થોડા મોંઘા પણ હેલ્થ માટે 'પૈસા વસૂલ' છે ડ્રાયફ્રૂટ્સ

10 Feb, 2015

શિયાળો આવતાં જ જાણે હેલ્થ બનાવવાની આપણે રેસ લગાવવા માંડીએ છીએ. ગરમીમાં આમ પણ કાંઈ ખાવું ગમતું નથી. શિયાળામાં ભૂખ પણ ઉઘડે અને કદાચ આપણા હવામાનમાં આ જ સમય છે જ્યારે થોડું હેલ્ધી ખાઈને બારે મહિના ચલાવી લઈએ.

શિયાળો હોય કે કોઈ પણ સીઝન સૂકા મેવાનું મહત્વ ધીરે ધીરે વધતું જાય છે. સૂકા મેવાની સાદી વ્યાખ્યા એ છે કે જ્યારે તાજાં ફળની સુકવણી કરવામાં આવે અને તેનાથી પાણીનો ભાગ ઊડી જાય અને બાકીનો ભાગ જે વિટામિનથી ભરપૂર છે તેને આપણે સૂકા મેવાના રૂપમાં વાપરીએ છીએ. ખાસ કરીને કસરત કરતાં પહેલાં સ્ટેમિના જાળવવા માટે ૧ મૂઠી ડ્રાયફ્રૂટ ખાવાથી કસરત સારી રીતે થાય છે તે જ રીતે ઘણી વખત બપોરના સમયે કાંઈક ચગળવાનું મન થાય ત્યારે ડ્રાયફ્રૂડ ખાઈને પાણી પી લઈએ તો પેટ ભરાઈ જાય છે.

  • અંજીર, ફ્લેક્સ સીડ્ઝ વગેરેમાં ફાઇબર્સ ભરપૂર પ્રમાણમાં આવેલાં છે.
  •  અંજીર, ફ્લેક્સ સીડ્ઝ વધુ પડતાં પ્રમાણમાં લેવામાં ના આવે તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.
  •  અંજીર, ફ્લેક્સ સીડ્ઝમાં પોષણ ભરપૂર છે. જેમ કે, વિટામિન 'એ', એમિનો એસિડ, ઓમેગા-૩ ભરપૂર પ્રમાણમાં આવેલાં છે.
  •  ખજૂર, અંજીર વગેરે ખાંડની જગ્યાએ દૂધમાં વાપરી 'નેચરલ સુગર'નો ફાયદો લઈ શકાય છે.
  •  બદામ, અખરોટ વગેરે પ્રોટીનથી ભરપૂર છે અને ફાઇબર્સથી ભરપૂર છે. તેમાં આવેલી 'ફેટ' હાર્ટ માટે સારી છે.

રોગો સામે રક્ષણ આપે છે

ડાયાબિટીસ- રેગ્યુલરલી ૧ મૂઠી મિક્સ ડ્રાયફ્રૂટ લેવાથી શરીર ઇન્સ્યુલિન રેસિસ્ટન્સનો સામનો કરી શકે છે.

હૃદયરોગ- સૂકા મેવામાં આવેલી 'ફેટ' અને ઓમેગા - ૩ ફેટી એસિડથી હાર્ટના રોગો દૂર રાખી શકાય છે.

એન્ટિ ઇન્ફેમેટરી છે

સૂકા મેવામાં આવેલું ઓમેગા - ૩ શરીરમાં પાણીનો ભાગ અને સોજા ઓછા કરે છે. આર્થરાઇટિસના પેશન્ટને મદદરૂપ થાય છે.

ધ્યાનમાં રાખો

સૂકો મેવો જેમ કે, બદામ, પિસ્તાં, સિંગ ખારા એટલે કે મીઠાવાળાં ખાવાં નહીં તેનાથી ફાયદો ઓછો અને નુકસાન વધુ થશે.

  •  સીડ્ઝ જેવાં કે ફ્લેક્સ સીડ્ઝ વગેરે સ્વાદિષ્ટ બનાવવાં વધુ પડતાં મીઠા અને મસાલાવાળાં આવે છે, તેના બદલે ઘરે મીઠા વગર બનાવી વાપરવાં વધુ હિતાવહ છે. ફ્લેક્સ સીડ્ઝ દિવસમાં વધુમાં વધુ ૧ ટેબલસ્પૂન લઈ શકાય, વધુ લેવાં નહીં.
  •  વધુ પડતો સૂકો મેવો વજન વધારી શકે છે. દિવસમાં કુલ ૧ મૂઠી જેટલાં ગમે તે સમયે વાપરી શકાય છે. કાજુ અને દ્રાક્ષ વધુ પડતાં લેવાં નહીં.