જિંદગીમાં સ્વસ્થ વર્ષો વધારવા હોય તો રોજિંદી આદતોમાં ઉમેરો આ 6 વાતો

11 Feb, 2018

 રોજિંદા જીવનમાં આપણી જીવનશૈલીમાં એવી કેટલીય આદતો વણાઈ ગઈ છે જે વિશે આપણે જાગૃત નથી અથવા તો ધ્યાન નથી આપતા.

 
1. ટીવી જોતાં જોતાં ખાવાનું ટાળો
જ્યારે તમે ટીવી જોતાં જોતાં ખાઓ છો ત્યારે ધ્યાન ટીવી જોવામાં જ હોય છે. પરિણામે તમે તમારા ખોરાકની કેપેસિટી કરતાં વધારે ખાઈ લો છો, જેના વિશે તમને જાણ પણ રહેતી નથી. ટીવી પર કોન્સનટ્રેટ કરવામાં તમારું ધ્યાન ખોરાક પર રહેતું નથી. એક સર્વે અનુસાર ટીવી જોતાં જોતાં જમતા લોકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધારે જોવા મળે છે.
 
2. સૂતાં સૂતાં ન વાંચો
ઘણાં લોકોને એવી ટેવ હોય છે કે રાત્રે સૂતી વખતે કોઈ પુસ્તક વાંચે. આ ખૂબ સારી ટેવ છે, પરંતુ બુક બેઠાં બેઠાં વાંચવી જોઈએ અને બુક તથા આંખો વચ્ચે યોગ્ય ડિસ્ટન્સ રાખવું જોઈએ. સામાન્ય રીતે દરેક વ્યક્તિએ હેલ્ધી શરીર માટે ઓછામાં ઓછું આઠ કલાક સૂવું જોઈએ.
 
3. વધારે પડતો સ્ટ્રેસ ન લો
કોઈ પણ કાર્યની ચિંતા એ શરીર માટે નુકસાનકારક છે. સ્ટ્રેસ લેવાથી કોઈ પણ પરિસ્થિતિનું સોલ્યુશન તો આવતું નથી, પણ માનસિકની સાથે સાથે શારીરિક પ્રોબ્લેમ્સ પણ ઊભા થાય છે. વધારે પડતો સ્ટ્રેસ પોતાને તો નુકસાન કરે જ છે, પણ તમારી આસપાસના લોકોને પણ હેરાન કરે છે.
 
4. ધુમ્રપાન અને દારૂથી દૂર રહો
દુનિયાની કોઈ વ્યક્તિએ એ સાબિત નથી કર્યું કે સિગારેટ પીવાથી ટેન્શન દૂર થાય. સિગારેટ, પાન-મસાલા, ગુટખા, તમાકુ આ બધા પદાર્થો શરીરને માત્ર અને માત્ર નુકસાન જ પહોંચાડે છે. દારૂ પીવાની ઘણાં કેસમાં ડોક્ટરો છૂટ આપતા હોય છે, જો તમને મેડિકલી જરૂર હોય તો. બાકી દારૂ એ કોઈ સ્ટેટસ સિમ્બોલ નથી. દારૂથી લીવરને નુકસાન થાય છે. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે.
 
5. દિવસમાં બે વાર બ્રશ કરવાનું રાખો
આખા શરીરમાં સૌથી વધારે બેક્ટેરિયા તમારા મોંમાં જ જોવા મળે છે. દિવસ દરમ્યાન આપણે જે પણ કાંઈ ખાઈએ છીએ તે દરેક ખોરાકમાંથી કેટલાંક બેક્ટેરિયા મોંમાં જ રહી જાય છે, તેને સાફ કરવા જરૂરી છે. તે ઉપરાંત જો તમે ડિનરમાં ડુંગળી કે લસણ ખાતા હોવ તો તેની ગંધ દૂર કરવા પણ રાત્રે બ્રશ કરવું જોઈએ. ખોરાકમાંના બેક્ટેરિયા રાત્રે વધારે એક્ટિવ થતા રોકવા માટે પણ બે વાર બ્રશ કરવું જોઈએ.
 
6. રોજ સવારે પંદર મિનિટ સનલાઇટમાં ચાલો
શરીરને અન્ય વિટામિનની જેમ વિટામિન ડી પણ આપવું એટલું જ જરૂરી છે. આ વિટામિન ડી સૂર્યપ્રકાશથી મળે છે અને જો તેની સાથે ચાલવાનું પણ રાખશો તો એક્સરસાઇઝ પણ થઈ જશે અને વિટામિન ડી પણ મળશે. સવારનાં સોનેરી કિરણનો તડકો ચામડી બાળે તેવો નથી હોતો, આથી ત્યારે વોક કરવું વધારે સારું રહે છે. તેના લીધે તમારો આખો દિવસ પણ સ્ફૂર્તિ વાળો જાય છે.