ચાલુ વાહને હવે તમે મોબાઈલમાં વાત કરતા પકડાશો તો શું થશે ? જાણવા જેવું છે..

07 Jul, 2018

ઉત્તરાખંડમાં હવેથી જો કોઈ પણ વ્યક્તિ ચાલુ વાહને ફોન પર વાત કરતું જોવા મળશે તો એક દિવસ માટે પોલીસ તેનો ફોન જપ્ત કરી લેશે. શુક્રવારે નૈનિતાલ હાઈકોર્ટે રાજ્યમાં રોડ સેફ્ટી અંગેની અરજીની સુનાવણી દરમિયાન ટ્રાંસપોર્ટ વિભાગને આદેશ આપ્યો છે કે, નિયમ ભંગ કરનારા લોકોનો મોબાઈલ 24 કલાક માટે જપ્ત કરી લેવામાં આવે અને યોગ્ય કારણ સાથે મોબાઈલ જપ્ત કર્યાની રિસિપ્ટ આપવી.
 

 
ગયા મહિને જ કોર્ટે ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ વાપરનાર સામે લાલ આંખ કરી હતી અને નિયમ તોડનાર વ્યક્તિનું ડ્રાઈવિંગ લાઈસન્સ કેન્સલ કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે, ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરનાર વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં નાખે છે સાથે સાથે અન્ય લોકોની સુરક્ષા પણ જોખમાય છે. જ્યાં સુધી રાજ્ય સરકાર કોઈ ચોક્કસ દંડ નક્કી ન કરે ત્યાં સુધી કાયદો તોડનાર દરેક વ્યક્તિ પાસેથી 5,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.
 

 
શુક્રવારે જસ્ટીસ રાજીવ શર્માની સિંગલ જજની બેંચે એક મહિનામાં રાજ્યના રોડની સેફ્ટીનું ઓડિટ કરવા સહિતના નિર્દેશો આપ્યા છે. આ અઠવાડિયે પૌરીગઢવાલના ધુમકોટ વિસ્તારમાં બસ અકસ્માતમાં 48 લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે અકસ્માત ઓછા કરવા રોડની સ્થિતિ ચકાસવાનો પણ આદેશ આપ્યો છે. 4 જુલાઈએ બેન્ચે રાજ્યના ટ્રાંસપોર્ટ વિભાગના સેક્રેટરીને સમંસ પાઠવ્યું અને રોડ સેફ્ટીની સમસ્યાઓ અને તેના સમાધાન અંગે જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.