કમરનો દુ:ખાવો મટાડવા માટે ફાંદ ઘટાડો

13 Jul, 2015

ફાંદ મોટી થાય એટલે કમરનો દુ:ખાવો વધે. તેનું વજન વધુ પડતું હોય, ઘૂંટણ તે ભાર સહન ન કરી શકે તો ઘૂંટણની ડાગળીઓ ઘસાય. આપણો ઘાટ કે શરીરનો દેખાવ વિચિત્ર થઇ જાય. આ બધા દેખાવ કે શારીરિક સૌંદર્યના પ્રમાણમાં પેટના મસલ્સ મજબૂત હોવા જરૂરી છે, કે જેથી સૌંદર્યથી સવિશેષ સ્વાસ્થ્યની સુરક્ષા થઇ શકે છે. ફાંદ વગરનું પેટ હોય, પેટના સ્નાયુ મજબૂત હોય તો જ આપણે કરોડરજ્જુને તેના નીચલા ભાગને આધાર આપી શકીએ છીએ અને તેના થકી કમરના દુ:ખાવાને ટાળી શકીએ છીએ. પેટ વધુ પડતું મોટું હોય તો પણ કબજિયાત થતી હોય છે. તેથી પણ પેટને ફાંદ વગરનું રાખવું આવશ્યક છે.

દૈનિક જીવનમાં પેટના સ્નાયુઓને સશક્ત કરવા અને પેટ ઉપર વધેલી ચરબીને ઉતારવા માટે ખૂબ જ હળવી કસરતો કરવી જોઇએ. આપણે જે કંઇ દૈનિક કસરત કરતા હોઇએ તેને બંધ કરવાની જરૂર નથી. તેના બદલામાં કે અવેજીમાં પણ આ કસરતો વધારવાથી પેટની વધેલી ચરબીને અવશ્ય ઓછી કરી શકાય છે, પરંતુ લોકોની ઉંમર ચાળીસ વીત્યા પછી આવું બધું ડાયેટિંગ કરીને મહિને ત્રણેક કિલો વજન ઓછું કરતા લોકોનાં વજન ડાયેટિંગ છોડતાની સાથે જ એક અઠવાડિયામાં પાછા ત્રણને બદલે ચાર કિલો વધવાના દાખલા પણ સમાજમાં ઓછા નથી જ. છતાં કસરત ચાલુ કરીએ તે પૂર્વે આટલી સમજણ તો કેળવવી જ પડે.

જો આપણે આપણી કોઇપણ પ્રકારની શારીરિક વ્યાધિ કે રોગનિવારણ માટે કસરત કે યોગાભ્યાસ કરતા હોઇએ તો આપણે આપણા અધિકારી - મેડિકલ જ્ઞાન ધરાવનારા યોગશિક્ષક અને ડોકટરની સલાહ પછી જ કસરત કે યોગાભ્યાસનો આરંભ કરવો જોઇએ. આપણે જે કંઇ યોગિક કસરતો કરીએ છીએ તે આપણે આપણી ઉંમર, શારીરિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ કરવી જોઇએ. કસરતોનો આરંભ કરતાં પહેલાં, પહેલે દિવસે પેટને પૂરેપૂરું ફુલાવીને માપી લો. પછી જેટલું સંકોચન કરી શકો તેટલું પેટ અંદર લઇને માપી લો. તેની નોંધ રાખો. દર મહિને આ નોંધ ફરીથી લેવી. માપ ફરીથી લેવું કે કરવું.

પેટના સ્નાયુઓની મજબૂતી સાથે પેટ-ફાંદ ઓછી થઇ છે, એવું જરૂરી નથી, થવી જ જોઇએ. અને કદાચ ન પણ થાય તો પણ કસરતો છોડવી ન જોઇએ. આ માટે ૧. સમતળ ભૂમિ ઉપર ચોવડો ધાબળો લાંબે ગાળે પાથરો. તેના ઉપર ચત્તા સૂઓ. ઊંડો શ્વાસ લઇને બંને હાથ માથાની પાછળ જમીન ઉપર દૂર સુધી ખેંચી જાવ. હવે ડાબા પગના ઘૂંટણને છેક છાતી સુધી લાવો પછી જમણા પગને લાવો. ડાબો પગ છાતી સુધી આવે ત્યારે જમણો પગ સીધો જ રહેશે અને જમણો પગ છાતી સુધી આવે ત્યારે ડાબો પગ સીધો જ રહેશે. સાઇકલ ચલાવતા હોઇએ તેવો ઘાટ થશે, પરંતુ ઉતાવળ શાંતિથી આ કસરત બારેક વખત કરવી.