ખીલ ફોડવાથી ડાઘ રહી જાય છે, પણ જાતે ફૂટી જાય તો જલદી રુઝાય છે. એવું કેમ?

01 Mar, 2018

જો એને પરાણે ફોડવામાં આવ્યો હોય તો એનો ડાઘ સંપૂર્ણપણે દૂર થતાં લગભગ છથી આઠ મહિના લાગી જાય છે, પણ ખીલ આપમેળે ફૂટ્યો હોય તો એની રૂઝ જલદી આવે છે અને ડાઘ પણ એક-બે મહિનામાં આછો થઈ જાય છે. આનું કારણ શું?મોટા ભાગે ખીલની ઉપર પસ જેવું પીળાશ પડતું મોં સહેજ દેખાય કે તરત જ આપણને ચળ ઊપડે છે એ તોડી કાઢવાની. આ ખીલ ફોડવાનો કસમય છે, કેમ કે એ વખતે હજી ત્વચાની અંદરના પડમાં બૅક્ટેરિયા અને શ્વેતકણોની લડાઈ ચાલી રહી હોય છે. એ લડાઈને કારણે ખીલ અને એની આસપાસનો ભાગ સહેજ ગરમ હોય છે. કટાણે ખીલ ફોડવાના ઘણાબધા ગેરફાયદા છે. ખીલ ફોડવા વધુ દબાણ કરવું પડે છે. આજુબાજુમાં દબાણ આપવાથી બૅક્ટેરિયા સહિત પસ બહાર નીકળવાને બદલે ત્વચાની અંદર ઊંડું ઊતરી જઈ શકે છે. ધારો કે ઓછા દબાણે પસ નીકળી જાય તો શ્વેતકણો અને બૅક્ટેરિયાની લડાઈ પૂરી ન થઈ હોવાથી નીકળેલા પસમાં સક્રિય અને જોરાવર બૅક્ટેરિયાનું પ્રમાણ વધુ હોય છે.

આ બૅક્ટેરિયા આસપાસની ત્વચાના પોર્સમાં ભરાઈ રહેતાં એની આજુબાજુના ભાગમાં ખીલ થવાનું જોખમ વધે છે. વધારે પડતા દબાણને કારણે ખીલની આસપાસની ત્વચાની રક્તવાહિનીઓમાં સોજો અને લાલાશ આવી જાય છે. અધકચરા બૅક્ટેરિયાનો જ નાશ થયો હોવાથી ત્વચાની અંદરના આવરણમાં ફરીથી પસ જમા થવાની શક્યતાઓ વધે છે. તૂટેલી રક્તવાહિનીઓને કારણે ત્વચામાં આવેલી લાલાશ કે કાળાશ લાંબો સમય રહે છે. જો ખીલ બરાબર પાકી ગયો હોય અને એની ઉપરનું પસનું ટોપચું એકદમ સૉફ્ટ હોય તો એ આપમેળે તૂટીને બ્લડ અને પસ બન્ને નીકળી જાય છે અને આજુબાજુની રક્તવાહિનીઓને નુકસાન નથી થતું.