ડાયટ અને એક્સરસાઇઝ બન્નેનું કૉમ્બિનેશન

12 Feb, 2018

  મોટા ભાગના લોકો શરીર પર જામેલા થરને ઓછો કરવા માટેની કોશિશ કરતા રહે છે. તેમના મોઢેથી સાંભળવા મળતી આ એક કૉમન ફરિયાદ છે. વેઇટલૉસ માટે જે જૂનો, જાણીતો અને એકમાત્ર સફળ રસ્તો છે એ છે ડાયટ અને એક્સરસાઇઝનું કૉમ્બિનેશન. નિષ્ણાતના મતે આ બન્ને વિશે મૂળભૂત અમુક બાબતો સમજીને વેઇટલૉસ શરૂ કરવામાં આવે તો વજન ઊતરતું નથી એવી ફરિયાદ કરવાનો વારો નથી આવતો 

 
મોટા ભાગના લોકોનો આજે મુખ્ય પ્રૉબ્લેમ તેમના શરીર પર જામેલા ચરબીના થર બની ગયો છે. મોટા ભાગના લોકોનું પોતાના પર્ફેક્ટ વજનથી બેથી ચાર કિલો વધારે વજન હોય છે તો ઘણાનું ૨૦થી ૪૦ કિલો વજન વધારે હોય છે. જાડાપણાથી છુટકારો પામવા, શરીર થોડું વ્યવસ્થિત કરવા, તંદુરસ્ત રહેવા વજન ઘટાડવાની કોશિશ મોટા ભાગના લોકોએ પોતાની રીતે કરી પણ હોય છે. કોઈ ફ્રેન્ડ્સ પાસેથી સલાહ લઈને; બીજા કરતા હોય એની નકલ કરીને; કોઈ બુક્સ, મૅગેઝિન, અખબાર વાંચીને; ઘરની નજીકનું જિમ જૉઇન કરીને કે પાર્કમાં વૉક શરૂ કરીને; સેલિબ્રિટીના ડાયટ-પ્લાનની નકલ કરીને કે પછી કોઈ પણ રીતે દરેક વ્યક્તિ વજન ઓછું કરવાના પ્રયત્ન કરતી હોય છે. જોકે એક કૉમન ફરિયાદ આ પ્રયત્નો કરનારા લોકોમાંથી મોટા ભાગના કરે છે કે કંઈ પણ કરીએ વજન ઓછું નથી થતું. આમાંથી અમુક લોકો નિરાશ થઈને પ્રયત્ન છોડી દે છે અને અમુક લોકો હાર્યા વગર નવી-નવી વસ્તુઓ ટ્રાય કર્યા કરે છે. વેઇટલૉસના હજારો રસ્તાઓ આજે આપણી પાસે ઉપલબ્ધ છે, પરંતુ એક રસ્તો જે વર્ષો જૂનો છે અને આજે પણ વેઇટલૉસ માટે સૌથી અસરકારક માનવામાં આવે છે એ છે ડાયટ અને એક્સરસાઇઝનું કૉમ્બિનેશન. આ બન્ને રસ્તાઓને પસંદ કરો ત્યારે અમુક બેઝિક વસ્તુઓ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જો એ ધ્યાનમાં રાખીએ તો વજન ઊતરતું જ નથી એ ફરિયાદ કરવી નહીં પડે. વેઇટલૉસ માટે ટ્રાય કરતી વ્યક્તિ આ મૂળભૂત સિદ્ધાંતોને સમજી, એના પર ચાલીને ફતેહ હાંસલ કરી શકે છે.
 
ડાયટ એટલે ભૂખમરો નહીં 
 
ઘણા લોકો ડાયટના નામે જ ગભરાતા હોય છે. એવા ઘણા લોકો છે જેમને મોઢે સાંભળવા મળે છે કે હું તો ભૂખ્યો ન રહી શકું, મને તો ખાવા જોઈએ જ. હકીકત એ છે કે માણસમાત્રને ખાવા જોઈએ અને ડાયટ કરવું એટલે ભૂખ્યા રહેવું નહીં. આ વાતે સ્પક્ટતા કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ-જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘લોકોના મનમાં આ કન્સેપ્ટ ઘૂસી ગયો છે કે ડાયટ એટલે ભૂખમરો. અમારી પાસે ઘણા લોકો એટલા ગભરાતા આવે છે કે વેઇટલૉસ માટે ડાયટ મારાથી નહીં થાય. અમે જ્યારે તેમને ચાર્ટ આપીએ છીએ ત્યારે તે લોકો આશ્ચર્ય સાથે પૂછે છે કે આટલુંબધું ખાવાનું? ઘણા શક પણ કરે છે કે આટલું બધું ખાઈશ તો વજન ઓછું થશે? ત્યારે અમે કહીએ છીએ કે કરીને તો જુઓ અને રિઝલ્ટ ઘણાં જ સારાં મળે છે. મુખ્ય વસ્તુ એ છે કે ડાયટ કરીએ તો ભૂખ્યા રહેવું પડે એ વિચાર જ મગજમાંથી કાઢી નાખવા જેવો છે; કારણ કે ભૂખ્યા રહેવાથી વજન ઘટે નહીં, ઊલટી બીજી ઉપાધિઓ વધી જાય છે.’
 
ડાયટના ત્રણ સ્તંભ 
 
ડાયટ કરતી વખતે શું મહત્વની વસ્તુ ધ્યાનમાં લેવાની હોય છે એ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ડાયટમાં સૌથી મહત્વની વસ્તુ છે કે તમે શું ખાઓ છો, કેટલું ખાઓ છો અને ક્યારે ખાઓ છો એટલે કે ફૂડની ચૉઇસ, ફૂડની ક્વૉન્ટિટી અને ફૂડનું ટાઇમિંગ. આ ત્રણે વસ્તુ જ્યારે નિશ્ચિત થાય છે ત્યારે એ પ્રૉપર ડાયટ બને છે. જો તમે ખૂબ વધારે કૅલરીયુક્ત ખોરાક લો અથવા ફક્ત શાકભાજી અને ફળો જ ખાધા કરો તો આ બન્ને પરિસ્થિતિ ખોટી ડાયટ ગણાય છે. ડાયટ હંમેશાં એવી હોવી જોઈએ કે જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ બધું સપ્રમાણ, શરીરને જરૂરી છે એટલું જ અને એટલી માત્રામાં મળી રહે. વળી ખાવાનો સમય પણ નિશ્ચિત કરવામાં આવે છે જેને કારણે શરીરનું એક ટાઇમ-ટેબલ સેટ થાય અને સમયસર ખાવાથી એ ખોરાકનું યોગ્ય પાચન થાય.’
 
ડાયટની પસંદગી 
 
ડાયટની પસંદગી પણ અમુક બાબતો પર નિર્ભર કરે છે. જેમ કે સહજ છે કે વીસ વર્ષની વ્યક્તિની અને પચાસ વર્ષની વ્યક્તિની ડાયટ સરખી ન હોઈ શકે. આમ ડાયટની પસંદગી ઉંમર પર આધાર રાખે છે. જોકે કેટલાંક બીજાં પરિબળો પણ છે જેના આધારે ડાયટ નક્કી કરવામાં આવે છે. એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ડાયટમાં જેન્ડર પણ મહત્વની છે. એક સ્ત્રી અને પુરુષની ખોરાકની જરૂરિયાતો અલગ-અલગ રહે છે. આ સિવાય માણસ દિવસ દરમ્યાન કેટલી ફિઝિકલ ઍક્ટિવિટી કરે છે એના પર પણ એનો આધાર રહે છે. જેમ કે ફૅક્ટરીની સાઇટ પર દસથી બાર કલાક મજૂરી કરતો માણસ અને ઑફિસમાં આઠ કલાકની ડ્યુટી કરતા માણસનો ખોરાક અલગ જ રહેવાનો. આ ઉંમર, જેન્ડર અને ફિઝિકલ ઍક્ટિવિટીને ધ્યાનમાં રાખીને જ દરેક વ્યક્તિએ પોતાની ડાયટ નક્કી કરવી જોઈએ. આ સિવાય વ્યક્તિને કોઈ પણ પ્રકારનો રોગ હોય તો પણ તેની ડાયટ જુદી હોઈ શકે છે.’ 
 
એક્સરસાઇઝની શરૂઆત 
 
તમે જો બેઠાડુ જીવન જીવતી વ્યક્તિ હો, શારીરિક શ્રમ બિલકુલ ન કરતા હો અને જો તમે વિચારતા હો કે અચાનક જિમમાં જઈને તમે દોડવા લાગશો તો આ એક ભૂલભરેલી માન્યતા છે જે તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ વાત સમજાવતાં વેઇટલૉસ પ્રોગ્રામ ચલાવતા ફિઝિયોશ્યૉર-જુહુના ફિઝિયોથેરપિસ્ટ વિભૂતિ કાણકિયા કહે છે, ‘જો તમે ક્યારેય એક્સરસાઇઝ ન કરી હોય, તમારું વજન પણ વધુ હોય તો એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં અમુક વસ્તુઓનું ધ્યાન રાખો. પહેલી બાબત એ કે શરૂઆત વૉકિંગથી કરો. તમારા શરીરને માફક આવે એટલું ચાલો. ધીમે-ધીમે સમય વધારતા જાઓ. આદર્શ રીતે બે-ત્રણ દિવસમાં તમે ૪૫ મિનિટથી લઈને એક કલાક જેટલું ચાલવાનું શરૂ કરી શકો છો. એકાદ અઠવાડિયું ચાલતા થાઓ પછી તમને માફક આવે એવી, તમારા રૂટીનને અને શરીરને સૂટ થાય એવી કસરત પસંદ કરો. એમાં પણ ધીમે-ધીમે અને કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ આગળ વધો.’
 
નિયમિતતા 
 
દરેક વ્યક્તિ માટે એક્સરસાઇઝનું કમ્ફર્ટ જુદું-જુદું હોય છે. ઘણા લોકો જિમમાં કલાકો એક્સરસાઇઝ કરી શકે છે તો ઘણા લોકોને ગાર્ડનમાં વૉક કરવામાં વધુ મજા આવે છે. ઘણા લોકો ફક્ત સૂર્યનમસ્કાર કરી પોતાની જાતને તંદુરસ્ત રાખે છે તો ઘણા લોકોને ઍરોબિક્સ કે ઝુમ્બા માફક આવતું હોય છે. આ વિશે વિભૂતિ કાણકિયા કહે છે, ‘કસરત કરવાનો એક નિયમ સદા યાદ રાખવા જેવો છે. જે કસરત તમે ખુશી-ખુશી રેગ્યુલર કરી શકો એ પ્રકારની જ કસરત પસંદ કરો. કસરતનો કોઈ પણ પ્રકાર હેલ્પફુલ થઈ શકે છે, પરંતુ જરૂરી છે કે વ્યક્તિ એને રેગ્યુલર કરે. જો દરરોજ કે અઠવાડિયામાં પાંચ દિવસ તમે એક્સરસાઇઝ નહીં કરો તો એનો કોઈ અર્થ નથી.’
 
 
ઘણા લોકો વજન ઘટાડવા માટે ફક્ત ડાયટ કરતા હોય છે તો ઘણા લોકો કલાકો સુધી જિમમાં એક્સરસાઇઝ કરતા હોય, પરંતુ ડાયટ પર ધ્યાન આપતા નથી. આ બન્ને કેસમાં હેલ્ધી વેઇટલૉસ શક્ય બનતું નથી. જો એ બન્ને સાથે કરવામાં આવે તો જ વેઇટ પ્રમાણસર ઊતરે છે અને ફરી પાછું સરળતાથી વધી જતું નથી. જાણીએ ડાયટ અને એક્સરસાઇઝ બન્ને વેઇટલૉસ માટે કેમ જરૂરી છે 
 
આપણે વેઇટલૉસ માટે ડાયટ અને એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં એ બન્નેના અમુક મૂળભૂત સિદ્ધાંત છે એ વિસ્તારપૂર્વક જોયા હતા. આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જો વેઇટલૉસ માટે પ્રયત્ન શરૂ કરવામાં આવે તો એ ચોક્કસ સફળ થઈ શકે છે. પરંતુ આ પ્રયત્નમાં ડાયટ અને એક્સરસાઇઝનું કૉમ્બિનેશન હોવું જરૂરી છે. એકલી ડાયટ કે એકલી એક્સરસાઇઝથી ફળ મળતું નથી. તાજેતરમાં લોયોલા યુનિવર્સિટી, શિકાગોમાં થયેલા રિસર્ચ અનુસાર સંશોધકોએ એક્સરસાઇઝ અને ઓબેસિટી પર વર્ષોથી કરેલા સ્ટડીનું તારણ કાઢ્યું હતું એ મુજબ ફક્ત એક્સરસાઇઝ પર જ ધ્યાન આપીએ અને ડાયટને અવગણીએ તો વેઇટલૉસ થતું નથી. આ સંશોધકોના અવલોકન મુજબ જ્યારે વ્યક્તિ ખૂબ એક્સરસાઇઝ કરે છે ત્યારે ઑટોમૅટિકલી તેને વધુ ભૂખ લાગે છે. આવા સમયે જો તે જરૂર કરતાં વધુ ખાઈ લે તો વધુ કૅલરી ઇન્ટેકને કારણે તેનું વજન ઓછું થતું નથી. સંશોધકોનું કહેવું હતું કે જો ઇચ્છતા હો કે વજન ઘટે તો ફક્ત એક્સરસાઇઝ પર જ નહીં, પરંતુ તમારા ડાયટ પર પણ એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે. રિસર્ચ મુજબ વેઇટલૉસનાં બે મહત્વનાં પાસાં છે - તમે તમારા શરીરને કેટલું આપો છો અને કેટલું ખર્ચો છો અને આ બન્ને પાસાંને બૅલૅન્સ કરવા માટે તમને ડાયટ અને એક્સરસાઇઝ બન્નેની જ જરૂર પડે છે. જો બન્નેમાંથી એક ન હોય તો જરૂરી રિઝલ્ટ મળતું નથી.
 
ડાયટના ફાયદા 
 
ડાયટ અને એક્સરસાઇઝનું બૅલૅન્સ શરીરમાં કઈ રીતે કામ કરે છે એ માટે પહેલાં આ બન્ને વસ્તુઓથી શરીરને કઈ રીતે ફાયદો થાય છે અને એ શરીર પર કઈ રીતે કામ કરે છે એ સમજવું જરૂરી છે. ડાયટની વાત કરીએ તો ડાયટની પરિભાષા સમજાવતાં ક્રિટીકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘જે બૅલૅન્સ્ડ છે, જે શરીરને પૂરતી માત્રામાં પોષણ આપે છે અને શરીરની બધી જરૂરિયાતો પૂરી પાડે છે એવા ખોરાકની શરીરને જરૂર છે. આ પ્રકારનો ખોરાક સમયસર અને યોગ્ય માત્રામાં શરીરને આપવો એ જ ડાયટ છે. જ્યારે તમે પૂરતાં પોષકતત્વોવાળો ખોરાક શરીરને આપો છો ત્યારે શરીર વધારાના ખોરાકની માગણી કરતું નથી. પોષણયુક્ત યોગ્ય ખોરાકથી શરીરને શારીરિક રીતે જ નહીં, માનસિક રીતે પણ સંતોષનો અનુભવ થવાથી ખોટો ખોરાક એટલે કે તીખું, તળેલું, બહારનું ખાવાની લાલચ મનમાં આવતી જ નથી. આ સિવાય સમય પર ખોરાક લેવાથી અકરાંતિયાની જેમ ભૂખ લાગતી નથી અને વ્યક્તિ ઓવરઈટ કરતી નથી. આથી વધુપડતી કૅલરી શરીરમાં જતી નથી અને એ ફૅટમાં કન્વર્ટ થતી નથી. આમ પ્રૉપર ડાયટથી વજન વધતું નથી.’
 
સ્ટ્રૉન્ગ મેટાબોલિઝમ 
 
પ્રૉપર ડાયટથી વજન વધતું નથી એ તો સમજાય છે, પરંતુ ફૅટના જે થર જામી ગયા છે એ ડાયટ વડે ઓછા કઈ રીતે થશે એ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘જ્યારે આપણે સમય પર ખાઈએ છીએ અને લિમિટેડ માત્રામાં ખાઈએ છીએ ત્યારે આપણા શરીરનું મેટાબોલિઝમ સ્ટ્રૉન્ગ બને છે. આ એ સિસ્ટમ છે, જેમાં ખોરાકના ચયાપચયની ક્રિયા સક્રિય બની જાય છે. વ્યક્તિનું મેટાબોલિઝમ જેટલું સ્ટ્રૉન્ગ હોય, ચરબીનું એનર્જીમાં રૂપાંતર પણ એટલું જ ઝડપી થાય છે. આમ વર્ષોથી જમા થયેલી ફૅટ્સ ધીમે-ધીમે ઓગળતી જાય છે. આ ફૅટ્સ મસલ્સમાં રહેલી હોય છે. ડાયટથી જે વસ્તુ શરીરમાં ઘટે છે.’ 
 
એક્સરસાઇઝના ફાયદા 
 
એક્સરસાઇઝ શરીરની ફિટનેસ માટે ખૂબ જ મહત્વની છે. એ કરવાથી એન્ડૉર્ફિન નામનો હૉર્મોન રિલીઝ થાય છે, જે વ્યક્તિની ખુશહાલી માટે જરૂરી હૉર્મોન છે. પરંતુ જ્યારે આપણે વેઇટલૉસ માટે એક્સરસાઇઝની વાત કરતા હોઈએ ત્યારે એ સમજવું પણ જરૂરી છે કે તમે કયા પ્રકારની એક્સરસાઇઝ કરો છો. જિમ એક્સરસાઇઝ, યોગ, ઍરોબિક્સ કે સ્ટ્રેચિસ વગેરે શરીર પર જુદી-જુદી રીતે કામ કરે છે. પરંતુ આપણે જો એક્સરસાઇઝને એક જ ફૉર્મ તરીકે જોઈએ તો એ શરીર પર કઈ રીતે કામ કરે છે એ સમજાવતાં વેઇટલૉસ પ્રોગ્રામ ચલાવતાં ફિઝિયોશ્યૉર, જુહુનાં ફિઝિયોથેરપિસ્ટ વિભૂતિ કાણકિયા કહે છે, ‘એક્સરસાઇઝ કરવાથી કૅલરી ખર્ચ થાય છે. શરીરને વધુ કૅલરીની જરૂર પડે છે ત્યારે શરીર પોતાની જમા થયેલી ફૅટ્સને ઓગાળે છે. બીજી રીતે જોઈએ તો એક્સરસાઇઝ કરવાથી શરીરનું મેટાબોલિઝમ ઘણું ઉપર જાય છે. સ્ટ્રૉન્ગ બને છે. દરેક મસલને કસરત મળવાથી એ ઍક્ટિવ બને છે અને ટોન્ડ થાય છે. આમ શરીર વ્યવસ્થિત શેપમાં આવે છે.’
 
એક્સરસાઇઝ વગર ડાયટ કરીએ ત્યારે...
 
જેમને વેઇટલૉસનો અનુભવ છે તે જાણે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ડાયટ કરે છે ત્યારે તેનું વજન ઓછું થાય છે અને જ્યારે એક્સરસાઇઝ કરે છે ત્યારે તેનો ઇંચલૉસ થાય છે એટલે કે તેનું શરીર સુડોળ બને છે. જો ખાલી ડાયટ કરે અને એક્સરસાઇઝ ન કરે તો શું થાય એ સમજાવતાં વિભૂતિ કાણકિયા કહે છે, ‘આવું થાય ત્યારે વ્યક્તિનો મસલલૉસ થાય છે, જેને કારણે વ્યક્તિનું વજન તો ઘટી જાય; પરંતુ શરીર લબડી જાય છે. ચામડી લચી પડે છે. તે વધુ ઉંમરલાયક દેખાવા લાગે છે. બીજું એ કે આ પ્રકારનો વેઇટલૉસ લાંબા સમય સુધી ટકતો પણ નથી. જેમ કે લોકો ભારે ઉપવાસ કરે તો તેમનું વજન ઊતરી જાય છે, પરંતુ પછી જેવું ખાવાનું શરૂ કરે એટલે શરીર ખૂબ જલદી ફૂલી જાય છે. આમ ડાયટ એકલી ન કરતાં સાથે એક્સરસાઇઝ વેઇટલૉસ માટે અત્યંત જરૂરી છે.’
 
ડાયટ વગર એક્સરસાઇઝ કરીએ ત્યારે...
 
ઘણા લોકો જિમમાં કલાકો સુધી એક્સરસાઇઝ કર્યા કરે છે, પરંતુ પછી પાછળથી બેફામ ખાય છે. હકીકતે એનો કોઈ અર્થ નથી. આવું ન કરવું જોઈએ એમ સૂચવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘જે લોકો એક્સરસાઇઝ કરી શકે છે અને જેમને એક્સરસાઇઝ કરવી ખૂબ ગમે છે એ લોકોને લાગે છે કે તેમના માટે ખાવાનું બૅલૅન્સ કરવું સહજ છે. એ હકીકત નથી. રાત્રે ખૂબ ઠૂંસીને સવારે વધુ એક્સરસાઇઝ કરી જો એવું લાગતું હોય કે તમે બૅલૅન્સ કરી લીધું તો એવું થતું નથી, કારણ કે જે ખાધું એનું ફૅટમાં રૂપાંતર થઈ ગયું એને એટલું જલદી ઓગાળવું સહેલું હોતું નથી. બીજું એ કે હદ બહારની અને વગર વિચાર્યે કરવામાં આવતી એક્સરસાઇઝ પણ શરીર માટે ક્યારેક નુકસાનકારક સાબિત થાય છે. એટલે બૅલૅન્સ હોવું ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝની મહેનત ડાયટ ન કરીને વેસ્ટ કરવાની મૂર્ખામી ન કરવી જોઈએ.’