આ 11 ભૂલોથી જલ્દી પુરુ થાય છે ઇન્ટરનેટ ડેટા પેક, આવી રીતે બચો

04 Oct, 2015

 દરેક સ્માર્ટફોન યૂઝર્સ ઇન્ટરનેટ પેકનો ઉપયોગ કરતો હોય છે. કોઇ લિમીટેડ તો કોઇ અનલિમીટેડ ડેટા પેકનો યૂઝ કરે છે. મેઇલ, ડાઉનલોડિંગ, એપ્સ, બ્રાઉઝિંગ, ગેઇમ તેમજ અન્ય કેટલાક મહત્વના કામો યૂઝર્સ ઇન્ટરનેટના ઉપયોગથી કરે છે, ઘણીવાર યૂઝર્સની ફરિયાદ હોય છે કે ઇન્ટરનેટ પેક સમય કરતા જલ્દી પુરુ થઇ ગયું, આમ થવાનું કારણ યૂઝર્સની કેટલીક ભૂલો છે. divyabhaskar.com તમને બતાવી રહ્યું છે આવી 11 ભૂલો વિશે જેનાથી તમારું ઇન્ટરનેટ ડેટા પેક જલ્દી પુરુ થઇ જાય છે. 

 
ભૂલ નંબર-1 
એપ્સ ઓટો એપડેટ
 
યૂઝર્સ સ્માર્ટફોનમાં પોતાની જરૂરિયાત પ્રમાણે એપ્સેને અપડેટ કરે છે. પણ ઘણીવાર એપ્સનું અપડેટ વર્ઝન આવે છે એટલે એપ્સ ઓટો અપડેટ થઇ જાય છે. યૂઝર્સને આની કંઇ જ જાણ થતી નથી. આવા અપડેટ લગભગ 30-40MBથી પણ વધુના હોય છે. એટલે કે 100MBનો ડેટા તો માત્ર ત્રણ એપ્સ અપડેટ થવામાં જ પુરો થઇ જાય છે. 
 
બંધ કરવા શું કરવું
 
સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોરમાં જઇને સેટિંગમાં ઓટો અપડેટ ઓપ્શનને બંધ કરી દો. ત્યારપછી કોઇપણ એપ્સ ઓટો અપડેટ નહીં થાય. બની શકે તો એપ્સને ઓટો અપડેટ કરવા વાઇફાઇ ઓપ્શનનો જ ઉપયોગ કરવો.
 
ભૂલ નંબર-2 
ઇન્ટરનેટ ડેટાની માહિતી 
 
ઇન્ટરનેટ ડેટા પેક પુરુ થવાની સાથે જ તમારા મેઇન બેલેન્સમાંથી પૈસા કપાવવા માંડે છે. આને રોકવા માટે ડેટાની લિમીટ સેટ કરવી જરૂરી છે. ડેટા લિમીટ સેટ કરવા માટેનું સેટિંગ્સ સ્માર્ટફોનમાં હોય જ છે, તેનાથી તમને ડેટા પુરુ થવાની રેગ્યુલર જાણકારી મળી રહેશે.  
 
ડેટા લિમીટ સેટ કરવા શું કરવું
 
લિમીટ સેટ કરવા માટે સ્માર્ટફોનમાં સેન્સ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકો છો. તેમા તમે દિવસ પ્રમાણે પણ ડેટા લિમીટ સેટ કરી શકો છો એટલે કેટલો ડેટા વપરાય છે તેની માહિતી સમયસર તમને મળતી રહેશે. સાથે સાથે તમને કેટલો એવરેજ ડેટા વપરાય છે તેની પણ જાણ થશે. 
 
ભૂલ નંબર-3
બિનજરૂરી નોટિફિકેશન 
 
સ્માર્ટફોનમાં યૂઝર્સ કેટલીય વાર એપ્સને ઓપન કરીને મિનીમાઇઝ કરી દે છે. આવું કરવાથી ડેટા પેક સતત વપરાતો રહે છે. ફેસબુક, વૉટ્સઅપ, ટ્વીટર અથવા તો કોઇપણ એપ જે એકવાર ઓપન કર્યા પછી બેક કરી દેવાય છે, તેમાં ડેટા સતત વપરાતો રહે છે. આવી એપ બેકગ્રાઉન્ડમા સતત ચાલું જ રહે છે અને તેના દરેક નોટિફિકેશન આવતા રહે છે. 
 
શું કરવું 
 
કોઇ એપ્સ બેકગ્રાઉન્ડમાં ઓપન હોય ત્યારે તેને બંધ કરી દેવી જોઇએ. જે એપનો વધુ વપરાશ હોય તેને જ ચાલું રાખવી જોઇએ. આવી એપથી ડેટા પેક અને બેટરી પણ વપરાય છે.
 
ભૂલ નંબર-4 
બેકગ્રાઉન્ડ ડેટા 
 
ઘણીવાર તમને ખબર પણ નથી હોતી અને બેકગ્રાઉન્ડમાં કેટલીય એપ્લીકેશન ચાલતી હોય છે.  આવી એપ્લીકેશન ઇન્ટરનેટનો વધુ વપરાશ કરે છે આવી તમામ એપ્સને બંધ કરવી જોઇએ.
 
બંધ કરવા શું કરવું
 
બેકગ્રાઉન્ડ ડેટા બંધ કરવા માટે સેટિંગ્સમાં ડેટા યૂજેસમાં જઇને બેકગ્રાઉન્ડ ડેટા રિસ્ટ્રીક્ટ પર ક્લિક કરો. આમ કરવાથી બેકગ્રાઉન્ડ ડેટા બંધ થઇ જશે. જ્યારે તમે એપ્લીકેશન ઓપન કરશો ત્યારે જ ડેટાનો ઉપયોગ થશે. 
 
ભૂલ નંબર-5 
2G અને 3Gનો ઉપયોગ 
 
જો તમારો સ્માર્ટફોન 3Gને સપોર્ટ કરતો હોય તો પહેલા જાણી લો કે તમારા સ્માર્ટફોનમાં એવી કેટલી એપ્સ છે જે 3G નેટવર્ક પર પણ કામ કરે છે. કારણ કે 3G નેટવર્કમાં ડેટા જલ્દીથી પુરો થઇ જાય છે અને બેટરી પણ જલ્દી ડિસ્ચાર્જ થઇ જાય છે. 
 
શું કરવું 
 
મોટાભાગની એપ્સ 2G નેટવર્કમાં સારો રિસ્પોન્સ આપે છે, માત્ર વીડિયો સ્ટ્રીમિંગ જેવી એપ્સમાં જ 3G નેટવર્કની જરૂરિયાત રહે છે. જેથી 2G નેટવર્કનો જ ઉપયોગ કરો અને જરૂરિયાતના સમયે જ 3G નેટવર્કનો ઉપયોગ કરવો વધુ સારો રહેશે.
 
ભૂલ નંબર-6
ઓનલાઇન ઓડિયો/વીડિયો 
 
સ્માર્ટફોન પર ગીતો સાંભળવા માટે કેટલીય ઓનલાઇન એપ્સ છે. જેના દ્વારા તમે તમારા મનપસંદ ગીતો સ્ટોરેજ કર્યા વિના ઓનલાઇન સાંભળી શકો છો. આવી એપ્સ પર સૌથી વધારે ડેટા વપરાય છે. એમાય ખાસ કરીને ઓડીયોમાં ઓછો અને વીડિયોમાં વધારે ડેટા વપરાય છે. 
 
શું કરવું
 
મ્યૂઝીક સ્ટ્રીમિંગથી તમે ગીતો સાંભળવા માંગતા હોય તો વાઇ-ફાઇ નેટવર્કનો વધું ઉપયોગ કરો. યૂટ્યુબ પરથી પણ તમે ગીતો સાંભળી શકો છો. તેની સાથે તમે તેનું રિઝોલ્યુશન પણ ઓછુ કરી શકો છો. 
 
ભૂલ નંબર-7
વૉટ્સઅપ પર ઓટો ડાઉનલોડ
 
જ્યારે તમે સ્માર્ટફોનમાં વૉટ્સઅપ ડાઉનલોડ કરો ત્યારે તેમાં ઇમેજ ઓટો ડાઉનલોડનો ઓપ્શન ઓન હોય છે, જેના કારણે વૉટ્સઅપ પર જે ઇમેજ શેર થાય છે તે ઓટો ડાઇનલોડ થઇ જાય છે. જોકે, આ સમયે ઓડિયો-વીડિયોનો ઓટો ડાઉનલોડ ઓપ્શન બંધ હોય છે. ઓટો ડાઉનલોડથી સૌથી વધું ઇન્ટરનેટ ડેટા પેક વપરાય છે. 
 
શું કરવું
 
બંધ કરવા માટે વૉટ્સઅપ સેટિંગ્સમાં જઇને ઇમેજ ઓટો ડાઉનલોડનો ઓપ્શનને ઓફ કરી દો, પછી જે કામની ઇમેજ હોય તેને ડાઉનલોડ કરી શકો છો. આમાં વાઇ-ફાઇથી મીડિયા ડાઉનલોડનો ઓપ્શન હોય છે તેને ઓલટાઇમ સિલેક્ટ કરી શકો છો, આના જેમ જ રોમિંગમાં પણ વાઇ-ફાઇથી ડાઉનલોડ ઓપ્શનને ઓન રાખો.
 
ભૂલ નંબર-8 
ઇન્ટરનેટ ફ્રી કોલિંગ 
 
આજકાલ મોટાભાગની મેસેજિંગ એપ્સ ફ્રી કોલિંગની સર્વિસની સુવિધા આપે છે. ફ્રી કોલિંગથી તમારો ઇન્ટરનેટ ડેટા ઝડપથી વપરાય છે. જોકે, આ ઓપ્શન ઇન્ટરનેશનલ કૉલ કરવા માટે ખુબ સારો સાબિત થાય છે. 
 
શું કરવું 
 
બને ત્યાં સુધી આ એપ્સથી કૉલિંગ ત્યારે જ કરો જ્યારે તમે વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરતા હોય. વાઇ-ફાઇથી વૉઇસ ક્લિયરિટી પણ સારી મળે રહે છે. 
 
ભૂલ નંબર-9 
ઓનલાઇન ગેમ 
 
કેટલાય યૂઝર્સને ઓનલાઇન ગેમ્સ રમવાનો શોખ હોય છે. તેના માટે કેટલીય એપ્સ આવે છે. પણ શું તમને ખબર છે ગેમ્સ રમતી વખતે નીચે ઘણી બધી એડ આવતી રહે છે. આ એડ તમારા ડેટા પેકને ખાઇ જાય છે. 
 
શું કરવું
 
જ્યારે તમે સ્માર્ટફોન પર ગેમ્સ રમતા હોય ત્યારે મોબાઇલનો ડેટા બંધ કરી દેવો જોઇએ. જેથી ગેમ્સ રમતી વખતે એડ નહી આવે અને ડેટા પણ સેવ રહેશે.
 
ભૂલ નંબર-10
ડેટાનો ખોટો ઉપયોગ 
 
સ્માર્ટફોન પર ઓનલાઇન આર્ટીકલ વાંચનારા યૂઝર્સનો ડેટા પણ જલ્દી પુરો થઇ જાય છે. આર્ટિકલ્સ વાંચવા માટે તમે જે બ્રાઉઝર્સનો ઉપયોગ કરો છો તેના પર ઘણીબધી એડ આવે છે. તેમજ આર્ટિકલ જેટલો લાંબો હોય તેટલો ડેટા પેક વધારે વપરાય છે. 
 
શું કરવું
 
આનાથી બચવા માટે તમારે બ્રાઉઝર્સ કમ્પ્રેશનનો ઉપયોગ કરવો જોઇએ, ગુગલ ક્રોમ 'રિડ્યુસ ડેટા યુજેસ' (Reduce data usage)નો ઓપ્શન આપે છે, જેનાથી વેબપેજની સાઇઝ પણ ઓછી થાય છે અને ડેટા પણ સેવ થાય છે. આવી રીતે ઓપેરા પણ વીડિયો કમ્પ્રેસ કરીને પ્લે કરે છે જેથી ડેટા સેવ થાય છે. 
 
ભૂલ નંબર-11
વાઇ-ફાઇની જગ્યાએ ડેટા પેક 
 
મોબાઇલ ડેટા કનેક્શનની જગ્યાએ વાઇ-ફાઇનો ઉપયોગ કરવો જોઇએ. આનાથી ઇન્ટરનેટ ડેટા પેક સેવ રહે છે અને તેનો ઉપયોગ વાઇ-ફાઇ ના હોય ત્યાં કરી શકો છો. 
 
શું કરવું 
 
જે યૂઝર્સની ઓફિસમાં વાઇ-ફાઇ નેટવર્ક હોય તેનાથી જ તેનો સ્માર્ટફોન કનેક્ટ કરવો જોઇએ.