ગુજરાતનો આ ધોધ છે જોરદાર ફેમસ, મારો એકવાર લટાર..

07 Jul, 2018

ગુજરાતમાં વરસાદની સીઝન ચાલી રહી છે ત્યારે સાથે સાથે જંગલોમાં ધોધની પણ સીઝન ચાલી રહી છે. અમેરિકામાં નાયગ્રા ધોધ વિખ્યાત છે અને ભારતના પણ ઘણા રાજ્યોમાં બારે મહિના વહેતા ધોધ છે જે પ્રવાસીઓને મોટી સંખ્યામાં આકર્ષે છે પરંતુ ગુજરાતમાં એક પણ બારમાસી ધોધ નથી. ગુજરાતમાં મોટાભાગના ધોધ માત્ર ચોમાસાની સીઝનમાં સક્રિય હોય છે, તો કેટલાક ધોધ શિયાળામાં ડિસેમ્બર સુધી પણ સક્રિય જોવા મળે છે.

 

 
ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાજ નદીનાળાઓમાં નવા નીરની આવક થઈ ચૂકી છે. તો રસ્તા પર ઠેર ઠેર નાના મોટા ઝરણા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ આહલાદક દ્વશ્યને લોકો પોતાના કેમેરા તેમજ મોબાઈલમાં કંડારવાનું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલ બોટાનીકલ ગાર્ડન તેમજ ગીરાધોધ ડાંગની મુલાકાતે આવતા પ્રવાસીઓને આકર્ષતા હોય છે. અહી પ્રવાસીઓ તેમજ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પ્રવાસીઓ સહિત શાળા તેમજ આશ્રમના વિધાર્થીઓને પ્રવાસ અર્થે પણ લાવવામાં આવતા હોય છે.
 
વરસાદી પાણી, ઝરણા, નદી અને પર્વત મહીના પાણીથી સર્જાતા ગુજરાતના વિવિધ જળધોધ પૈકી સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષતા ધોધ તરીકે ડાંગના ગીરા ધોધની ગણતરી થાય છે. ગીરા ધોધ સાપુતારા નજીક આવેલો છે અને તે ગુજરાતના અન્ય ધોધની માફક સિઝનમાં જ સક્રિય થતો ધોધ છે. ગિરા ધોધ વિશાળતાની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો ધોધ માનવામાં આવે છે. આ ધોધમાં સ્નાન કરવાની લાલચે અનેક લોકોના મોત પણ થયેલા છે.
 

 
લંબાઇની બાબતમાં મધ્ય ગુજરાતમાં જાંબુઘોડાથી હાલોલના પટ્ટામાં આવેલો હાથણી માતાનો ધોધ વિખ્યાત છે. આ ધોધ તેની સક્રિયતાની સીઝનમાં થોકબંધ પ્રવાસીઓને આકર્ષે છે જે મહદઅંશે મધ્ય ગુજરાતમાંથી આવતા હોય છે. ગુજરાતનો અતિ અલ્પ ખેડાયેલો અને બહુ જ ઓછા લોકોની નજરે ચડતો એક અન્ય ઉંચો અને સ્નાન પણ કરી શકાય તેવો ધોધ પૂર્વના આદિવાસી પટ્ટામાં આવેલો રતનમહાલના જંગલનો ધોધ છે. આ ધોધના સ્થળે પહોંચવા માટે ડુંગરાઓમાં ઘણું પરિભ્રમણ કરવું પડે છે અને ત્યાં સુધી માત્ર ટ્રેકીંગના રસિયાઓ જ સામાન્ય રીતે પહોંચતા હોય છે. નર્મદા અને અન્ય ડેમ પરથી ઓવરફ્લો થતું પાણી એક રીતે તો કૃત્રિમ ધોધ જેવું જ હોય છે જેને જોવા માટે પ્રવાસીઓની ભીડ જામે છે. પરંતુ ગુજરાતના નાના મોટા અનેક કુદરતી ધોધ પણ ચોમાસાથી શિયાળાના મધ્ય સુધીની સીઝનમાં પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.