પિત્તાશયની પથરીને ઓપરેશન વિના દૂર કરવા અજમાવો 11 ઘરેલૂ ઈલાજ

21 Dec, 2015

 આજકાલ પથરીની સમસ્યા સાવ સામાન્ય બની ગઈ છે. પથરીના અલગ-અલગ પ્રકાર હોય છે. જેમાં પિત્તાશયની પથરીની સમસ્યા આજકાલ વધી રહી છે.  પિત્તાશય શરીરનો એક નાનો ભાગ છે જે લીવરની પાછળ હોય છે. જેને ગોલ બ્લેડર કહેવામાં આવે છે. તેમાં પિત્ત જામે ત્યારે પિત્તાશયની પથરીની સમસ્યા પેદા થાય છે. પિત્તાશયનું કાર્ય લીવર દ્વારા ઉત્પન્ન પિત્તનો સંગ્રહ કરવો અને ભોજન બાદ પિત્તવાહિનીના માધ્યમથી નાના આંતરડામાં પિત્તનો સ્ત્રાવ કરવો હોય છે. ક્યારેક-ક્યારેક પિત્તાશયમાં કોલેસ્ટ્રોલ, બિલીરૂબિન અને પિત્ત ક્ષારને જમા કરે છે. 80 ટકા પથરી કોલેસ્ટ્રોલની બનેલી હોય છે. જે ધીરે-ધીરે તે કઠોર થઈ જાય છે અને પિત્તાશયની અંદર પત્થરનું સ્વરૂપ લઈ લે છે. પથરીનો આકાર રેતીના કણથી લઈને ગોલ્ફના દડા જેટલું હોઈ શકે છે. 

 
પિત્તાશયની પથરીના લક્ષણ
 
પિત્તના પ્રવાહમાં બાધા પેદા થવાથી બહુ વધારે દુઃખાવો અને લીવર કે સ્વાદુપિંડમાં સોજો આવી શકે છે. અચાનક પેટના જમણા ભાગમાં તીવ્ર દર્દ, પીઠમાં દર્દ, ઉબકાં આવવા કે ઊલટી થવી, પેટ ફુલવું, અપચો, કંપારી છૂટવી, માટી જેવા રંગનો મળ થવો વગેરે તેના લક્ષણો છે.
 
પિત્તાશયની પથરીને કારણે થનારો દુઃખાવો કેટલીક મિનિટ કે કલાક સુધી પણ રહે છે. પથરી થવાનું મુખ્ય કારણ જીવનશૈલીનું સ્વસ્થ ન હોવું હોય છે. ગર્ભાવસ્થા, સ્થૂળતા, ડાયાબિટીસ, લીવરની બીમારી, આળસુ જીવન, ચરબીવાળો ખોરાક અને એનિમિયાના કેટલાક પ્રકારને કારણે પણ પથરી થવાનો ખતરો વધી જાય છે.
 
નાશપતી
 
નાશપતીમાં પેક્ટિન તત્વ હોય છે જે કોલેસ્ટ્રોલથી બનેલી પથરીને નરમ બનાવે છે જેથી તે શરીરમાંથી સરળતાથી બહાર નિકળી શકે છે. નાશપતીનું સેવન પથરીના દર્દ અને લક્ષણોમાં રાહત આપે છે. તેના માટે અડધો ગ્લાસ ગરમ પાણી અને અડધો ગ્લાસ નાસપતીનું જ્યૂસ લેવું. બન્ને મિક્ષ કરીને તેમાં બે ચમચી મધ મિક્ષ કરવું. પછી દરરોજ દિવસમાં ત્રણવાર આનું સેવન કરવાથી પિત્તાશયની પથરીની સમસ્યામાં ગજમનો લાભ થાય છે.
 
બીટ, કાકડી અને ગાજરનો ઉપાય
 
પથરી માટે જ્યૂસ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ્યૂસ લીવર અને આંતરડાને સાફ કરે છે અને મજબૂત બનાવે છે. આ ત્રણેય વસ્તુઓનું જ્યૂસ લીવરને ડિટોક્સીફાઈ કરે છે. સાથે જ શરીરને અઢળક પોષક તત્વો પણ મળી રહે છે. તેના ઉપયોગ માટે બીટ, કાકડી અને ગાજરના રસને સરખા પ્રમાણમાં લઈને મિક્ષ કરી લેવું. આ જ્યૂસનું દિવસમાં બેવાર સેવન કરવાથી પથરીમાં ગજબનો લાભ થશે. 
 
હળદર
 
પથરી માટે હળદર એક ઉત્તમ ઘરેલૂ ઉપચાર છે. હળદરમાં ઉત્તમ એન્ટીઓક્સીડેન્ટ અને ઈન્ફ્લામેન્ટરી ગુણ હોય છે. હળદર પિત્ત, પિત્ત સંયોજકો અને પથરીને સરળતાથી દૂર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે રોજ એક ચમચી હળદરનું સેવન કરવાથી 80 ટકા પથરી નાશ પામે છે. જેથી જો તમને પથરીની સમસ્યા હોય તો આજથી હળદરનું સેવન શરૂ કરી દો.
 
બીટ, નાશપતી અને સફરજનનો રસ
 
બીટ, નાશપતી અને સફરજનના રસ દ્વારા પથરીનું પ્રાકૃતિક રીતે પ્રભાવી ઉપચાર કરી શકાય છે. વિવિધ રસ જેમ કે બીટનો રસ, નાશપતીનો રસ અને સફરજનનો રસ પીવાથી લીવર સાફ રહે છે. જેથી પથરી થતાં રોકવી હોય તો આ ત્રણેય ફળોના રસનું સેવન કરવું જોઈએ.
 
ફુદીનો
 
ફુદીનામાં અઢળક ઔષધીય ગુણો રહેલાં છે આ વાત તો મોટાભાગના લોકો જાણે છે. અનેક દેશી દવાઓમાં પણ ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પથરીની સમસ્યા માટે ફુદીનાનો પ્રયોગ કારગર સાબિત થાય છે. ફુદીનાનો રસ પિત્ત અને અન્ય પાચક રસોના પ્રવાહને ઉત્તેજિત કરે છે. તેમાં ટેરપિન નામનું સંયોજક હોય છે, જે પ્રભાવી રીતે પથરીને દૂર કરવામાં મદદ કરે છે. જેના માટે તમે ફુદીના પાનને ઉકાળીને પિપરમિંટ ટીનું સેવન પણ કરી શકો છો. પથરીની સમસ્યા માટે આ એક કારગર ઈલાજ છે. 
 
વિટામિન સી
 
વિટામિન સી આપણાં સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી વિટામિન છે. રોગો સામે લડવા માટે વિટામિન સીથી ભરપૂર ફૂડ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેની સાથે જ પથરીની સમસ્યાને દૂર કરવા માટે પણ વિટામિન સી જરૂરી છે. તમે વિટામિન સી મેળવવા માટે ડોક્ટરની સલાહથી સપ્લીમેન્ટનું સેવન પણ કરી શકો છો. આ સિવાય નેચરલ વસ્તુઓ જેમ કે સંતરા, મોસંબી, ટામેટા, લીંબૂ વગેરેમાંથી પણ તમે વિટામિન સી મેળવી શકો છો. પથરીને દૂર કરવા આ સરળ ઘરેલૂ ઉપચાર અજમાવી શકો છો.
 
એપ્પલ સીડર વિનેગર
 
એપ્પલ સીડર વિનેગરની ક્ષારીય પ્રકૃતિ લીવરને કોલેસ્ટ્રોલ બનાવવાથી રોકે છે, જે મોટાભાગની પથરી બનવાનું કારણ હોય છે. એપ્પલ સીડર વિનેગરનું સેવન પથરીને તોડીને તેને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક ગ્લાસ સફરજનના જ્યૂસમાં એક ચમચી એપ્પલ સીડર વિનેગર નાખીને દિવસમાં એકવાર તેનું સેવન કરવું ચોક્કસ લાભ થશે.
 
ડેન્ડિલિઅન (પીળા ફૂલનો જંગલી છોડ)
 
પથરી માટે આ એક ઉત્તમ હર્બલ ઉપચાર છે. તેમાં ટારાક્સિન નામનું તત્વ જોવા મળે છે જે લીવરથી પિત્ત સ્ત્રાવમાં મદદ કરે છે તથા પથરીને બનતા અટકાવે છે. આ લીવરમાં જામેલા ફેટને પણ દૂર કરે છે. તમે આના પાનની હર્બલ ટી બનાવી શકો છો. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે આનું સેવન ન કરવું જોઈએ. હર્બલ ટી બનાવવા માટે એક કપ નવશેકા પાણીમાં ડેન્ડિલિઅનના ડ્રાય પાન એક ચમચી અને થોડું મધ મિક્ષ કરવું. આ ચા દિવસમાં 2 વાર પીવાથી લાભ થશે.
 
લીંબૂનો રસ
 
લીંબૂનો રસ કે ખાટ્ટા ફળોનો રસ પિત્તાશયમાં કોલેસ્ટ્રોલને જમા થતાં અટકાવે છે અને પથરી બનતા અટકાવે છે જેથી દિવસમાં ત્રણવાર લીંબૂના રસનું સેવન કરવું જોઈએ. આ સિવાય અન્ય ઉપાય તરીકે 30 એમએલ ઓલિવ, 30 એમએલ લીંબુનો રસ અને 5 ગ્રાન લસણની પેસ્ટ લઈ બધું બરાબર મિક્ષ કરવું. દરરોજ સવારે ખાલી પેટે આ મિશ્રણનું સેવન કરવું. 40 દિવસ સુધી સતત આ ઉપાય કરવાથી પથરી દૂર થઈ જશે.
 
દીવેલ
 
દીવેલ પથરીને રોકવામાં અને પથરી દૂર કરવામાં મદદ કરે છે. તેમાં દર્દનાશક ગુણ હોય છે જેથી તે પથરીના દુઃખાવાને ઝડપથી દૂર કરે છે. પ્રતિરક્ષા અને લસિકા પ્રણાલી પર દીવેલ લાભકારી રહે છે. જ્યાં પિત્તાશય હોય છે ત્યાં હળવા હાથે દીવેલથી માલિશ કરવી અથવા ભોજનમાં દીવેલનો ઉપયોગ કરવો.
 
ફાઈબરથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થ
 
વર્તમાન સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ફાઈબરવાળા ખોરાક અને ઓછી ચરબીવાળા ખોરાકનું સેવન કરવાથી પથરી દૂર કરી શકાય છે. ફાઈબર મળ ત્યાગ અને પાચન સુધારવામાં મદદ કરે છે. એવો ખોરાક જેમાં ચરબી ઓછી હોય તે પિત્તાશયમાં કોલેસ્ટ્રોલને બનતા અટકાવે છે. કોર્ન, બ્રોકોલી, કોબીજ, બેરીઝ, રાજમા, મશરૂમ, ઓરેન્જ, લીલા પાનવાળી શાકભાજી, ફળો, જવમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.