વાળને રંગતા પહેલા અને પછી શું ધ્યાન રાખશો?

20 Jun, 2015

આજકાલ યંગસ્ટર્સને પોતાના માથાના વાળ જલદી સફેદ થવા લાગે છે, આનું કારણ પ્રદૂષણવાળું વાતાવરણ ઉપરાંત શારીરિક વિટામિન્સની ઊણપ. જો કે આ તો વાત થઈ કુદરતી, પરંતુ કેટલીક માનુની નસીબદાર છે કે જેના વાળને હજુ સુધી કોઈ ઊની આંચ નથી આવી છતાં આજના ફેશનેબલ દોર વચ્ચે વિવિધ રંગોથી પોતાના વાળને ચમકાવવા છે તો તેઓએ પોતાના વાળ રંગતા પહેલાં અને પછી આટલી કાળજી તો લેવી આવશ્યક છે. જેને પોતાના દ્વિમુખી વાળ (સ્પ્લીટ એન્ડ્સ)ની સમસ્યા હોય તો તેઓએ વાળને રંગતા પહેલાં પોતાના વાળ ટ્રીમ કરવા જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો દ્વિમુખી વાળમાં રંગ ભરાઈ જવાની શક્યતા રહે છે. વારંવાર કલર કરવાથી ક્ષતિગ્રસ્ત થયેલા વાળને સ્પા ટ્રીટમેન્ટ દ્વારા મસાજ અને સ્ટીમ આપવી. આમ કરવાથી વાળ ચમકીલા અને મજબૂત થાય છે. વાળને પર્મ અને સ્ટ્રેટ કરતી વખતે વધુ પડતા રસાયણોનો ઉપયોગ ટાળવો. જો પર્મ કે સ્ટ્રેટ કરાવ્યા હોય તો વાળને કલર કરતાં પહેલાં બ્લીચ કરાવવું નહીં. હેર એક્સ્પર્ટ આગળ જણાવે છે કે : જો વાળમાં કલર કરવો હોય તો વાળમાં મેંદી લગાડવી નહીં. વધુ પડતી મેંદી વાળમાં લગાવી હોય તો વાળમાં રુક્ષતા આવે છે. ઉપરાંત તેવા વાળ ઉપર કલર ચઢતો નથી. જો વાળ પર મેંદી લગાવી છે અને વાળ પર કલર કરવો છે, પહેલાં તો વાળમાંની મેંદીને સાવ દૂર કરો અથવા ૪થી ૫ મહિના પછી જ તે વાળ પર કલર કરો.

હેર કલર કરતાં પહેલાં તે પેચનો ટેસ્ટ કરવો જેથી ત્વચા પર તેનો નકારાત્મક પ્રભાવ પડતો હોય તો ખબર પડે. આ પેસ્ટની ચકાસણી કરવી હોય તો સૌથી પહેલાં તેને કોણીના અંદરના ભાગ તરફ લગાડવો, પછી તેને 15-20  મિનિટ રહેવા દીધા પછી ધોઈ નાખવું. જો ત્વચા પર કોઈ રિએક્શન આવે તો કદી હેર કલર કરવો નહીં.

તમારી ત્વચામાં કોઈ ઊણપ હોય કે ત્વચા પર આવા કોઈ રંગ લગાવવાથી કે વાળમાં રંગ લગાવવાથી કોઈ તકલીફ કે અન્ય કોઈ ચાંભા-ચાંદા- ફોલ્લી પડે તો તરત જ ત્વચાના નિષ્ણાતની જરૂર સલાહ લેવી અને પછી જ હેર કલર કરવો.

જ્યારે તમારા વાળ કલર કરેલા હોય તો તેના માટે ખાસ બનાવેલ શેમ્પૂનો જ ઉપયોગ કરવો. કલર કરેલા વાળ ધોવા માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં કન્ડિશનર કે શેમ્પૂનો જ ઉપયોગ કરવો. આવા કંડિશનરથી વાળનું ટેક્ષ્ચર સારું રહે છે. આ ઉપરાંત સારી જાતના કલર માથામાં લગાડવાથી વાળમાં રહેતા કેટલાક વિટામિન જો સુકાઈ ગયા હોય તો તે ઠીક થાય છે. કેટલીક આધુનિકાઓને મલ્ટિકલર કલરની સ્ટ્રીકિંગ કરાવવાની ઇચ્છા હોય છે, આવી માનુનીઓએ સૌથી પહેલાં મોઈશ્ચરાઈઝિંગ કંડિશનરનો ઉપયોગ કરવો, કારણ કે વાળ રંગવાથી વાળમાં રુક્ષતા આવે છે. જો વાળ રુક્ષ થઈ ગયા હોય તો તેના માટે વિશેષ પ્રકારના વાળ અને સીરપ આવે છે તેનો ઉપયોગ કરવો. જેને સફેદ વાળને છુપાવવા રંગ કરવો હોય તો તેઓએ મહિનામાં એક જ વાર કરવો. વારંવાર કરવાથી વાળ રુક્ષ થઈ જશે.

જો ફેશન માટે વાળ રંગવા હોય તો તેઓ ત્રણથી છ મહિના પછી રંગ બદલવા. જે માનુની પોતાના વાળ સૌ પ્રથમ વાર હેર કલર કરતી હોય તો તેણે કલર લગાવ્યા પછી અડધો કલાક વાળને સુકાવા દેવા. ત્યાર બાદ વાળ તેઓ ધોઈ શકે છે. વાળ ધોતી વખતે શેમ્પૂનો ઉપયોગ ન કરવો, પરંતુ પછીના બીજા દિવસે શેમ્પૂથી વાળ ધોવા. ફેશનેબલ યુવતીઓ હેર નિષ્ણાતોની આટલી વાત માનશે તો જરૂર સફળ થશે.