ફિલ્મ રિવ્યૂઃ તલવાર

02 Oct, 2015

 ફિલ્મ રિવ્યૂઃ તલવાર

રેટિંગઃ 4
સ્ટાર કાસ્ટઃ ઈરફાન ખાન, કોંકણા સેન શર્મા, નીરજ કાબી
ડિરેક્ટરઃ મેઘના ગુલઝાર
નિર્માતાઃ વિનીત જૈન, વિશાલ ભારદ્વાજ
સંગીતઃ વિશાલ ભારદ્વાજ
પ્રકારઃ મર્ડર-મિસ્ટ્રી-થ્રિલર
 
ડિરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ 'તલવાર' આરૂષિ મર્ડર કેસ પર આધારિત છે. આરૂષિ મર્ડર કેસમાં આરૂષિ તથા તેના ઘરના નોકરની હત્યા થઈ હતી અને આ કેસમાં આરૂષિના માતા-પિતાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં ઈરફાન ખાન, કોંકણા સેન શર્મા,નીરજ કાબી અને સોહમ શાહ જેવા કલાકારો છે. તબુએ ફિલ્મમાં કેમિયો કર્યો છે. 
 
'ફિલહાલ', 'જસ્ટ મેરિડ' અને 'દસ કહાનિયાં' જેવી ફિલ્મ્સ ડિરેક્ટ કર્યા બાદ મેઘનાની આ ફિલ્મથી દર્શકો સાથે જ આશ્ચર્યમાં મૂકાઈ જશે તે નક્કી છે. રિયલ લાઈફ મર્ડર મિસ્ટ્રી પર ફિલ્મ બનાવીને મેઘનાએ પોતાની ટેલેન્ટનો પરચો આપ્યો છે. આ સિવાય ફિલ્મના રાઈટર વિશાલ ભારદ્વાજે પણ ઘણી જ મહેનત કરી છે. મેઘના અને વિશાલની જોડીએ આ ફિલ્મને જહરજસ્ત બનાવી દીધી છે. 
 
ફિલ્મની સારી બાબત એ છે કે ફિલ્મના અંતે કોઈ એક વ્યક્તિને દોષિત જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ ત્રણ-ત્રણ અલગ થિયરી આપીને દર્શકો પર એ છોડી મૂકવામાં આવ્યું છે કે આખરે કોને ગુનો કર્યો છે. તેમાં નોઈડા પોલીસની થિયરી, સીઆઈડીની થિયરી અને ત્રીજી થિયરી નવી નિમાયેલી સીઆઈડીની ટીમે કેવી રીતે કેસની તપાસ કરી તે વાત બતાવવામાં આવી છે. 
 
એક સેકન્ડ માટે પણ દર્શકોને ફિલ્મ જોવાનો કંટાળો નહીં આવે તે નક્કી છે. આ ફિલ્મ દર્શકોને વિચારતા કરી મૂકી તેવી છે. વિશાલ ભારદ્વાજનો સ્ક્રિનપ્લે ઘણો જ રિયાલિસ્ટિક છે. સીઆઈડી ટીમનું ઈન્વેસ્ટિગેશન, ફોરેન્સિક એજન્સી, રિકન્સ્ટ્રક્શન વગેરે બાબતો ફિલ્મમાં ઘણી જ અદ્દભૂત રીતે બતાવવામાં આવી છે. 
 
અભિનયની વાત કરવામાં આવે તો ઈન્વેસ્ટિગેટર ઓફિસર તરીકે ઈરફાને પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે. જ્યારે નીરજ કાબી અને કોંકણા સેન શર્માએ પણ કાબિલે-તારિફ અભિનય કર્યો છે. સીઆઈડી ઓફિસર્સ તરીકે શીશીર શર્મા અને પ્રકાશ બેલવાડીએ પણ પ્રશંસનીય અભિનય કર્યો છે. તો તબુએ નાનકડો પણ દમદાર રોલ કર્યો છે. 
 
'તલવાર' બે કલાકને 15 મિનિટની ફિલ્મ છે. અંતિમ 15 મિનિટનો કોર્ટરૂમ ડ્રામા દર્શકોને ખુરશી સાથે જકડી રાખે છે. સીઆઈડી ટીમ નોકરોને દોષિત જાહેર કરવા માટે દલીલો કરે છે અને અન્ય એક ટીમ માતા-પિતાને દોષિત માને છે. આ બંને વચ્ચેની દલીલો-પ્રતિ દલીલો દમદાર છે. 
 
ફિલ્મનું સંગીત ઘણું જ સામાન્ય છે. આમ તો વિશાલ ભારદ્વાજનું સંગીત ઘણું જ સારું હોય છે પરંતુ આ ફિલ્મમાં સંગીત નબળી કક્ષાનું છે. 
 
ટૂંકમાં જેમને ઈન્વેસ્ટિગેટિવ સ્ટોરી પસંદ છે અને આરૂષિ મર્ડર કેસની જાણકારી હોય તેમણે ચોક્કસથી આ ફિલ્મ જોવી જ જોઈએ..