શિયાળામાં માણો આ પાંચ રસાળ વાનગીનો સ્વાદ, રાખશે તમને હેલ્ધી

20 Nov, 2014

આજે અમે તમારા માટે શિયાળામાં મળતી સ્વાદિષ્ટ અને હેલ્ધી શાકભાજીની પાંચ સ્વાદિષ્ટ વાનગી લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે, શિયાળામાં ખાઈ લો એટલે આખું વર્ષ ચાલે. આજે આવી જ સ્વાસ્થ્યવર્ધક વાનગીને મસાલેદાર અને ચટાકેદાર રૂપમાં અમે તમારી માટે લાવ્યા છીએ. જેથી તમે એનો પૂરેપૂરો સ્વાદ માણી શકો. શિયાળામાં મળતા હેલ્ધી શાકભાજીનું માત્ર શાક ખાઈ-ખાઈને તમે કંટાળ્યા હોવ તો તો તમે ચોક્કસથી આ વાનગીઓ ટ્રાય કરી શકો છો. જેથી તમારા સુધી શાકના ગુણ પણ પહોંચે અને સ્વાદનો ચટાકો પણ. બસ તો આજે જ નોંધી લો આ પાંચ સ્પેશિયલ રેસિપી અને ત્યાર બાદ તમારા રસોડાને મહેંકાવો તેની સોડમથી.

ગાજરના ક્રિપ્સી રોલ-
 
સામગ્રી-
 
સ્ટફિંગ માટે-
-3 નંગ ડુંગળી ઝીણી સમારેલી
-1 નંગ કેપ્સિકમ ઝીણું સમારેલું
-3 નંગ બાફેલા બટેટાનો માવો
-1 બાઉલ બાફેલા વટાણા
-6 નંગ ગાજરનું છીણ
-2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-મીઠું સ્વાદાનુસાર
-ખાંડ
-લીંબુનો રસ
-ગરમ મસાલો
-ચાટ મસાલો
-ચીલી ફ્લેક્સ
-ટોસ્ટનો ભૂકો
-તેલ
-હિંગ
-ધાણાજીરું
-હળદર
 
પૂરી માટે-
-250 ગ્રામ મેંદો
-3 ટેબલસ્પૂન તેલ
-3 ટીસ્પૂન મરી પાઉડર
-2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત -
 
સૌપ્રથમ પૂરી માટેની બધી જ સામગ્રી એક મોટા મિક્ષિંગ બાઉલમાં લઈને બરાબર મિક્ષ કરી લો. પરાઠા જેવો લોટ બાંધી લો. હવે એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ અને હિંગ ઉમેરીને સાંતળી લો. ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યાર બાદ તેમાં કેપ્સિકમ મરચાં ઝીણા સમારેલા ઉમેરો. કેપ્સિકમ ચઢે ત્યાં સુધીમાં ગાજરને નીચોવીને પાણી કાઢી લો. ત્યાર બાદ તેને પણ કેપ્સિકમવાળા મિશ્રણમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો, ધાણાજીરું, ચીલી ફ્લેક્સ, કોથમીર નાખી મિક્સ કરી સાંતળી લો. બધો જ મસાલો એકબીજામાં બરાબર મિક્ષ થી જાય પછી નીચે ઉતારી લો. ત્યાર બાદ તેમાંબટેટાનો માવો, બાફીને નીતારેલા વટાણા અને ટોસ્ટનો ભૂકો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણમાંથી લંબગોળ રોલ વાળી લો. તૈયાર કરેલી કણકમાંથી લૂઆ વાળી મીડિયમ સાઈઝની રોટલી વણી લો. પછી વચ્ચે લંબગોળ રોલ મૂકીને રોટલી પર આજુબાજુએ કાપા પાડી લો. હવે પાણી લગાડી કિનારી ઉપર અને એક પટ્ટી ઉપર બીજી પટ્ટી ક્રોસમાં લગાડી લો. ત્યાર બાદ રોલને તેલમાં મીડિયમ આંચે તળી લો. લાઈટ બ્રાઉન રંગના થાય એટલે કાઢી ઉપર ચાટ મસાલો છાંટી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.


અંજીર રબડી-
 
સામગ્રી-
 
-1 લીટર દૂધ
-100 ગ્રામ ખાંડ
-50 ગ્રામ અંજીર
-કસ્ટર્ડ પાવડર
-ફટકડીનો ભૂક્કો
 
રીત-

સૌપ્રથમ એક લીટર દૂધમાંથી એક કપ જેટલું સાઈડ પર કાઢી લો. રબડી કરવાના બે કલાક પહેલા અંજીરના ટુકડા કરીને તે એક કપ દૂધમાં પલાળી રાખવો. હવે જ્યારે રબડી બનાવવાની હોય ત્યારે આ બે લીટર દૂધને ગેસ પર ઉકળવા મૂકવુ. દૂધ ગરમ થઈને ઉકળવા લાગે(લગભગ વીસેક મિનિટ બાદ) તેમાં પલાળેલા અંજીર ઉમેરવા. થોડા સમય પછી દૂધ 60% બળી જાય પછી દૂધને 20 થી 25 મિનિટ બરાબર ઉકાળો. ઉકળી ગયા બાદ હવે તેમાં ખાંડ ઉમેરીને ફરી 10 મિનિટ માટે ઉકળવા દો. દૂધ એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ત્યાર બાદ તેમાં થોડાંક જ ફટકડીના ટુકડા ઉમેરીને ચમચાથી બરાબર હલાવીને ઢાંકી દો. લગભગ અડધો કલાક બાદ સ્વાદિષ્ટ અને હેલ્ધી રબડી સર્વ કરો.


વટાણાની ટેસ્ટી કેક-
 
સામગ્રી-
 
-250 ગ્રામ વટાણા
-100 ગ્રામ પાલક
-1 નંગ કેપ્સિકમ
-50 ગ્રામ પનીર
-1 ચીઝ ક્યૂબ
-1 નંગ મોટું ગાજર
-100 ગ્રામ કોબી
-1 બાઉલ મમરા
-1 બાઉલ બ્રેડક્રમ્સ
-150 ગ્રામ ખારી સિંગ
-2 ચમચી આદું-મરચાંની પેસ્ટ
-250 ગ્રામ બટાકા
-2 ચમચી તેલ
-1 ટીસ્પૂન બટર
-1/2 ટીસ્પૂન હળદર
-1 ચમચી લાલ મરચું પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-લીંબુનો રસ
-ખાંડ
 
રીત-
 
સૌપ્રથમ વટાણાને ક્રશ કરી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં વટાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ધીમા તાપે થોડા ચડે એટલે તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ અને પાલક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. અધકચરું ચઢે એટલે તેમાં હળદર, લાલ મરચું, ખમણેલી કોબી, ખમણેલું ગાજર, મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને ગેસ બંધ કરી દો. ગેસ પરથી ઉતાર્યા બાદ તેમાં પનીર ઉમેરી બરાબર મિક્ષ કરીને સાઈડ પર મૂકી દો. બીજી તરફ બોઈલ્ડ બટાકાને છીણી તેમાં મીઠું, લીંબુ, આદું-મરચાંની પેસ્ટ, ખારી સિંગનો ભૂકો, બ્રેડક્રમ્સ, મમરાનો ભૂકો નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ તેના બે ભાગ કરવા. હવે કેક મોલ્ડ લઈ તેમાં બટર લગાવી તેના ઉપર બ્રેડક્રમ્સથી કોટ કરી બટાકાના માવાનું લેયર કરો. તેના પર વટાણાનું લેયર કરવું. ત્યાર બાદ ફરી બટાકાનું લેયર કરવું. તૈયાર કરી કૂકરમાં વ્હિસલ અને રિંગ કાઢી ધીમા ગેસ પર પંદરથી વીસ મિનિટ માટે બેક થવા દેવું. ત્યાર બાદ ઠંડું કરી અનમોલ્ડ કરી તેના ઉપર ચીઝ છીણી, કેપ્સિકમની રિંગથી ગાર્નિશ કરીને સર્વ કરવુ.


સિઝલિંગ પોટેટો પ્લેટર-
 
સામગ્રી-
 
-20 નંગ પોટેટો
-10 ટુકડા પનીરના
-3 નંગ ડુંગળી
-8 કળી લસણની
-2 ટેબલસ્પૂન આદુંની પેસ્ટ
-1 ટેબલસ્પૂન મરી પાવડર
-1 ટીસ્પૂન વિનેગર
-1 ટેબલસ્પૂન ટોમેટો સોસ
-1 ટીસ્પૂન બ્લેક પેપર સોસ
-1 ટીસ્પૂન સેઝવાન સોસ
-1 ટીસ્પૂન રેડ ચીલી સોસ
-3 ટીસ્પૂન ગ્રીન ચીલી સોસ
-1 ટીસ્પૂન પેપરીકા
-1 ટીસ્પૂન કલોંજી઼
-મીઠું સ્વાદાનુસાર
-ઓલીવ ઓઈલ
 
ટોમેટો ક્રીમ ચીઝ માટે-
-3 ટેબલસ્પૂન ચીઝ છીણેલું
-4 નંગ મશરૂમ સમારેલા
-2 ટેબલસ્પૂન બટર
-1 કપ દૂધ
-1/2 કપ પાણી
-ડુંગળી સમારેલી
-મેંદાનો લોટ
 
રીત-
 
સૌપ્રથમ સિઝલર પ્લેટને એકદમ લાલ થાય એ રીતે 25 થી 30 મિનિટ પહેલા ગેસ પર ગરમ કરી લો. આ દરમિયાન બેબી પોટેટોને છાલ સાતે 1 કલાક માટે પાણીમાં રહેવા દો. ત્યાર બાદ પોટેટોને પાણીમાંથી કાઢી, નીતારી ધીમા ગેસ પર તેલમાં ફ્રાય કરી લો. મેરીનેટ માટેની બધી જ સામગ્રીને એક મોટા મિક્ષિંગ બાઉલમાં બરાબર મિક્ષ કરી લો. ત્રણ જાડા પનીરના ટુકડાને ત્રિકોણાકાર કટ કરી લો. પછી તેમાં આદું-લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. મરી પાવડર, સોયાસોસ, ટોમેટો સોસ અને મીઠું સ્વાદાનુસાર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. થોડા સમય બાદ તેમાં ક્રીમ ચીઝ સોસ માટે એક સોસ પેનમાં બટર ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને મશરૂમ ઉમેરીને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં મેંદાનો લોટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. મેંદો બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં દૂધ, મરી પાવડર, ચીઝ અને છેલ્લે ક્રીમ અને મીઠું ઉમેરીને બરાબર હલાવતા રહો. થીક થાય એટલે તેને ઉતારી લો. હવે પ્લેટર પર તૈયાર કરેલા પનીરના ટુકડા અને ટોમેટો ચીઝ ક્રીમ સોસ ઉમેરીને ગરમ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

ચીઝ પરવળ કેશ્યુ સૂપ-
 
સામગ્રી-
 
-200 ગ્રામ પરવળ
-12 થી 15 નંગ કાજુ
-1 ટેબલસ્પૂન જીરૂં
-2 ટેબલસ્પૂન બટર
-મીઠું સ્વાદાનુસાર
-મરી ભૂકો સ્વાદાનુસાર
 
રીત-
 
સૌપ્રથમ પરવળની છાલ ઉતારીને તેને ચોખ્ખા પાણીમાં સમારી લો. ત્યારબાદ એક નોન સ્ટિક પેનમાં બટર ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં કાજુ ઉમેરીને લાઈટ બ્રાઉન થાય એ રીતે ફ્રાય કરી લો. ત્યાર બાદ તેને બટરમાંથી કાઢીને સાઈડમાં મૂકો. હવે એ જ બટરમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં પરવળ ઉમેરીને બરાબર મિક્ષ કરો. લગભગ પાંચેક મિનિટ માટે તેને સાંતળો. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી લો. ત્યાર બાદ પરવળ અને કાજુને ગ્રાઈન્ડ કરી લો. એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ તેમાં સ્વાદાનુસાર મીઠું અને મરી પાવડર ઉમેરીને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. ગરમા-ગરમ ચીઝથી ગાર્નિશ કરીને સર્વ કરો.