વજન ઉતારવાની લ્હાયમાં તમને તો નથી થઈ ગયો આ FOBIA? જાણો આ ખાસ TIPS

09 Dec, 2014

ખરેખર તો વજનને ઉતારેલું રાખવા, મેઇન્ટેઇન કરવા વજન તો કરતા જ રહેવું જોઈએ, પરંતુ ઘણી વખત આપણે એટલા બધા Concious થઈ જઈએ છીએ કે વારંવાર વજન કરવા લાગીએ છીએ. તમારી વાત સાચી છે, આને એક જાતનો ફોબિયા જ ગણી શકાય. આવું કહેવું પ્રખ્યાત ડાયેટિશિયન અંગના શાહનું કહેવું છે.

આ ફોબિયાથી દૂર રહેવા પહેલાં તો આપણે વજન કરવાની પદ્ધતિને સમજીએ. વજન કેવી રીતે કરવું અને ક્યારે કરવું?

વજન તમે જ્યારે પણ કરો તે પછીથી સમય તેનો તે રાખવો જરૂરી છે. એટલે કે સવારે કરો તો સવારે અને સાંજે કરો તો સાંજે. તમે જે કપડાં પહેરો છો તેનું વજન પણ કાંટા ઉપર આવે છે. સવારના સમયે ટ્રેકપેન્ટ પહેરીને વજન કરો અને સાંજે જીન્સ પહેરો તો જીન્સનું પોતાનું વજન જ ૫૦૦ થી ૬૦૦ ગ્રામ હોઈ શકે છે. માટે જે કપડાં પહેરો તે જ પ્રકારનાં કપડાં પહેરીને વજન કરો. દરેક કાંટો જુદું જુદું વજન બતાવે છે. તમારા ઘરનો કાંટો જ તમે વાપરો છો માટે તે જ માપદંડ માટે રાખો.

આ ઉપરાંત આપણે જે પ્રકારનો ખોરાક ખાઈએ તે પણ બીજા દિવસે કાંટા પર દેખાય છે. તમે સાંજે ખૂબ જ હળવો ખોરાક ખાધો હોય જેમ કે, દૂધ-ફ્રૂટ અથવા રોટલી-શાક તો બીજા દિવસે કાંટા પર જે વજન આવે તે કરતાં રાત્રે જો ઈડલી-સંભાર ખાઈને બીજે દિવસે વજન કરશો તો વધુ આવશે. તેનો અર્થ એમ ના કરી શકાય કે ઈડલી-સંભાર વજન વધારે છે. માટે તમારે લગભગ એક જ પ્રકારનો ખોરાક ખાઈને વજન કરવું જોઈએ.

વજન કાંટા ઉપર એકાદ કિલોનો ફેરફાર આવે તો એનાથી ગભરાઈ જવાની જરૂર નથી. સવારે ઊઠીને બે ગ્લાસ પાણી વધુ પી જઈએ તો પણ વજન ૩૦૦-૪૦૦ ગ્રામ વધુ આવે કે સવારે પેટ સાફ ના થયું હોય તો પણ વજન વધુ આવે.

તમે કોન્શિયસ છો તે ખૂબ જ સારી વાત છે, પરંતુ તેને ફોબિયામાં કન્વર્ટ થવા દેશો નહીં. હમણાં થોડો સમય વજન કરવાનું બંધ કરી દો. તમારાં કપડાં, પેન્ટ અથવા પટ્ટાના માપથી પણ તમને તમારા વજનનો ખ્યાલ આવશે. અઠવાડિએ એકાદ વખત જ વજન કરવાનું રાખો. આખા અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરો અને ઉપવાસના બીજા દિવસે સવારે તમારું વજન કરી લો. આગળના દરેક અઠવાડિયે આ જ વજનને અનુસરો તેમાં પણ એકાદ કિલોનો વધારો-ઘટાડો થાય તો ચિંતા કરશો નહીં.

જ્યારે ડાયટ કરો ત્યારે વજન પર વધુ ધ્યાન આપો, પરંતુ એક વખત તમારી ઇચ્છા મુજબનું વજન થઈ જાય પછી કસરતનો સમય વધારી દો. તેનો પ્રકાર પણ થોડો વધુ ફાસ્ટ કરી દો. ઘણી વખત વધુ કસરત કરવાથી મસલ્સ મજબૂત થાય છે અને તેનું વજન પણ કાંટા ઉપર વધુ આવે છે માટે ચિંતા કરશો નહીં. તમારા ઇંચીઝ માપીને રાખો અને તેને અનુસરો.