વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ

14 Sep, 2016

માંડવી તાલુકાની ગાઢ વનરાજીથી શોભતા ધજ ગામની તાજેતરમાં દેશના પ્રથમ ઇકો વિલેજ તરીકે પસંદગી કરવામાં આવી છે. ઇકો વિલેજના પૂરેપૂરા અમલીકરણથી ગામડાની પર્યાવરણીય પરિસ્થિતિમાં બદલાવ આવશે અને ગામડાઓ આર્થિક તેમજ ટકાઉ વિકાસ સાધવા સક્ષમ બની રહેશે. ગામડાના લોકો પારંપારિક વ્યવસાય છોડીને તેઓ રોજગારીની આશાએ શહેરો તરફ વળતા થયા હતા. જેના માટે સરળ આજીવિકાના સ્ત્રોત મળી રહે તેના હકારાત્મક નિરાકરણ માટે ઇકો વિલેજ શ્રેષ્ઠ વિકલ્પ છે.
 
ગામડાંઓને આર્થિક તેમજ પર્યાવરણની દૃષ્ટિએ સમૃદ્ધ બનાવવા પ્રયાસ

રાજ્યના દરેક નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે સામુહિક ચેતના જાગૃત થાય, તેનું રક્ષણ કરવાનું વલણ બને અને આ રીતે લોકોને સંગઠિત કરી રાજયભરમાં પર્યાવરણને સંતુલિત બનાવી શકાય તેવા હેતુસર રાજ્યના વન- પર્યાવરણ વિભાગે  દ્વારા 1992માં ગુજરાત ઇકોલોજિ કમિશન (જીઇસી)ની સ્થાપના કરી હતી. કુદરતી સ્ત્રોતોના અણધાર્યા ઉપયોગો થકી ગ્રામીણ વિસ્તારમાં નાના અને મધ્યમ ખેડૂતોની આજીવિકાના સ્ત્રોતો પણ ઘટી ગયા છે. જેથી પારંપારિક વ્યવસાયોમાં પણ રસ ઘટવા માંડ્યો છે અને તેના પરિણામ સ્વરૂપે લોકો ખેતી જેવા પારંપારિક વ્યવસાય છોડીને રોજગારીની આશાએ શહેરો તરફ વળવા માંડ્યા છે. સતત અને સરળ આજીવિકાના સ્ત્રોત મળી રહે તે માટે ઇકો વિલેજ શ્રેષ્ઠ વિકલ્પ છે. જે રાજયભરમાં વિકસાવાશે.
  આ કવાયતમાં ધજ ગામની દેશમાં પ્રથમ પસંદગી થઈ છે. ઇકો વિલેજના પૂરેપૂરા અમલીકરણથી ગામડાની સ્થિતિ બદલાશે તેમજ આર્થિક વિકાસ સાધી સક્ષમ બનશે. ગામડામાં વેસ્ટ વોટરમેનેજમેંટ, વીજળી માટે સૂર્ય અને પવનશક્તિ થકી ઊર્જા પ્રાપ્ત કરવાની સિસ્ટમ, જૈવિક કચરામાંથી કૃષિમાં ઉપયોગી ખાતર તેમજ સ્થાનિક રહેણીકરણી, સાંસ્કૃતિક-કળાના આધારે રોજગારીનું મોડેલ વિકસાવી વિકાસ કરાશે. ધજ ગામની સહભાગી વનવ્યવસ્થા સમિતિના સહયોગ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક રહીશોને સોલર હોમલાઇટ, સોલર સ્ટ્રીટલાઇટ, કુકર વિવિધ બિયારનો સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ બનશે

આ યોજનામાં અમારા ગામની પસંદગી થતાં લોકો ખુશ છે. ગ્રામજનો પણ પૂરો સહયોગ આપવા કટિબધ્ધ છે. પર્યાવરણની જાળવણી સાથે આજીવિકા માટેની યોજના ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ બનશે. - પ્રમુખ, સહયોગી વ્યવસ્થાપક સમિતિ
 
ઇકો વિલેજથી ઘણા ફાયદા થશે

કુદરતી સ્ત્રોત વડે ગામડાંનો આર્થિક-સામાજિક વિકાસ થશે. જેનાથી કુદરતી સ્ત્રોતનો ઉપયોગ તેમજ જાળવણી કરીને ગામ અને લોકોને આર્થિક રીતે સદ્ધર બનાવી સંતુલિત વિકાસ કરવાનો આ પ્રયાસ છે. - પૂનિત નૈયર, ડીએફઓ સુરત
 
દેશમાં પ્રથમ ઈકો મોડેલ તરીકે પસંદગી

ધજ ગામ દેશનું પ્રથમ ઇકો મોડેલ વિલેજ બન્યું છે. લોકોની કુદરતી સંશાધનો પરની નિર્ભરતા ઘટશે, પર્યાવરણ જાળવણી સાથે સંતુલિત વિકાસ થશે અને કાર્બન ન્યુટ્રલ વિલેજને પ્રોત્સાહન મળશે. - એસ.કે. ચતુર્વેદી, મેમ્બર સેક્રેટરી, જીઇસી, ગાંધીનગર.