ખાધેલું બરાબર પચતું નથી? તો પાચનને 3 દિવસની આયુર્વેદિક ટ્રિકથી સુધારો

11 Feb, 2018

 જેનું પેટ રહે સાફ તેને રોગો કરે માફ, આજકાલ લોકોને પાચન સંબંધી સમસ્યાઓ વધારે સતાવવા લાગી છે. ઘણીવાર આપણે સ્વાદના ચક્કરમાં વધુ ખાઈ લેતા હોઈએ છીએ. જમતી વખતે આપણે ખુદને રોકી શકતા નથી પરંતુ ખરાબ પરિણામ તો ખાધા પછી ભોગવવો પડે છે. જ્યારે આપણું પેટ એ ભોજનને પચાવી શકતું નથી ત્યારે આપણને અપચો, એસિડિટી, કબજિયાત જેવી પેટ સંબંધી સમસ્યાઓ ઉદભવે છે. જે પોતાની સાથે અનેક રોગો પણ લાવે છે. એટલું જ નહીં પણ આ સમસ્યાઓ આપણને આંતરિક રીતે નબળાં બનાવી દે છે અને શરીરમાં ઊર્જાના સ્તરને પણ ઘટાડી દે છે.

 
પરંતુ આપણું 5000 વર્ષ જુનૂં આયુર્વેદિક ચિકિત્સાની સ્પેશિયલ ટિપ્સથી માત્ર 3 જ દિવસમાં પાચનક્રિયાને સુધારી શકાય છે જે આપણી પાચનક્રિયાને ખૂબ જ ઝડપથી ક્રિયાશીલ બનાવે છે. 
 
આપણું પાચનતંત્ર પોતાની નક્કી કરેલી સમય સીમા પ્રમાણે ચાલે છે. આ સમય સીમાને કારણે આપણને દિવસના અલગ-અલગ સમયે ભૂખ લાગે છે. ભોજન કર્યા બાદ આપણું પાચનતંત્ર તેનું કામ શરૂ કરે છે અને જ્યારે તેનું કાર્ય ખતમ થાય ત્યારે તે બીજી ક્રિયા માટે મગજને સંકેત મોકલે છે. જો આ સંપૂર્ણ પ્રક્રિયામાં બાધા આવે તો તે આપણી પાચન શક્તિની સાથે શારીરિક શક્તિને પણ ઘટાડે છે. આવી સ્થિતિમાં આજે જણાવેલી પદ્ધતિ અપનાવો.
 
પેટ ખરાબ હોય ત્યારે નીચે જણાવેલી પ્રક્રિયાનું પાલન કરવું
 
પ્રથમ દિવસ
 
પહેલાં દિવસની શરૂઆત નાસ્તાથી કરવી. નાસ્તો સવારે ઉઠ્યાના 1-2 કલાક પછી ખાવો. બપોરે ઘરનું ભોજન લેવું અને ભોજનમાં ચટપટું કે દારૂંનું સેવન ન કરવું. સવારે નાસ્તો અને બપોરના ભોજનનું સેવન સામાન્ય રીતે કરવું અને સમયસર કરવું. રાતનું ભોજન હળવું લેવું અને રાતનું ભોજન સૂતા પહેલાં 2 કલાક પહેલાં કરી લેવું. ત્યારબાદ રાતનું ભોજન કર્યા બાદ 2 ગ્લાસ નવશેકું પાણી પીવું.
 
બીજો દિવસ
 
પાચનક્રિયાને રીસેટ કરવા માટે સૌથી પહેલાં તેની ગતિને ધીમી કરવી જરૂરી હોય છે. જે ખોરાક લઈને કરી ન શકાય તેના માટે પાણીનું સેવન કરવું.
 
સવાર-સાંજ વોકિંગ પર જવું અને આખા દિવસ દરમિયાન 3-4 ગ્લાસ જ્યૂસ પીવું. જ્યૂસ તમે ભૂખ લાગવા પર અથવા તમારી ઈચ્છા પ્રમાણે પી શકો છો. પાણી વધારે પીવું સાથે જ લીંબૂ પાણીનું સેવન કરવું. આ દરમિયાન તમારું મન શાંત રાખવું અને આખા દિવસમાં હળવા કાર્યો કરવા.
 
ત્રીજો દિવસ
 
આ પ્રક્રિયાના છેલ્લા એટલે કે ત્રીજા દિવસે તમારે તમારી પાચન ક્રિયાને રીસેટ કરવી પડશે અને આ ક્રિયાને તમારી સામાન્ય કાર્યશીલતા પર પાછી મોકલવી પડશે.
 
જેના માટે માટે તમારે જાગવાના 1 કલાક બાદ નાસ્તો કરવો અને પછી સીધું બપોરે જમવું. બપોરે જમ્યા બાદ સીધા રાતે જમવું. નાસ્તાથી લઈને બપોરના ભોજન સુધી અને બપોરના ભોજનથી લઈને રાતના ડિનરની વચ્ચે કંઈ જ ખાવું નહીં. ડિનરની માત્રા બપોરના ભોજનથી ઓછી હોવી જોઈએ.
 
આટલું કર્યા બાદ તમારી પાચન ક્રિયા સામાન્ય ગતિએ પહોંચી જશે. આ ક્રિયા પૂર્ણ થયા બાદ તમને ભૂખ લાગશે. અહીં જણાવેલા નિયમ નિયમિત અપનાવવાથી પાચન હમેશાં તંદુરસ્ત રહે છે. જો કોઈ કારણસર તમારું પેટ ખરાબ થઈ ગયો હોય તો તમારે આ પદ્ધતિનો ઉપયોગ કરવો.