વાદળછાયા વાતાવરણમાં પીઓ આ એક ઉકાળો અને મેળવો સ્વસ્થ શરીર

05 Aug, 2015

ચોમાસામાં વાતાવરણ મોટાભાગે વાદળછાયું રહેતું હોય છે. આ દિવસોમાં આહારમાં ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે આ સીઝન ખાસ સાચવવાની છે. ચોમાસાની સીઝનમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જતું હોવાથી વાઇરલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે, તેથી બને ત્યાં સુધી લારી ફૂડને તો અવોઇડ કરીને ઘરનું જમવાને જ વધારે મહત્ત્વ આપવું, જેથી તમે ચોમાસામાં થતાં રોગથી બચી શકો. વળી, ઘરે બનાવેલા ભોજનમાં પણ બને ત્યાં સુધી ગરમ વસ્તુ ખાવાનો જ આગ્રહ રાખવો. કાંદા, લસણથી બનતી વાનગી ઓછી ખાવી. સવારે બનેલું ભોજન સાંજે ન જમવું.

જો તમારે સ્વસ્થ રહેવું હોય તો રોજ લીમડાનાં પાન અને તુલસીનાં પાનને ઉકાળીને તેનું પાણી પીવાથી શરીરમાં શક્તિ મળે છે, શરદી ખાંસીથી દૂર રાખે અને પેટમાં થતી ગરબડી અટકાવે છે. તુલસી અને લીમડાનાં પાણીનું સેવન બને ત્યાં સુધી રોજે કરવું સારૂં રહે છે.

આ ઉપરાંત મોન્સૂનમાં તો બને તેટલું પાણી વધારે પીવું, જેથી મૂત્ર વાટે પેટની અંદરનો કચરો અને જર્મ્સ નીકળી જાય તેમજ પેટ સાફ રહે. દરેક વ્યક્તિએ રોજનું લગભગ 8થી 9 ગ્લાસ પાણી પીવું જોઈએ, જેથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે અને પેટનો કચરો પણ મૂત્ર વાટે નીકળી જાય. સાદું પાણી જો બહુ ન પી શકાય તો તમે અલગ અલગ શરબતનો પણ ઉપયોગ કરી શકો છો. શરબતમાં પણ ખાસ કરીને લીંબુ પાણી એક આઇડિયલ પીણું ગણાશે, કારણ કે લીંબુ પાણીમાં વિટામીન સી અને ખાંડ બંને આવશે જેના કારણે શરીરને શક્તિ પ્રાપ્ત થાય છે.

વળી, ભોજનમાં દહીં, લસ્સી, દહીંનું ઘોળું, ફ્રેશ ફ્રૂટ, વેજિટેબલ સલાડ વગેરેનો ઉપયોગ વધુ કરવો, જેથી પચવામાં પણ હલકું અને સરળતાથી પચી જશે અને પેટમાં દુખાવો પણ નહીં કરે. આમ, વરસાદમાં આહારમાં થોડું ધ્યાન રાખી તમે તમારી તબિયતની માવજત તો કરો જ છો, ઉપરાંત ઉપર જણાવેલી દરેક વસ્તુ કરવાથી ત્વચા ઉપર પણ તેની અસર ખૂબ જોવા મળશે અને ત્વચા એકદમ ચમકીલી તેમજ ફ્રેશ લાગશે.